ચાલો ગઝલ શીખીએ

સંપાદક: નાસીરહુસેન લોટીયા.

ચાલો ગઝલ શીખીએ. સંપાદક- નાસીરહુસેન લોટીયા (.pdf ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો)

ટંકારીઆ ગામની દેશ-વિદેશમાં એક આગવી ઓળખ એના નામાંકિત સાહિત્યકારો/ગઝલકારો/લેખકોના લીધે પણ છે. ટંકારીઆના સાહિત્યનો ભવ્ય વારસો જળવાય અને એનો ફેલાવો થાય એ માટેના પ્રયાસોના એક ભાગરૂપે ‘ચાલો ગઝલ શીખીએ’ નામની આ પુસ્તિકાનું સંપાદન કર્યું છે. My Tankaria વેબસાઈટમાં કવિઓ (Poets) નામથી સાહિત્યને લગતા એક અગત્યના વિભાગની રચના કરવામાં આવી હતી. ગઝલની આ પુસ્તિકાના પ્રકાશનની સાથે સાથે ‘કવિઓ’ (Poets)નો વિભાગ પણ ક્રિયાશીલ થશે એવી આશા છે. ટંકારીઆના કેટલાક નવયુવાનો અને મિત્રો ગઝલ સંબંધિત ચર્ચાઓમાં અવારનવાર ભાગ લેતા હોય છે. આ પુસ્તિકામાં નવોદિતોને ખાસ ધ્યાનમાં રાખીને અત્યંત સીધીસાદી વાતચીતની ભાષાનો ઉપયોગ કરી ગઝલના બાહ્યસ્વરૂપ અંતર્ગત  શેર, મિસરા, મત્લા, રદીફ, કાફિયા, મક્તા, તખલ્લુસ અને છંદ વિશેની સમજ ઉદાહરણો સાથે આપવામાં આવી છે. ગઝલના આંતરસ્વરૂપ અંતર્ગત શેરના રંગોની સાથે સાથે અંદાજે બયાં, હુસ્ને ખયાલ, મિજાજ અને શેરના દોષો વિશે હાલમાં ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. નવોદિતોને ગઝલની પાયાની સમજ મળે એ માટેનો નમ્ર પ્રયાસ આ પુસ્તિકામાં કરવામાં આવ્યો છે.

ગઝલનો ટૂંકો ઇતિહાસ:
ગઝલનું ઉદભવ સ્થાન એટલે કે તેનું મૂળ અરબસ્તાનમાં છે. ગઝલ ગુજરાતીમાં પણ લખાય છે પરંતુ ગઝલનું  મૂળ ગુજરાતની બહાર અરબસ્તાનમાં હોવાથી ગઝલના મૂળભૂત ઢાંચાને સમજવા એના ઇતિહાસ અંગે થોડી જાણકારી જરૂરી છે. કેટલાક મંતવ્યો મુજબ ગઝલના મૂળ ઈ.સ. છઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં છે એવું માનવામાં આવે છે. જુદા જુદા મંતવ્યોનું તારણ એ નીકળે છે કે ગઝલના ઉદભવનો ઇતિહાસ લગભગ ૧૫૦૦ વર્ષ જૂનો છે. ગઝલ કહેવાની (લખવાની) શરૂઆત થઈ ત્યારે તે અરબસ્તાનની એકમાત્ર અરબી ભાષામાં લખાતી હતી. ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૯માં પ્રકાશિત થયેલ ‘ઉર્દૂ ગુજરાતી શબ્દકોશ’ના પૃષ્ઠ ૧૯૯ મુજબ ગઝલના ઉદભવના મૂળ ‘કસીદહ’ (કસીદા) નામના કાવ્યપ્રકારમાં શોધી શકાય છે. બીજું એક પુસ્તક જેનું સંપાદન શ્રી એમ.એફ. લોખંડવાલા દ્વારા કરવામાં કરવામાં આવ્યું છે અને મ.સ. યુનિવર્સિટી વડોદરા દ્વારા જે પ્રકાશિત કરવામાં આવ્યું છે તે  ‘ફારસી સાહિત્યનો ઇતિહાસ’માં એક અગત્યની નોંધ જોવા મળે છે. આ નોંધ મુજબ ‘કસીદહ’ એ સ્વરૂપગત લક્ષણોની દ્રષ્ટીએ બિલકુલ ગઝલ જેવો કાવ્ય પ્રકાર છે. ફરક એટલો જ છે કે કસીદહના પ્રથમ ભાગ ઉપરાંત ત્રીજા ભાગની શરૂઆતમાં પણ (એટલે કુલ બે સ્થળે) મત્લા અનિવાર્ય ગણાય છે અને કસીદહ ઓછામાં ઓછા ૧૫ શેરનો હોય છે. અરબસ્તાનના ખલીલ ઈબ્ને એહમદે અરબી પિંગળશાસ્ત્રમાં પાયાનું  ઘણું કામ કર્યું હતું એવો ઉલ્લેખ અનેક પુસ્તકોમાં જોવા મળે છે. ગઝલ અરબસ્તાનથી નીકળી ત્યાંથી ઈરાન પહોંચી અને ધીરે ધીરે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, સ્પેન, યુ.કે. અને અમેરિકા જેવા દેશોનો જેમાં સમાવેશ થાય છે એવા વિશ્વના અનેક દેશોમાં તેનો ફેલાવો થયો. ડૉ. રશીદ મીર ‘ગઝલનું પરિપ્રેક્ષ્ય’માં નોંધે છે, “સૂફીવાદે ગઝલને તેના ગજાની અનુભૂતિ કરાવી એટલું જ નહીં પરંતુ એના ક્લાગત સૌંદર્યનું દર્શન કરાવ્યું.” અરબી, ફારસી અને ઉર્દુ ભાષામાં લખાતી ગઝલનો ઇતિહાસ ગુજરાતી ભાષામાં લખાતી ગઝલ કરતાં વધારે જૂનો છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ લગભગ દોઢસો વર્ષથી વધુનો નથી. જો કે ગુજરાતી ગઝલે આ ટૂંકા સમયમાં ઝડપભેર લાંબી સફર કાપી છે એ પુરવાર કરે છે કે ગુજરાતી ભાષામાં લખાયેલ ગઝલોને થોડો મોડેથી પરંતુ શાનદાર આવકાર જરૂર મળ્યો છે. ગુજરાતી ગઝલ ગુજરાતથી યુ.કે. અને અમેરિકા સુધી પણ પહોંચી છે. ગઝલમાં ઘણા સફળ પ્રયોગો પણ થયા છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી (English) ભાષાના મિશ્રણથી રચવામાં આવતી ગુજલિશ ગઝલોનો પણ સમાવેશ થાય છે. ગુજલિશ ગઝલોના સફળ થયેલા નવતર પ્રયોગમાં અદમ ટંકારવી સાહેબનો મૂલ્યવાન ફાળો રહ્યો છે એ ટંકારીઆ ગામ માટે પણ ગૌરવની વાત છે. ગઝલ વિવિધ ભાષાઓમાં લખાતી થઈ અને તેમાં નવતર પ્રયોગો પણ થયા પરંતુ ગઝલનું મૂળભૂત માળખું/ઢાંચો જળવાઈ રહ્યો છે એ નોંધવા જેવી બાબત છે. ગઝલનો ઇતિહાસ ખૂબ લાંબો છે તેના વિશે અહીં વધારે વાત કરવી નથી. ગઝલના ઇતિહાસ વિશે આટલી ટૂંકી પૂર્વભૂમિકા પછી આપણે ગઝલ વિશે પાયાની સમજ મેળવવા પ્રયાસ કરીશું.

