ટંકારીઆ ગામે નવયુવાનો મોબાઈલ અને સોશિયલ મીડિયાની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે અને તેમનો કિંમતી સમય તેની પાછળ વેડફી રહ્યા છે ત્યારે આપણા ગામની મજલિસે ઉલેમા નામની સંસ્થા આ નવયુવાનોની ભવિષ્યની ફિકરમંદ બની રહી છે. નવયુવાનો શારીરિક કસરતો અને સેલ્ફ ડિફેન્સ તરફ ધ્યાન આપે તે હેતુસર કરાટે કોચિંગ કલાસોનું આયોજન કરી રહ્યું છે. જે એક સરાહનીય કાર્ય છે. આ ક્લાસમાં ફિટ ઇન્ડિયા ના સર્ટિફાઈડ ટ્રેનર [સરકાર માન્ય] શિક્ષક તરીકે જાવેદઅલી મલેક સેવા બજાવશે. આ ક્લાસ અઠવાડિયામાં ૩ દિવસ એટલેકે મહિને ૧૨ દિવસ ટ્રેનિંગ આપશે. ગત રોજ મજલિસે ઉલેમા દ્વારા આયોજિત આ ટ્રેનિંગ ક્લાસ નો ડેમો રાખવમાં આવ્યો હતો જેમાં ટ્રેનર જાવેદઅલી મલેક તથા આપણા ગામના કરાટે ચેમ્પિયન અકરમ ઇશાક સાપા હાજર રહ્યા હતા. અકરમ ઇશાક સાપા એ ગામના તમામ નવયુવાનોને કરાટે ક્લાસનો લાભ લેવાની અપીલ કરી હતી. આ ક્લાસ તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ થી રેગ્યુલર શરુ થઇ જશે. આ ક્લાસમાં જોઈન્ટ જવા માટે મૌલાના ફૈઝુલ્લાહ વલણવી નો સંપર્ક કરવો. . તેમનો મોબાઈલ નંબર છે ૯૧૭૩૮૬૦૯૫૯. મજલિસે ઉલેમા ના જજબા ને સલામ….

ભરૂચ જિલ્લાના કુરચન ગામે તારીખ ૨૨/૧/૨૩ ને રવિવારના રોજ કુરચન સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટી-૨૦ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પપ્પુ ઇલેવન ટંકારીઆ તથા ભરૂચ વોર્ડ નંબર-૧ ની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં વોર્ડ નંબર-૧ ની ટીમ દ્વારા ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૧૮૧ નો લક્ષ્યાંક મુક્યો હતો. જેને પપ્પુ ઇલેવનએ ફક્ત બે વિકેટ ગુમાવી લક્ષ પ્રાપ્ત કરી વિજય મેળવ્યો હતો. જેમાં સફ્વાન ગાંડા એ શતક બનાવી દરેકના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમના અંતે ઇનામ વિતરણ વિધિમાં જિલ્લાના મહાનુભાવોએ હાજરી આપી હતી. ટંકારીઆ ગામના સરપંચ ઝાકીર ઇસ્માઇલ ઉમતા દ્વારા ટંકારીઆ ની વિજેતા ટીમ ને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂપિયા ૨૫૦૦/- તથા શતકવીર સફ્વાન ગાંડાને રૂપિયા ૧૦૦૦/- રોકડા આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે ફાઇનલ વિજેતા બની તાનરીએ ગામનું ગૌરવ વધારવા બદલ ટીમ ના તમામ સભ્યોને મુબારકબાદી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સઁચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામથીએ સફળતાપૂર્વક કર્યું હતું.

આ ચિત્ર જોતા જ વડીલોને તો ખ્યાલ આવી જ ગયો હશે પણ અમુક યુવા મિત્રોને તથા નવી પેઢીને જેને આ વાત સંપૂર્ણ યાદ નથી અથવા જાણતા નથી તો એ માટે થોડીક વાત કરવી છે. આમ તો હવે આ વસ્તુ જ લૂપ્તપ્રાય છે એમ કહો તો પણ ચાલે.
આપ ચિત્રમાં જોઈ રહ્યા છો એને ‘ખળું’ કહેવાય. જુવાર હોઈ તો એના કણસલાં, મગ, તુવર, વિગેરે કઠોળ હોઈ, કોઈ તેલીબિયાં, ધાન્ય વગેરે ઝૂડીને દાણા કાઢવા ઘર કે ગામથી થોડે આઘે (દૂર) ખુલ્લી અને સમતલ જગ્યા રાખતાં એને ખળું કહેવાય.(ઘણીવાર એ ખળાને છાણથી લિપતા પણ ખરાં) બાળપણમાં આપણને ખળામાં જવાની મજા આવતી. આખો દિવસ ખળામાં લોકો કામ કરે અને આપણે આજુબાજુ રમતા. અને હા કણસલાંમાથી દાણા છૂટા પાડવા ઉપર બળદ પણ હાંકતા હતા. ઘણીવાર અનાજનો ઢગલો ખળે પડ્યો હોઈ તો રાતે ધાન માલિકો અથવા તેમના આરી [મજુર] સુવા જાય તો આપણે પણ સાથે જતાં. તમને પણ એક વાત ખાસ યાદ જ હશે કે, સંધ્યા સમય થાય એટલે જમવાનું સાથે લઇ જઈને ખળીમાં જમતા કારણ કે આપણને ખળે જઈને ખાવાની મજા આવતી. ખળે બીજા પણ પાડોશી પોતાના અન્નના ઢગલાની રક્ષા કરવા માટે સુવા આવ્યા હોઈ તો એની સાથે પણ નાના બાળકો હોઈ એટલે આપણને તો મજા પડતી.
કેવા હતાં એ બધા દિવસો. શું એનો આનંદ હતો. આજના બાળકોને લગભગ ખળું એટલે શું એ પણ ખબર નહી હોઈ. આવી નાની નાની ઘણી બાબતો તો યાદ પણ નહિ હોઈ પરંતુ મારા જેવા જેવા જુનવાણી વાતોનાં ચાહકો, ગ્રામ્ય પરંપરાને પ્રેમ કરતા લોકોને આ બધી વાતો ગમે છે. 

ગમે તો કોમેન્ટ કરજો………..