આજરોજ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆનું પરિણામ ૮૯% આવ્યું છે. શાળાના કુલ ૧૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૧૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ભુતા ઝકીયા મોહમ્મદઝાહીદ ૯૪.૬૭% સાથે સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ અમેરિકન સાદ જુનેદ ૯૧.૬૭% સાથે દ્વિતિય અને સામલી સુઝાન ઇકબાલ તથા લુહાર અફઝલ અસલમે ૯૧.૩૩% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ મુબારકબાદી પાઠવીએ છીએ. ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને આ ઝળહળતી સફળતા માટે સ્કૂલના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભુતા તથા આચાર્ય ગુલામસાહેબ તથા શિક્ષક મિત્રો ખુબ ખુબ મુબારકબાદી આપે છે.

આપણા ગામના અને ગુલબર્ગા [કર્ણાટક] માં રહી અભ્યાસ કરતા મર્હુમ અબ્દુલ્લાહ મુસા પાવડીયાના પુત્ર અહમદ અબ્દુલ્લાહ મુસા પાવડીયા એ કર્ણાટકા રાજ્ય પરીક્ષા બોર્ડમાં એસ.એસ.સી. ની પરીક્ષા ૯૬.૮૦% સાથે પાસ કરી ટંકારીઆ ગામને ગૌરવ પ્રદાન કર્યું છે. અલ્લાહ તઆલા અહમદને ઉચ્ચ અભ્યાસમાં આવી જ સફળતા આપે. 

સતત બે દિવસથી ગોરમ્ભાયેલા વાદળો આજે સવારથી સતત વરસી રહ્યા છે. જેને લીધે તાપમાનનો પારો ગગડી ગયો છે. ભર ઉનાળે શિયાળા જેવી ઠંડી લાગી રહી છે. અને સતત વરસી રહેલા વરસાદને પગલે લોકોએ સાફ-સફાઈ કરીને મૂકી દીધેલી છત્રીઓ કાઢવાનો વારો આવ્યો છે. અને જનજીવન ખોરવાઈ ગયું છે. ટંકારીઆ તથા પંથકના ગામોમાં વાવાઝોડા ને લઈને સતત વીજ લાઈનો ના થાંભલા તૂટવાના વીજ લાઈનો પર વૃક્ષો ધરાશાયી થવાના અને બીજા ટેક્નિકલ કારણો સર્જાતા સતત બીજા દિવસે પણ વીજ લાઈનોનું રિપેરિંગ કામ ચાલુ રહેતા વીજ પ્રવાહ ચાલુ બંધ થતો રહેતો હતો જેને કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી વીજ પ્રવાહ પૂર્વવત થઇ ગયો હતો.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગતરોજ ભારે પવનના સપાટા સાથે વરસાદી માવઠું થયું હતું. હવામાન ખાતાની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તોફાની પવન સાથે ગાજ-વીજ સાથે વરસાદ પડતા લોકોમાં અચરજ ફેલાઈ ગયું હતું.
સોમવારે સમી સાંજે પહેલા ભારે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ સૂસવાટાભેર પવન ફૂંકાયો હતો. જેને કારણે મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા, સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો. ટંકારીઆ ગામમાં આશરે ૬ વીજપોલ જમીનમાંથી ઉખડી જવા પામ્યા હતા. જેને કારણે વીજપુરવઠો આખી રાત બંધ રહ્યો હતો. ત્યારબાદ ગામના ડીજીવીસીએલ ના લાઇનમેનની ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.
આ લખાય છે ત્યારે પણ હવામાનખાતાએ લોકોને ભારે વરસાદની ચેતવણી આપી છે.