ગઝલની જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે જેની ચર્ચા ન કરતાં આપણે ગઝલ અને એના ઘટકો વિશે માહિતી મેળવીશું.

ગઝલ: ગઝલ કાવ્યનો એક એવો પ્રકાર ગણાવી શકાય જેની રચનાનો મૂળભૂત એકમ ‘શેર’ (જે મોટેભાગે અંત્યાનુંપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના છે. ગઝલના બાહ્ય સ્વરૂપ માં શેર, છંદ, રદીફ, કાફિયા, મત્લા, મક્તા, અને તખલ્લુસ જેવા ગઝલના મહત્વના અંગોનો સમાવેશ થાય છે. ગઝલના બીજા અંગો ઉપરાંત છંદ એ એક અત્યંત અગત્યનું અને અનિવાર્ય અંગ છે. છંદોના ઉપયોગ વિના ફક્ત રદીફ અને કાફિયાનો ઉપયોગ કરી સુંદર પ્રાસવાળી કેટલીક પંક્તિઓ રચી શકાય પરંતુ એની ગણના ગઝલ તરીકે થઈ શકે નહીં. ગઝલના એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ‘ઘાયલ’ થી ‘મરીઝ’ બનાવે છે. ગઝલમાં પાંચ કે તેથી વધુ એકી સંખ્યામાં શેર હોવા જોઈએ.

ગઝલની રચના કરતાં પહેલાં ગઝલકારે ગઝલના બાહ્યસ્વરૂપ અને ગઝલના આંતરસ્વરૂપ વિશે જરૂરી એટલું પાયાનું જ્ઞાન મેળવી લેવું અત્યંત આવશ્યક છે. જો આવા પાયાના જ્ઞાન વિના નવોદિતો ગઝલની રચના કરવાની શરૂઆત કરે તો ગઝલ મીટરમાં નથી, વજન ડોલે છે, છંદ દોષ છે, કાફિયા દોષ છે, આ રચના ફક્ત સાદા પ્રાસવાળા જોડકણાંથી વધુ કશું જ નથી, ગઝલમાં અતિરિક્ત શબ્દ પ્રયોગ કર્યો છે કે અનિવાર્ય શબ્દની ઉપેક્ષા કરવામાં આવી છે એવી અનેક ટીપ્પણીઓ નવોદિત ગઝલકારોને સાંભળવા મળે છે. મોટાભાગે નવોદિત ગઝલકારો આવી ટિપ્પણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વધુ અભ્યાસ અને પ્રયત્નો કરવાના બદલે ગઝલની રચના કરવાનું જ બંધ કરી દે છે. ચાલો આજે આપણે ગઝલના માળખાના મૂળભૂત અંગો વિશે કેટલીક પાયાની જાણકારી મેળવીએ.

ગઝલનું બાહ્ય સ્વરૂપ:

શેર: શેર એટલે બે પંક્તિઓનો સમૂહ, જેમાં ઉપરની પંક્તિને ઉલા મિસરા અને નીચેની પંક્તિને સાની મિસરા તરીકે ઓળખવામાં આવે છે. શેર એ ગઝલનો વિચારણીય એકમ હોવાથી ગઝલનો પ્રત્યેક શેર અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર હોય છે. એક શેરના બંને મિસરા (પંક્તિ) અર્થની દૃષ્ટિએ એક-બીજાના પૂરક હોવા જોઈએ. કોઈ પણ શેરમાં છેડેલી વાત એ શેરના બે મિસરામાં જ પૂરી થવી જોઈએ. કોઈ એક શેરની સમજ માટે એ ગઝલનો બીજો કોઈ શેર વાંચવાની જરૂર ન પડવી જોઈએ. મોટાભાગની ગઝલોના તમામ શેરો કોઈ એક ભાવ કે વિશેષ અર્થથી નહીં, પરંતુ છંદ, રદીફ અને કાફિયાથી જોડાયેલા હોય છે. જો કે ગઝલમાં ભાવસાતત્ય અસ્વીકાર્ય પણ નથી; ખરેખર તો ભાવસાતત્ય વાળી ગઝલો ઘણીવાર વધારે ઉચ્ચ રસાનુભૂતિ કરાવે છે. ‘આદિલ’ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ ભાવસાતત્ય વાળી ગઝલનું એક સુંદર ઉદાહરણ છે.

