અતિશય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ટંકારીઆ તથા પંથકમાં આજે ફઝર થી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. ખેડૂતો ખુશખુશાલ ચહેરે વરસાદને માણતા જોવા મળ્યા છે. વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી છે.
ઘનઘોર ઘટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદના છાંટાઓ એ ટંકારીઆ ની ધરાને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. આજે વહેલી સવારથી જ ઘનઘોર વાદળો ટંકારીઆ ના આકાશપટ પર છવાઈ ગયા છે. ભેજવાળી ગરમી થી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો છે.
આ વરહતા મેઘ ને જોઈને ભૂતકાળ યાદ આવે છે, આપણે તો પહેલા વરસાદની આતુરતાથી રાહ જોતા, જેવો પહેલો વરસાદ આવે એટલે શેરીનાં બધા દોસ્તો એકસાથે વરસતા વરસાદમાં પલળતા. પાણીનું ખાબોચિયું હોઈ ત્યા જઈને પગથી છબછબિયા કરતા. એકબીજા ઉપર કાદવ ઉડાડતા અને ખુબ આનંદ કરતા. વરસાદ વિરામ લે એટલે આપણે ભાઈબંધોને વૃક્ષ નીચે લઈ જઈને ઉભા રાખતા અને પછી તે વૃક્ષની પાતળી ડાળ હલાવી આપણે શીઘ્ર ગતીથી દોડીને ભાગી જતાં અને ભાઈબંધો ઉપર ઝાડમાં ફસાયેલુ વરસાદનું પાણી પડતુ અને એ ભીંજાય અને ખીજાય એ જોવુ પણ એક લ્હાવો હતો. મને યાદ છે કે ચોમાસાનાં પહેલા વરસાદની પલળેલી માટીની સોડમ (સુગંધ) એવી આવતી કે આપણને માટી ખાવાની તિવ્ર ઈચ્છા થઈ જતી. પીડા થાય છે કે આ બધુ હવે આપણી જિંદગીમાથી ચાલ્યુ ગયુ, હા… દિવસો ગયા પરંતુ યાદ ક્યા ગઈ છે! એ ભૂતકાળ એ અતિતને યાદ કરીને આપણે આનંદ કરીશું.

લબબેક અલ્લાહુમ્મા લબબેક ની સદાઓ સાથે માશા અલ્લાહ હાજીઓએ હજ ની તૈયારીઓ શરુ દીધી છે. આવતી કાલે એટલેકે ૬/૭/૨૨ ને બુધવારે રાત્રે હજ નો અહેરામ પહેરી હાજીઓ મીના તરફ રવાના થઇ જશે. આપણા ગામના આશરે ૩૦ હાજીઓ ચાલુ સાલે હજ કરવા માટે ગયા છે. અલ્લાહ પાક તમામ હાજીઓની હજ કબુલ મકબુલ ફરમાવે. આમીન…………….

