ધીમી ધારે વરસાદના આગમન સાથે ખેડૂતો ખુશખુશાલ

અતિશય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ટંકારીઆ તથા પંથકમાં આજે ફઝર થી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. ખેડૂતો ખુશખુશાલ ચહેરે વરસાદને માણતા જોવા મળ્યા છે. વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી છે.
ઘનઘોર ઘટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદના છાંટાઓ એ ટંકારીઆ ની ધરાને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. આજે વહેલી સવારથી જ ઘનઘોર વાદળો ટંકારીઆ ના આકાશપટ પર છવાઈ ગયા છે. ભેજવાળી ગરમી થી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો છે.
આ વરહતા મેઘ ને જોઈને ભૂતકાળ યાદ આવે છે, આપણે તો પહેલા વરસાદની આતુરતાથી રાહ જોતા, જેવો પહેલો વરસાદ આવે એટલે શેરીનાં બધા દોસ્તો એકસાથે વરસતા વરસાદમાં પલળતા. પાણીનું ખાબોચિયું હોઈ ત્યા જઈને પગથી છબછબિયા કરતા. એકબીજા ઉપર કાદવ ઉડાડતા અને ખુબ આનંદ કરતા. વરસાદ વિરામ લે એટલે આપણે ભાઈબંધોને વૃક્ષ નીચે લઈ જઈને ઉભા રાખતા અને પછી તે વૃક્ષની પાતળી ડાળ હલાવી આપણે શીઘ્ર ગતીથી દોડીને ભાગી જતાં અને ભાઈબંધો ઉપર ઝાડમાં ફસાયેલુ વરસાદનું પાણી પડતુ અને એ ભીંજાય અને ખીજાય એ જોવુ પણ એક લ્હાવો હતો. મને યાદ છે કે ચોમાસાનાં પહેલા વરસાદની પલળેલી માટીની સોડમ (સુગંધ) એવી આવતી કે આપણને માટી ખાવાની તિવ્ર ઈચ્છા થઈ જતી. પીડા થાય છે કે આ બધુ હવે આપણી જિંદગીમાથી ચાલ્યુ ગયુ, હા… દિવસો ગયા પરંતુ યાદ ક્યા ગઈ છે! એ ભૂતકાળ એ અતિતને યાદ કરીને આપણે આનંદ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*