મિસરા: એક શેરની બે પંક્તિઓને બે મિસરા તરીકે ઓળખવામાં આવે છે. એક જ શેરના બંને મિસરા અને એક આખી ગઝલના તમામ મિસરાઓ એક જ છંદમાં/માપમાં હોવા અનિવાર્ય છે; ટૂંકમાં આખી ગઝલમાં એક પણ મિસરો છંદ વિનાનો ન હોય શકે.

મત્લા: મત્લા એટલે ગઝલનો પ્રથમ શેર જેમાં બંને મિસરામાં રદીફ-કાફિયાનો સમાવેશ થાય છે. ગઝલની શરૂઆતમાં એકથી વધુ મત્લા હોય તે પણ સ્વીકાર્ય છે.

મક્તા: ગઝલના અંતિમ શેરના બે મિસરામાંથી કોઈ પણ એક મિસરામાં શાયર પોતાનું ઉપનામ એટલે કે તખલ્લુસ વણી લે છે; ગઝલના આવા છેલ્લા શેરને ‘મક્તા’ કહેવાય. તખલ્લુસ વિનાના અંતિમ શેરને આખિરી શેર, આખરી શેર કે છેલ્લો શેર કહેવાય એવું મંતવ્ય પણ જોવામાં આવે છે.

રદીફ: ગઝલના મત્લાના બંને મિસરા (પંક્તિ)માં અને ત્યાર પછીના દરેક શેરોમાં બીજા મિસરામાં કોઈ પણ ફેરફાર વિના અચૂક આવતા શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતો નથી. સમગ્ર ગઝલના બધા શેરોમાં રદીફ બદલાતો નથી અને એ પંક્તિના છેડે હોય છે. જો કે ગઝલમાં રદીફનું હોવું અનિવાર્ય પણ નથી. ‘ગેર-મુરદફ’ ગઝલ તરીકે ઓળખાતી રદીફ વિનાની ગઝલની રચના પણ માન્ય છે; આવી ગઝલોમાં મિસરાના છેડે રદીફના બદલે કાફિયા હોય છે.

કાફિયા: ગઝલના મત્લાના બંને મિસરા (પંક્તિ)માં અને મત્લા સિવાયના શેરોના ફક્ત બીજા મિસરા (પંક્તિ)માં રદીફની આગળ આવતા બંધ બેસતા પ્રાસવાળા શબ્દોને કાફિયા કહે છે. કાફિયા દરેક શેરમાં બદલાતા રહે છે પરંતુ તેનું બંધારણ એક સરખું જ રહે છે. કાફિયામાં વપરાયેલ શબ્દનો પાછળનો જે અંશ તમામ કાફિયામાં સામાન્ય (common) હોય છે એને કાફિયાનો આધાર કહેવામાં આવે છે.  જો ગઝલકાર વધુ ચુસ્ત કાફિયાનો ઉપયોગ કરે તો કાફિયા માટેના શબ્દો શોધવામાં વધુ મહેનતની જરૂર પડે એ સ્વાભાવિક છે. કાફિયાના નવ અંગો વિશેની માહિતી જટિલ હોવા ઉપરાંત આ તબક્કે જરૂરી નથી એટલે હાલમાં એની ચર્ચા કરતા નથી. જો કે વજનના આધારે ગુજરાતી ભાષામાં પ્રચલિત છે એવા કાફિયાના ચાર પ્રકારો વિશે જાણકારી મેળવવી જોઈએ.

ગુજરાતના ગાલિબ તરીકે જાણીતા થયેલા અને ઉમદા ગઝલના રચયિતા એવા અબ્બાસ અબ્દુલઅલી વાસી ‘મરીઝ’ની એક ટૂંકી બહેર (છંદ)ની ગઝલ કે જેમાં મુક્ત કાફિયા અને મુક્ત રદીફનો ઉપયોગ થયો છે એ ગઝલના પ્રથમ બે શેર (શેર નં. ૧ અને ૨) અને એ ગઝલના અંતિમ શેર (શેર નં.૭)થી કેટલીક પાયાની સમજ મેળવીએ.

દર્દ એવું કે કોઈ ના જાણે, …(૧)
હાલ એવો કે જે બધાં જાણે.
શું થયું ? તેય ક્યાં ખબર છે મને, …(૨)
શું થવાનું હશે ખુદા જાણે
…છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’… (૭)
હો બધાં દર્દની દવા જાણે

ઉપરોક્ત શેર નં. ૧, ૨ અને ૭ માં જાણે, એ રદીફ છે. અહીં રદીફ ટૂંકો હોવાને કારણે વધુ મુક્ત છે.

ઉપરોક્ત શેર નં. ૧, ૨, અને ૭માં પ્રાસવાળા શબ્દો ના, બધાં, ખુદા, દવા એ કાફિયા છે. આ ગઝલના શેરોમાં મુક્ત કાફિયાનો ઉપયોગ થયો છે. ઉપરના ઉદાહરણમાં ગઝલનો પ્રથમ શેર જેને (૧) નંબરથી દર્શાવવામાં આવ્યો છે એ શેરને મત્લા કહે છે. સાત શેરની આ ગઝલનો સાતમો/અંતિમ શેર જેને (૭) નંબરથી દર્શાવવામાં આવ્યો છે એ શેરમાં ગઝલકારે પોતાના તખલ્લુસ ‘મરીઝ’ નો સમાવેશ કર્યો હોવાથી તે અંતિમ શેર મક્તા કહેવાશે. જો છેલ્લા શેરમાં ગઝલકારે પોતાના તખલ્લુસનો ઉપયોગ કર્યો ન હોય તો ગઝલના આવા શેરને છેલ્લો શેર (આખરી શેર) કહેવો જોઈએ એવું મંતવ્ય પણ જોવામાં આવે છે. ગુજરાતી ગઝલોમાં છેલ્લા શેરમાં ગઝલકારે તખ્લ્લુસનો ઉપયોગ કર્યો ન હોય એવી અસંખ્ય રચનાઓ જોવા મળે છે.