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે ગતરોજ રાત્રે ટંકારીઆ ગામના કોંગ્રેસ અગ્રણી મકબુલભાઈ અભલીના નેતૃત્વમાં ભરૂચ કોંગ્રેસ બટાલિયન કમળ છાપ કોંગ્રેસીઓ વિરુદ્ધ ના નેજા હેઠળ એક વિશાલ મિટિંગ નું આયોજન ટંકારીઆ ગામના કોંગ્રેસ અગ્રણી મકબુલભાઈ અભલી ની વાડીમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના કોંગ્રેસના મોટા મોટા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મિટિંગની શરૂઆતમાં મકબુલભાઈ અભલી એ તથા તેમના કાર્યકરોએ કોંગ્રેસ માંથી રાજીનામાં આપવાનો ખુલાસો કર્યો હતો અને તેમને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ફાયરબ્રાન્ડ વક્તા તરીકે જાણીતા અને વાગરા તાલુકા ખેડૂત મંડળના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી એવા યાકુબભાઇ ગુરુજી એ પોતાના વક્તવ્યમાં તેમને તથા બીજા વર્ષોથી કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ માંથી રાજીનામુ આપવાના નિર્ણયોની છણાવટ કરી હતી. તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા કે જેમના ઉપર ભ્ર્ષ્ટાચારના આરોપ હોય અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા પક્ષ વિરોધીઓ સાથે રહીને કોંગ્રેસ ની ઘોર ખોદવાનું કાર્ય કરે છે અને કોંગ્રેસની વિચારધારાથી વિપરીત કામ કરે છે એમ જણાવી તેમના ઉપર આકરા પ્રહારો કરી એમ જણાવ્યું હતું કે, અમે પક્ષના સંનિષ્ઠ કાર્યકરો છીએ અને પક્ષમાં રહીને કોંગ્રેસને ઉંચાઈઓ પર લઇ જવાનું સ્વપ્ન સેવીએ છીએ પરંતુ કોંગ્રેસ ના હાલના પ્રમુખ કોંગ્રેસના વિરોધીઓ સાથે સાંઠગાંઠ ધરાવી પક્ષને નુકશાન કરી રહ્યા હોવાથી અને એમને જ ફરીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવતા આગેવાનો અને કાર્યકરોમાં રોશની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે આ બધું ષડયંત્ર પ્રદેશ કક્ષાએથી રચાયું છે. આજે બાવન વરિષ્ઠ આગેવાનોએ રાજીનામુ ધરી દીધું છે તે અમે કોંગ્રેસ વિરોધી નહિ પરંતુ જિલ્લા કોંગ્રેસ ને મજબૂત કરવા માટે આ કદમ ઉઠાવવાની ફરજ પડી છે. એમને એમ પણ જણાવ્યું હતું કે અમે પ્રદેશ કોંગ્રેસને અપીલ કરીએ છીએ કે અમારી વાતમાં કેટલી વાસ્તવિકતા છે તેની તપાસ કરે આવા બેજવાબદારોને પાર્ટીમાંથી કાઢે તો અમે ફરીથી કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છીએ.
ત્યારબાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી યુનુસ પટેલે પણ પોતાના ટૂંકા વક્તવ્યમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ ની હાલ ની પરિસ્થિતિ પર પોતાના વિચાર વિમર્શ રજુ કર્યા હતા. તેમને તેમના મનોમંથનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ૩૨% મતો ધરાવતા લઘુમતી સમાજે સોસીયલ એન્જીનીયરીંગ થી કામ કરવું પડશે. સમાજે પક્ષ સાથે રહીને જ લડત આપવી પડશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે રાજીનામુ આપવું એ કોઈ વિકલ્પ નથી. ત્યારબાદ અબ્દુલભાઇ ચૌહાણે પણ જિલ્લા કોંગ્રેસની હાલની પરિસ્થિતિ પર પ્રકાશ પડ્યો હતો.
આ મિટિંગમાં મકબુલ અભલી તથા યાકુબભાઇ ગુરુજી, યુનુસભાઇ પટેલ, ઇશાકભાઈ રાજ, બાદ્શાહભાઈ, અબ્દુલભાઇ ચૌહાણ તથા  ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરભાઈ ઉમતા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તથા ગામ પરગામથી મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. હવે એ જ જોવાનું રહ્યું કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ પરિસ્થિતિને કેટલા ગંભીર લે છે. કે પછી ઘી ના ઠામ માં ઘી ઢોળાઈ જશે.

ગતરોજ તારીખ ૨ જુલાઈ ૨૦૨૨ ને શનિવારના રોજ કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન તથા સામાજિક આગેવાન ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કે.પી. એ તેમના અંગત મિત્ર અને ટંકારીયાના પનોતા પુત્ર અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા સલીમ દેગ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ફારૂકભાઈએ ટંકારીઆ ગામને સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમેં લઈને તેમના તરફથી કચરાના નિકાલ માટે એક ટ્રેક્ટર તથા ફળિયે ફળિયે ફરી શકે તેવો કચરો ઉઠાવવા માટેનો ટેમ્પો તથા બે ટ્રેલર ભેટ આપી ગામના કચરાના નિકાલ માટે મહત્વનું યોગદાન આપવાનું વચન આપ્યું હતું. તથા પંચાયતને સલાહ સૂચન કરી લાંબો સમય એને ઉપયોગમાં લઇ શકાય તે માટે સમયસર તેની મરમ્મત પર ધ્યાન આપવા જણાવ્યું હતું સાથે સાથે સફાઈ કે જે આપણું અડધું ઈમાન છે તેનું મહત્વ પણ તેમને તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું. આ તબક્કે ગ્રામ પંચાયત ટંકારીઆ કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ફારૂકભાઈ તથા સલીમભાઇ દેગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.