ટંકારીઆ કુમારશાળાના નવનિર્મિત મકાનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
“જ્યાં અક્ષરથી વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય, એવું પવિત્ર સ્થાન એટલે શાળા.”
તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવારે કસ્બા ટંકારીઆમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ.
ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટંકારીઆ કુમારશાળાના નવનિર્મિત વિશાળ મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીની અધ્યક્ષતામાં યોજાયો. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી થઈ. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી શબ્બીર પટેલે આમંત્રિત મહેમાનોનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. શિક્ષકોએ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કર્યા. વિદ્યાર્થીઓએ મધુર સ્વાગતગીત રજૂ કરીને વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સ્મૃતિઓએ હાલમાં હાજર દરેકને ગદ્ગદિત કરી દીધા. ડૉ. યુસુફભાઈ ખોડાએ બાળપણની મીઠી યાદો યાદ કરતાં આંખો ભીની કરી દીધી. અબ્દુલ્લાહ કામઠી પોતાની અનોખી શૈલીમાં વિદ્યાર્થીકાળની ક્ષણોને જીવંત કરતાં કરતાં ભાવવિભોર થઇ ગયા. મૂળ અડોલના વતની, હાલ કંબોલી શાળાના આચાર્ય પ્રવીણ સોલંકીએ પોતાના ગુરુજનોને શ્રદ્ધાંજલિ આપીને સૌને ભાવુક બનાવી દીધા.
અધ્યક્ષ અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં કહ્યું, “શિક્ષણ ફક્ત પુસ્તકોનું નથી, તે બાળકના મનમાં બાળમૂલ્યો, પ્રમાણિકતા અને આત્મવિશ્વાસના બીજ વાવવાનું કામ છે. શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે બાળક પોતે જ સ્ટેજ પર આવીને પોતાની ક્ષમતા દેખાડે અને સંવાદી શિક્ષણ દ્વારા તેની અંદર છુપાયેલી પ્રતિભા પ્રગટ થાય.”
વયોવૃદ્ધ ડૉ. મીયાંજી સાહેબ પણ આ ક્ષણે હાજર રહ્યા અને પોતાના અનુભવો વહેંચીને સૌને પ્રેરિત કર્યા.
અંતે અધ્યક્ષશ્રી અઝીઝ ટંકારવીએ શાળાના મુખ્ય પ્રવેશદ્વારનું રીબન કાપીને નવા મકાનને ઔપચારિક રીતે ખુલ્લું મુક્યું. ત્યારબાદ દરેક વર્ગખંડનું પણ મહાનુભાવોના હસ્તે રીબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ટંકારીઆ ગૃપ શાળાના ગ્રુપાચાર્ય શબ્બીર પટેલ, રફીક અભલી અને મુબારક ઘોડીવાલાએ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું.
આજે ટંકારીઆ કુમારશાળામાં એક નવું અધ્યાય શરૂ થયું છે — જ્યાં આવનારી પેઢીઓ અક્ષરોથી વિચારો ઘડીને ભવિષ્યને નવી ઊંચાઈએ પહોંચાડશે.
CLICK HERE FOR PROGRAM VIDEO OF THIS EVENT.
આજના આ સમારોહનો વિડીયો જોવા અહીં ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.








TANKARIA WEATHER
Spanning from 1863 to 2026 and for centuries to come, this school has truly become a ‘gemstone mine.’ It has unearthed thousands of precious talents, a brilliant success credited to our dedicated teachers and the unwavering support of the Tankarvi community.
It’s so wonderful to see some of my former teachers! I really wish I could have been there in person to see them.
આજે આંખોમાંથી વહેલા આંસુઓ બે જુદી જુદી લાગણીઓના સંગમ જેવા હતા. એક તરફ અપાર ખુશીના આંસુ – કારણ કે આપણા ગામને એક અદ્યતન, સ્વપ્ન જેવી જાણે કોઈ યુનિવર્સિટી મળી, જેનું સૌંદર્ય, ભવ્યતા અને સુવિધાઓ જોઈને હૃદય ગર્વથી ભરાઈ ઊઠ્યું. બીજી તરફ અજાણ્યા દુઃખના, અશ્રુઓના – કારણ કે જે જૂની શાળા આપણા બાળપણની સૌથી મીઠી યાદોનું આશ્રયસ્થાન હતી, જેની દીવાલોમાં આપણા હાસ્ય, આંસુ, સપનાં અને નિર્દોષતાના અનેક અવાજો ગુંજતા હતા… એ શાળા આજે હંમેશ માટે આપણી આંખો સામેથી અદૃશ્ય થઈ ગઈ. ફક્ત ઇતિહાસના પીળા પાનાઓમાં સમાઈ ગઈ.
આજે તો જાણે સમયનો પડદો ખસેડાયો હોય (૧૯૭૧ થી ૧૯૭૯) એમ બધું ફરી એકવાર આંખ સામે તરવરી ઊઠ્યું: શાળાના એ પુરાણો, ઘંટનો મધુર નાદ જે દરેક વખતે હૃદયને સ્પર્શી જતો…ખિસ્સામાં સંભાળી રાખેલા માત્ર ૫ – ૨૫ પૈસા – હા, રૂપિયા નહીં, ફક્ત પૈસા…રિસેસના બેલની એ બેચેન રાહ, જેથી એ થોડાક પૈસાથી કુલ્ફી, સુરજમુખીના બીજ, કે તીખા ટમટમતા બટાકા ખરીદી શકાય…મિત્રોની ભીડ, શિક્ષકોની પ્રેમાળ ડાંટ, ૧૦ મીનીટની રીસેસમાં પણ જલ્દી જલ્દી રમેલી એ રમતો, બેંચ પર લખેલાં નામો, દિવાલો પરના ચિત્રો, શાળાની મધ્યમાં ઉછળેલા એ ઘટાદાર વૃક્ષો … શિક્ષકોની એકબીજા સાથેની દોસ્તી અને એ રમૂજી પળો અને બીજું ઘણું બધું…
આ બધી નાની-નાની પળો આજે ફિલ્મના રીલની જેમ આંખ સામે ઝબૂકી ગઈ અને હૃદયને એક સાથે મધુરતા તથા વિરહનો અનુભવ કરાવી ગઇ.
જૂની શાળા… તું હવે ઇંટ-પથ્થરમાં નથી, પણ આપણા દરેકના હૃદયના સૌથી મીઠા ખૂણામાં હંમેશા જીવંત રહીશ. તારી યાદો આજે પણ આંખોને ભીની કરી દે છે… અને કદાચ આવનારા ઘણા વર્ષો સુધી કરતી રહેશે.