શાળામાં ભણતા હતા ત્યારે અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ,  અને યમાતારાજભાનસલગા સૂત્રના આધારે છંદોની સુંદર સમજ મળી હતી. હાઇસ્કૂલના સહાધ્યાયી દિલાવર હુસૈન બચ્ચા MyTankaria વેબસાઈટના “History” વિભાગમાં એમની એક કોમેન્ટમાં લખે છે તેમ “કવિ બનવાના અભરખા ઓછા વધતા અંશે અમને બધાને ખરા.” હાઇસ્કૂલના અભ્યાસના સમય પછી ઘણા વર્ષો પછી ગઝલને લગતા કેટલાક અગત્યના પુસ્તકોનો અભ્યાસ કરવાનો મને મોકો મળ્યો ત્યારે ગઝલ અંગેની મારી સમજ થોડી વધુ પાકી થઈ. જુદા જુદા પુસ્તકોમાં છંદ વિશે જુદી જુદી રીતે સમજ આપવામાં આવે છે એવું ધ્યાનમાં આવ્યું છે. કેટલાક પુસ્તકોના અભ્યાસ પછી મને જે સમજાયું એ બીજાઓને પણ સરળતાથી સમજમાં આવે એવી સરળ રીતે છંદોની સમજ મેળવવા અહીં પ્રયાસ કરીશું.

છંદ (બહેર) : ટૂંકમાં કહીએ તો છંદ એટલે ગઝલ/કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલ મેળવાળી રચના. ગઝલની ભાષામાં છંદને બહેર કહે છે. સમજ માટે એક કહી શકાય કે, ગઝલના માત્રામેળ છંદોમાં ગણ બિંબો/સંધિઓ (લગાગા, ગાલગા, લગાગાગા, ગાલગાગા વગેરે)ને જે-તે છંદના બંધારણ અનુસાર ગોઠવી, પદ્યભારને આધારે ગણ વિભાજન કરી, જરૂરી ગોઠવણી/મેળવણીના અંતે મિસરો (પંક્તિ) જે-તે છંદના વજન પ્રમાણે તૈયાર થાય છે. કાફિયા, રદીફ, તખલ્લુસ જેવા ગઝલના બધા અંગોથી બનતા શેરમાં છંદનું માપ/વજન જાળવવું આવશ્યક છે. આખેઆખી ગઝલ ઉપરથી નીચે સુધી એક જ છંદમાં લખાયેલી હોવી જોઈએ.

છંદમાં લઘુ અક્ષરને ‘લ’ તરીકે અને ગુરુ અક્ષરને ‘ગા’ તરીકે દર્શાવવામાં આવે છે. માત્રામેળ છંદોમાં લઘુ અક્ષરની ૧ માત્રા અને ગુરુ અક્ષરની ૨ (બે) માત્રા ગણતરીમાં લેવામાં આવે છે. ઉપર આપવામાં આવેલ ઉદાહરણની ગઝલના મક્તામાં તખલ્લુસ ‘મરીજ’ નું માપ ‘લગાલ’ છે. ગઝલના છંદોની આગળની સમજ મેળવતાં પહેલાં લઘુ ગુરુ અક્ષરોની સમજ અને ગઝલમાં લઘુ ગુરુની છૂટછાટ કઈ રીતે લઇ શકાય એ સમજવું અનિવાર્ય છે.

લઘુ અક્ષરો: જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો લાગે તે અક્ષર લઘુ અક્ષર ગણાય છે. હ્રસ્વ સ્વર અને હ્રસ્વ સ્વરયુક્ત વ્યંજનો લઘુ અક્ષરો કહેવાય છે. જેમ કે અ, ઇ, ઉ, કિ, કુ, મ વગેરે. લઘુઅક્ષર માટે ‘લ’ વપરાય છે અને એની માત્રા ૧ ગણવામાં આવે છે.

ગુરુ અક્ષરો: જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર ગુરુ અક્ષર ગણાય છે. દીર્ઘ સ્વરો અને દીર્ઘ  સ્વરયુક્ત વ્યંજનો ગુરુ અક્ષરો કહેવાય છે. જેમ કે, આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, પા, પી, પૂ, પે, પૈ, પો, પૌ વગેરે. ગુરુ અક્ષર માટે ‘ગા’ વપરાય છે અને એની માત્રા ૨ (બે) ગણવામાં આવે છે.

નિયમો:

જોડાક્ષરનો નિયમ: જોડાક્ષરની અગાઉ આવેલ લઘુ અક્ષર સાથે જો જોડાક્ષરમાંનો પ્રથમ અક્ષર બોલાય તો જોડાક્ષરની અગાઉ આવેલો લઘુ ગુરુ બની જતો હોય છે. ઉદાહરણ: અગમ્ય માં ‘ગ’ ની સાથે ‘મ’ બોલાતો હોવાથી ‘ગ’ ગુરુ થાય છે. અર્થ, હસ્ત, મિત્ર, રક્ત, ચિત્ત, ભિન્ન જેવા શબ્દોમાં પ્રથમ અક્ષર લઘુ હોવા છતાં એ અક્ષર પછી આવતા સંયુક્ત વ્યંજનના થડકારને કારણે પ્રથમ અક્ષર ગુરુ બની જતો હોવાથી તેનું માપ ‘ગા’ (ગુરુ) ગણાય છે.

રમ્યો, હસ્યો, લખ્યું જેવા શબ્દોમાં મ્, સ્ અને ખ્ જોડાક્ષરનું વજન પહેલા અક્ષર તરફ ઢળતું નથી. આ સંયુકત વ્યંજનનો મંદ જોડાક્ષર છે એટલે લઘુ અક્ષર લઘુ જ ગણાય છે.

અનુસ્વારનો નિયમ: જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.

દા. ત. અંત, અંશ, સંપ, કંસ અને દંડ

કેટલાક શબ્દો જેવાકે  સુંવાળપ, કુંવારી, કંઇ ,અહીં  પર મંદ અનુસ્વાર હોવાથી લઘુ અક્ષરો લઘુ જ રહે છે.

વિસર્ગનો નિયમ: દુઃખ, નિ:શુલ્ક, નિ:શબ્દ જેવા શબ્દોમાં વિસર્ગવાળા શબ્દોને ગુરુ ગણવાને બદલે લઘુ ગણવા યોગ્ય લેખાશે. અંતત:, પુન:, સામાન્યતઃ જેવા શબ્દો જેમાં વિસર્ગ શબ્દના છેડે હોય છે એવા શબ્દોમાં વિસર્ગવાળા શબ્દોનું માપ ગુરુ થશે. વગેરે..

ગઝલમાં લઘુ-ગુરુની છૂટછાટ કઈ રીતે લેવાય?

(અ) છંદની જરૂરત મુજબ માત્રાનો લોપ: (૧) લઘુ અક્ષરને ગણતરીમાં ન લેવાથી થતો માત્રાનો લોપ. (૨) ગુરુ અક્ષરને લઘુ ગણવાથી થતો માત્રાનો લોપ.

(૧) લઘુ અક્ષરને ગણતરીમાં ન લેવાથી થતો માત્રાનો લોપ:

(i) ગઝલના છંદોમાં પંક્તિના છેડે આવતા લઘુને ગુરુ ગણવામાં નથી આવતો પરંતુ એનો લોપ કરવામાં આવે છે. (ii) શબ્દાન્તે સ્વર: લખીએ, ફરીએ જેવા શબ્દોના અંતે સ્વર આવતો હોવાથી એ બીજા અક્ષરનું વજન પોતાની તરફ ખેંચે છે. દેખીતી રીતે આ શબ્દોનું માપ ‘લગાગા’ હોય એવું લાગે છે પરંતુ એનું સાચું માપ ‘ગાગા’ થશે. (iii) ‘હ’ શ્રુતિ: ‘હ’ વ્યંજન હોવા છતાં સ્વરના ધર્મો ધરાવે છે; અર્ધસ્વર લેખાય છે. ‘વહેતી’, ‘કહેતી’ ‘લગાગા’ ના બદલે ‘ગાગા’ માપમાં લેવામાં આવે છે એનું કારણ એ છે કે ‘હ’ શ્રુતિમાં સ્વરના ધર્મો હોવાથી એ આગળના અક્ષરનું વજન પોતાની તરફ ખેંચે છે. આમ આ ત્રણ પ્રકારે લઘુ અક્ષરોનો લોપ કરી એમને માત્રાની ગણતરીમાંથી બાકાત કરીએ, તો એ સ્વીકાર્ય છે.

(૨) ગુરુ અક્ષર ને લઘુ ગણવાથી થતો માત્રાનો લોપ:

(i) શબ્દના અંતે એકાક્ષરી ગુરુ: શબ્દના અંતે એકાક્ષરી ગુરુ હોય (એટલે કે કર, ખર, વર જેવા બે વ્યંજનોથી બનેલ ગુરુ ન હોય) તો એમનો ઉચ્ચાર થોડો સાંકડો કરી આ ગુરુ અક્ષરોને લઘુ અક્ષરની જેમ ઉચ્ચારી શકાય છે. શબ્દની પાછળ અવકાશ આવતો હોવાથી એ અવકાશ આ ગુરુના વધારાના વજનનો ખટકો પછી આવતા શબ્દના પહેલા અક્ષર સુધી પહોંચવા દેતો નથી એટલે શબ્દના અંતે આવતા એકાક્ષરી ગુરુનું માપ લઘુ તરીકે લઈ શકાય છે.

(ii) શબ્દની શરૂઆતમાં એકાક્ષરી ગુરુ: ભૂલ, ધૂળ, દૂર જેવા શબ્દોમાં શબ્દની શરૂઆતમાં એકાક્ષરી ગુરુ છે. થોડા ઉચ્ચારદોષ સાથે આવા ગુરુ અક્ષરને લઘુ તરીકે ઉચ્ચારી શકાય, તેથી જો આવશ્યકતા હોય તો આ ગુરુ અક્ષરોને લઘુ ગણીએ તો મોટો દોષ ન ગણાય.
(iii) દ્વિઅક્ષરી ગુરુ પછી આવતો સ્વર: દ્વિઅક્ષરી ગુરુ અક્ષરોને વિશિષ્ટ પરિસ્થિતિમાં લઘુ તરીકે લઇ શકાય. ઉદાહરણ: બસ એક ના બદલે ‘બસેક’ , આમ આયનાના ના બદલે ‘આમાયનાના’ જેવા ઉચ્ચારો કરી છંદની જરૂરિયાત સાચવી શકાય છે.

(બ) છંદની જરૂરત મુજબ માત્રાની વૃદ્ધિ

(i) ત્રીઅક્ષરી શબ્દો: મહિમા, ગરિમા, લઘુતા જેવા શબ્દોમાં થોડી ઉચ્ચાર શિથિલતા સ્વીકારી આ શબ્દોમાં બીજા અક્ષરને જરા લંબાવી ગુરુ અક્ષર તરીકે ઉચ્ચારી બીજા અક્ષરનું માપ ‘ગા’ (ગુરુ) તરીકે લઇ શકાય

(ii) દ્વિઅક્ષરી શબ્દો: સહુ, સાલુ, જાદુ, વહુ, નીતિ, યદિ, વારિ જેવા શબ્દના અંતે આવતા ઇ (હ્રસ્વ) અને ‘ઉ’ (હ્રસ્વ) જરૂર પડ્યે ગુરુ તરીકે લઇ શકાય. આવા દ્વિ અક્ષરી શબ્દોમાં બીજો અક્ષર લઘુ છે પરંતુ છંદની જરૂરિયાત મુજબ એનો ઉચ્ચાર સહેજ લંબાવી એનું માપ ‘ગા’ (ગુરુ) તરીકે લઇ શકાય છે.

(iii) એકાક્ષરી શબ્દો: ક, ખ, ગ, ર, અ, ન જેવા ભારપૂર્વક ઉચ્ચારાતા એકાક્ષરી શબ્દોનું માપ ગા (ગુરુ) તરીકે લઇ શકાય છે.

લઘુ ગુરુ શબ્દોની પ્રાથમિક સમજ અને છૂટછાટના કેટલાક નિયમોની પ્રાથમિક સમજ પછી ફરીથી છંદો વિશેની ચર્ચામાં આગળ વધીએ.

કુલ છંદો કેટલા? : કેટલાક પુસ્તકોમાં છંદોની સંખ્યા ૩૦૦ જેટલી છે એવું નોંધવામાં આવ્યું છે. રણપિંગળ જેમાં ગઝલના પરંપરાગત અરૂઝમાંથી ૩૫૯ છંદો નિરૂપવામાં આવ્યા છે. બસ આટલું વાંચીને આગળ વાંચવાનું બંધ ના કરી દેશો. ગઝલમાં છંદો સંબંધિત થોડા અભ્યાસથી એવું પ્રતીત થાય છે કે વધારે  પ્રચલિત હોય એવા છંદોની સંખ્યા ૧૦થી ઓછી, પ્રચલિત હોય એવા છંદોની સંખ્યા ૨૦થી ઓછી અને વપરાશમાં હોય એવા છંદોની સંખ્યા લગભગ ૩૦ જેટલી જ છે. કોઈ પણ ગઝલકારે આ વપરાશમાં હોય એવા બધા જ ૩૦ છંદો શીખવા પડે એવું નથી. મોટાભાગના ગઝલકારો પોતાની ઈચ્છા અનુસાર પોતાને ફાવટ હોય એટલા પસંદગીના છંદોમાં ગઝલોની રચના કરતા હોય છે એવું અભ્યાસથી જણાયું છે.

ગણ બિમ્બો/સ્તંભો (અરકાન): છંદો (બહેરો)ની રચના ગણ બિમ્બો (માત્રામેળ છંદોમાં આપણે જેને સંધિ કહીએ છીએ તે) દ્વારા થાય છે. આપણે આ અગાઉ ગઝલના ટૂંકા ઇતિહાસમાં જોયું તેમ ગઝલનું ઉદભવ સ્થાન એટલે કે તેનું મૂળ અરબસ્તાનમાં છે. અરબીમાં ગઝલના છંદશાસ્ત્ર (પિંગળ)ની રચનાને ‘ઈલ્મ-એ- અરૂઝ’ કહે છે. અરૂઝના નિયમોને આધારે ગુજરાતી ભાષામાં છંદ-રચના કરવી લગભગ અશક્ય છે તેથી અરૂઝમાં દર્શાવેલ છંદોને લઘુ-ગુરુ માપમાં ફેરવીને ગુજરાતી ભાષામાં દર્શાવવામાં આવે છે અને એના આધારે ગુજરાતીમાં ગઝલોની રચના થાય છે. વધારે પ્રચલિત છે એવા આઠ ગણ બિમ્બો/ સંધિઓ અહીં નીચે લઘુ ગુરુ માપમાં ફેરવીને દર્શાવ્યા છે.

૧. ફઊલુન = લગાગા

૨. ફાઅિલુન = ગાલગા

૩. મફાઅીલુન = લગાગાગા

૪. ફાઅિલાતુન = ગાલગાગા

૫. મુસ્તફઅિલુન = ગાગાલગા

૬. મુતફાઅિલુન = લલગાલગા

૭. મફાઅિલતુન = લગાલલગા

૮. મફઊલાત = ગાગાગાલ

ઉપરની ગણ બિમ્બો/સ્તંભો (અરકાન)ની યાદીમાંથી ૬ પ્રચલિત અરકાનોના પુનરાવર્તનોથી ‘સાલિમ’ (સંપૂર્ણ) બહેરો અસ્તિત્વમાં આવી. અમુક છંદોના નિરૂપણ માટે ખલીલ ઇબ્ને એહમદ અને એમના પછીના કાળમાં થયેલા છંદશાસ્ત્રીઓએ એકથી વધુ ગણ બિમ્બો/સ્તંભોનો ઉપયોગ કરી ‘મુરક્ક્બ’ બહેરો બનાવી. આમ છતાં નવા ગણ બિમ્બો/સ્તંભોની જરૂરત ઉભી થતાં ‘જીહાફ્ત’ નામની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. જેમ કે કોઈ છંદના નિરૂપણ માટે ‘લગાલગા’ સ્તંભની જરૂર પડી, જેનો મૂળ અરકાનમાં સમાવેશ નથી, તો લગાગાગા (હજઝ) સ્તંભમાંની પાંચમી માત્રા પર ઝિહાફ લગાડી એટલે કે પાંચમી માત્રાનો લોપ કરીને ‘લગાલગા’ સ્તંભ બનાવવામાં આવ્યો. આમ બીજી ઘણી નવી બહેરો અસ્તિત્વમાં આવી.

ગણ બિમ્બો (સંધિ)ની સમજ પછી હવે કેટલાક છંદો/પેટા છંદોના ઉદાહરણ જોઈએ:

.     ૧+૨+૨  ૧+૨+૨  ૧+૨+૨  ૧+૨+૨= ૨૦

(૧) લગાગા લગાગા લગાગા લગાગા- મુતકારિબ ૨૦

(૨) ગાલગા ગાલગા ગાલગા ગાલગા- મુત્દારિક ૨૦

(3) લગાગાગા લગાગાગા લગાગાગા

(૪) ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

(૫) લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા – કામિલ ૨૮

(૬) ગાલગાગા ગાલગાગા ગાલગા- રમલ ૧૯

(૭) ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા- રમલ ૨૬

(૮) લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા – હજઝ ૨૮

(૯) લગાગાગા લગાગાગા લગાગા – હજઝ ૧૯

(૧૦) લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા

(૧૧) ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા – રજઝ ૨૮

(૧૨) ગાગાલ લગાગાલ લગાગાલ લગાગા

(૧૩) ગાગાલ ગાલગાગા ગાગાલ ગાલગાગા – મઝારિઅ મુસમ્મન અખરબ

(૧૪) ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા – મઝારિઅ અખરબ.

(૧૫) લગાલગા લલગાગા લગાલગા લલગા

(૧૬) ગાલગાગા લગાલગા લલગા

(૧૭) ગાલગાગા લલગાગા લલગાગા ગાગા

(૧૮) લગાગા લગાગા લગાગા લગા – મુતકારિબ ૧૮

(૧૯) લગાલ ગાગા લગાલ ગાગા

(૨૦) ગાલ લગાલ ગાલ લગાલ

(૨૧) ગાગા ગાગા ગાગા ગાગા

(૨૨) ગાગા લગાગા ગાગા લગાગા

(૨૩) ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

(૨૪) ગાલગા ગાલગાલ ગાગાગા – ખફીફ

વગેરે…

નોંધ:

(૧) લગાગા ના બે, ચાર, છ કે આઠ આવર્તનોથી પણ ગઝલની રચના થાય છે.

(૨) ગાલગા ના બે, ત્રણ, ચાર, પાંચ,  કે આઠ આવર્તનોથી પણ ગઝલોની રચના થાય છે.

(૩) ગાલગાગા ના બે, ત્રણ કે ચાર આવર્તનોથી પણ ગઝલોની રચના થાય છે.

(૪) ગાગા ના એક, બે, ચાર કે આઠ આવર્તનોથી પણ ગઝલોની રચના થાય છે.

(૫) નોંધવા જેવી બાબત તો એ છે કે કેટલાક ગણ બિંબોના ફક્ત એક જ આવર્તનથી પણ કેટલીક રચનાઓ થાય છે.

(૬) નવોદિત ગઝલકારોએ શરૂઆતમાં ફક્ત નાની બહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.

ઉપરના ઉદાહરણ નં. ૧માં લગાગા અને એના ઉપર ૧+૨+૨ એવું લખેલું છે. જેઓ છંદ વિશે વધુ જાણતા નથી એમને આ સમજમાં ન આવે એ માની શકાય એવું છે. લગાગા એ એક ગણ બિંબ છે. છંદના ગણ બિમ્બોમાં લઘુ અક્ષર માટે ‘લ’ અને ગુરુ અક્ષર માટે ‘ગા’ વપરાય છે. ઉપરના ઉદાહરણના છંદ નં. ૧માં ગણ બિંબમાં પહેલો અક્ષર લ (એટલે કે લઘુ), બીજો અક્ષર ગા (એટલે કે ગુરુ) અને ત્રીજો અક્ષર ગા (એટલે કે ગુરુ) છે. લગાગા ની ઉપર ૧+૨+૨ લખ્યું છે એટલે કે લ (લઘુ અક્ષર) ની ૧ માત્રા + ગા (ગુરુ અક્ષર) ની ૨ (બે) માત્રા + ગા (ગુરુ અક્ષર) ની ૨ (બે) માત્રા ગણવામાં આવી છે કારણ કે માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવામાં આવે છે. છંદ મુતકારિબ ૨૦માં લગાગા ચાર વખત લખાયું છે એટલે કે લગાગા ના ચાર આવર્તનો છે. લગાગા ના એક આવર્તનમાં ૧+૨+૨= ૫ (પાંચ) માત્રા છે એટલે લગાગા ના ચાર આવર્તનોમાં ૫ x ૪ = ૨૦ માત્રા થશે. મુતકારિબ એ છંદનું નામ છે જેમાં ૨૦ માત્રા હોવાથી આ છંદને મુતકારિબ ૨૦ થી ઓળખવામાં આવે છે.

શું ગુજરાતી ભાષામાં ગઝલની રચના કરનારા ગઝલકારોએ અરૂઝના આધારે રચવામાં આવેલ બહેરો (છંદો)ના અરબી નામ જાણવા જરૂરી છે? :
એક ઉદાહરણથી જોઈએ, ગાલગાગા ગાલગાગા ગાલગા – રમલ ૧૯ તરીકે ઓળખાતા આ છંદમાં અસંખ્ય ગુજરાતી ગઝલો લખાય છે. આ છંદનું અરૂઝ પ્રમાણે નામ ‘રમલ મુતદારિકુલ આખિર સાલિમ મુરક્ક્બ મુસદ્સ’ છે. આમ ૧૯ માત્રાના છંદને ૨૮ માત્રાનું નામ મળ્યું છે. ગુજરાતી ગઝલકાર માટે આટલું લાંબુ નામ યાદ રાખવું પણ મુશ્કેલ છે. આવી અનેક બહેરો (છંદો)ના અરબી અરૂજના આધારે રચવામાં આવેલ અટપટા નામ ગુજરાતી ગઝલકારે યાદ રાખવા વ્યવહારુ નથી.

તકતી: નવોદિત ગઝલકારોએ શરૂઆતમાં તકતી માંડીને ગઝલ લખવાની ટેવ રાખવી, જેથી શરૂઆતથી જ બહેરમાં કોઈ ખામી રહી જવા ન પામે. અહીં નીચે વિવિધ છંદોમાં રચાયેલ ગઝલોના ૧-૨ શેરની મદદથી તકતી અંગેની સમજ આપવામાં આવી છે. નીચે આપવામાં આવેલા ઉદાહરણોમાં કેટલાક છંદો અને પેટા છંદોનું ગણ વિભાજન સરળતાથી સમજમાં આવે એવી સરળ ભાષાના શેર પસંદ કરવામાં આવ્યા છે.

નીચે આપવામાં આવેલા પ્રથમ ઉદાહરણમાં વધુ પ્રચલિત છે એવા લગાગા સંધિના ચાર આવર્તનોથી બનતા મુતકારિબ ૨૦ છંદનું ગણ વિભાજન દર્શાવવામાં આવ્યું છે.

ગઝલના બાહ્યસ્વરૂપ વિશે શક્ય એટલી સરળ રીતથી માહિતી મેળવવાનો આપણે પ્રયાસ કર્યો છે.  ગઝલના બાહ્યસ્વરૂપ ઉપરાંત ગઝલના આંતરસ્વરૂપનું પણ ઘણું મહત્વ છે. ગઝલ અંગે વધુ સારું જ્ઞાન મેળવવા માટે ગઝલકારે ગઝલના/શેરના આંતરસ્વરૂપ અંગે શક્ય એટલું જ્ઞાન મેળવવા પ્રયાસ જરૂર કરવો જોઈએ.

ગઝલનું/શેરનું આંતરસ્વરૂપ:

શેરના રંગો : તગઝઝુલ, તસવ્વુફ, હાલાત, ફિલસૂફાના, સિયાસી વગેરે

શેરના અંતર્ગત લક્ષણો: છટા, શૈલી (અંદાજે બયાં), વિચારસોંદર્ય (હુસ્ને ખયાલ) જેવા લક્ષણોના વિનિયોગથી પ્રગટતો શેરનો સ્વભાવ અને એ દ્વારા પડઘાતો સાયરનો મિજાજ વગેરે

શેરના દોષ: છંદ દોષ, અન્વયદોષ, વચનદોષ, અતિરિક્ત શબ્દપ્રયોગ, અનિવાર્ય શબ્દઉપેક્ષા, દુર્બોધતા, પ્રમાદી વાક્યરચના, કાફિયાદોષ વગેરે.

અને છેલ્લે એક ખૂબ અગત્યની વાત: કાવ્યના જુદા જુદા પ્રકારોના માધ્યમથી સદીઓથી ઘણા સારા કામો થતા રહ્યા છે એ હકીકત છે. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને પાલનહારના ગુણગાન, નેક અને મહાન લોકોની ઉપલબ્ધિઓ, સારી વાતોનો ફેલાવો અને ખરાબ વાતોથી બચવાની સલાહ, ગુલામીમાંથી મુક્તિ મેળવવાની લડતોમાં, નાગરિક સ્વાતંત્ર્ય માટે, યુદ્ધના મેદાનોમાં યોદ્ધાઓનું મનોબળ વધારવા જેવા ઘણા મોટા ઉદ્દેશો સુધી પહોંચવામાં કાવ્યના જુદા જુદા પ્રકારોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એ હકીકત ઇતિહાસ પર નજર કરતાં આપણને સમજાય છે. દ્રાક્ષ, ખજૂર જેવા સ્વાદિષ્ટ, મીઠાં અને શક્તિના સ્ત્રોત જેવા ફળોનો સદુપયોગ તંદુરસ્ત, બીમાર કે નિરાધાર વ્યક્તિની ભૂખ મટાડવા કરી શકાય; આવા મીઠાં ફળોનો દુરુપયોગ કોઈ નાસમજ વ્યક્તિ દારૂ બનાવી પોતાનું અને બીજા લોકોનું જીવન બરબાદ કરવા કરે તો એમાં આ ફળોનો કોઈ દોષ ન ગણાવી શકાય. જેમ ફળોનો દુરુપયોગ શક્ય છે તેમ કલમનો દુરુપયોગ પણ શક્ય છે એટલે કોઈ પણ ગઝલની કે કાવ્યની રચના કરતાં પહેલાં સમજી વિચારીને ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું જરૂરી છે.

ચાલો ગઝલ શીખીએ. સંપાદક- નાસીરહુસેન લોટીયા (.pdf ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો)

4 Comments on “ચાલો ગઝલ શીખીએ

 1. વાલયકુમ સલામ.
  મુબારકભાઈ, મહેક ટંકારવી સાહેબ, અનવરભાઈ.
  મારા આ નાના પ્રયાસને ધ્યાનમાં લઇ એની સરાહના કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
  આજનું યુવાધન આવતી કાલના સમાજ અને દેશના ઊજળા નિર્માણ માટે પોતાની જવાબદારીઓ અદા કરવા તત્પર બને અને નાના મોટા પ્રયાસો કરે એ જરૂરી છે. આભાર.

 2. OMG…..
  ટંકારીઆ રત્ન નાસીરહુસેન……
  નાસીરભાઈ, તારીફ માટે શબ્દો ખૂટી પડ્યા છે.
  આપની મહેનત, ઢગશ …. Salute છે.
  Once again I must repeat
  Generations of Tankarvis make Tankaria, THE GREAT TANKARIA

 3. નવી સંપાદક ટીમ પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય બનીને કામ કરી રહી છે તેનું એક સુંદર ઉદાહરણ તે “ચાલો ગઝલ શીખીએ” એના પરથી જોઇ શકાય છે. હવે ગઝલ લખવા માંગતા યુવાન કવિઓને દૂર જવાની જરૂર નથી. આ સંપાદનમાંથી તેમને જરૂરી એવું માર્ગદર્શન મળી રહેશે. ગઝલ લખવાની કોશિશ કરનારાઓને ગઝલ લખી તેને અન્‍ય કવિમિત્રો પાસે વાંચવા-સંભળાવવાની અને જરૂરી ઇસ્લાહ મેળવવાની પણ તક મળી રહે એવું આયોજન પણ ચા-પાણી સાથે માસિક કે દ્વિમાસિક કવિ બેઠકો યોજીને કરવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે છે. આ માટે પાદરમાં લાયબ્રેરીનું જે મકાન છે તેના એકાદ રૂમનો કે હોલનો સંચાલકોનો સહયોગ મેળવી ઉપયોગ કરી શકાય. નવયુવાનો મોબાઇલમાં માથું ઘાલીને આમ જ બેસી રહેવાને બદલે કઇંક લખતા-વાંચતા-વિચારતા થાય તો બહુ સારું કહેવાય.

 4. અસ્સલામુ અલયકુમ.
  ગઝલ લેખનનો શોખ ધરાવનાર નવોદિતો માટે ખૂબ જ સરસ રીતે સંપાદન કરેલ છે. “ગાગરમાં સાગર” જેવી આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી નીવડશે. ગઝલના ભાવકો અને રસિકોને પણ મજા પડે એવી પુસ્તિકા. ગઝલના શોખીન મુરબ્બીઓ અને મિત્રો આ ઠકી ગઝલને વધુ સારી રીતે સમજી શકવાની ક્ષમતા કેળવી શકશે.
  ખૂબ ખૂબ મુબારકબાદી નાસીરભાઈ.
  મુબારક આદમ ઘોડીવાલા. (દર્દ ટંકારવી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*