વસંતના વધામણાં

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલો એ બીજું કંઈ નથી , પગલા વસંતના.

છેક હાઈસ્કૂલ કાળથી આવી પંક્તિઓ નિબંધ લેખનમાં ઉપયોગમાં લેવાતી. એ વખતે અનુભવ વગર ફક્ત વાંચન અને અભ્યાસ અર્થે આવતી આવી કાવ્ય પંક્તિઓ લહેકા સાથે બોલવી અને યાદ રાખીને પરીક્ષામાં લખવાની ખુબ ગમતી. એ વખતે પણ વાંચન સિવાય અનુભવ કશું જ નહીં. ફક્ત પરીક્ષા માટે જ તો!

પકૃતિની ખોજમાં જીવને રેડી દેવું એ જ સાચું સુખ છે. પ્રકૃતિનાં સંગીત જેવું દુનિયામાં બીજું કોઈ સંગીત નથી. ઝરણાંનો ખળખળ ખળખળ વહેવાનો અવાજ, ઊંચેથી પડતાં ધોધનો અવાજ, વૃક્ષો માંથી પસાર થતાં હળવાં ભારે સૂસવાટાનો મધુર અવાજ, દરિયાના મોજાનો ઘુઘવાટ વગેરે કેટલાંય પકૃતિના અવાજ સદીઓથી માણસને સંભળાતું સુમધુર સંગીત છે. આ સંગીતના તોલે કોઈ સંગીત ભલા કેવી રીતે આવી શકે?

યુવાની ઉંમરમાં નહીં. ઉત્સાહ માં હોય છે. પ્રકૃતિને માણવામાં હોય છે. એમાંય વસંત એ વસંત છે. વસંતના તાજાં ખીલેલા નવપલ્લવિત ફૂલ દરેક માનવીના હૈયાને ચિરયુવાની આપે છે. વનવગડામાં પસાર થતાં ભાત ભાતના નવપલ્લવિત ફૂલો વસંતના વધામણાં આપે છે. એને જોતાં એક નિજાનંદ સુખ મળે. કોણ કહે કે કેસૂડો વસંતના વધામણાં ન આપે. આજે એ લાલ, પીળી, સફેદ ફૂલોથી લદાયેલી બોગનવેલની લતાઓ કે મધુમાલતીના લાલ પીળી ફૂલો કરતાં પણ વધુ ફૂલી ફાલી રહ્યો છે.

પહેલાં લોકો વસંતોત્સવ ઉજવતાં. વેલેન્ટાઈન તો હમણાં આવ્યો. આ વસંતમાં લોકો પ્રણયના સૂર રેલાવતાં. વસંતપંચમી થી હોળી ધુળેટી સુધી આજે પણ આ વસંતના વધામણાં કરતાં તહેવારો ઉજવાશે. વસંતમાં લોકો પીળાં અથવા કેસરી કપડાં પહેરીને આ તહેવારોની ઉજવણીમાં જોડાતાં. આ વસ્ત્રોનું પણ કદાચ મહત્વ હશે!

પ્રેમ ભાવની આ ઋતુ થકી માણસ પ્રસન્નતા પૂર્વક રહે એજ તો એનો આશય છે. વસંતની ઋતુ એ આનંદ, ઉત્સાહ અને ખુશ રહેવાની છે‌‌. આ ઋતુમાં વનવગડામાં મને કેટલાંય પુષ્પોથી શોભતાં વૃક્ષો આનંદથી હૈયું ભરી દે છે. કુદરતના આ સાંનિધ્યમાં અનાયસે કે આશયે જવાનું થાય ત્યારે હૈયે ટાઢક વળે! ફૂલો હસતાં હસતાં જાણે કે જીવનના દરેક દુઃખોને ભુલીને શાશ્વત સુખનો અનુભવ કરાવે. હું જ્યાં જવાનું થાય ત્યાં ભલેને કોંક્રિટનું જંગલ હોય તો પણ એની આજુબાજુના નાનાં નાનાં ફૂલછોડ, કમનિય લતાઓ અને વૃક્ષોને વધુ નિહાળું! કદાચ મને આ જ સાચું સુખ લાગે છે. પ્રકૃતિને આ આંખોએ ભરી ભરીને જોવાની જે મજા આવે છે એ બીજી કોઇ જગ્યાએ નથી આવતી.

તમને ખબર છે, આજે વસંત પંચમી છે??

પ્રકૃતિથી ધીરે-ધીરે અલિપ્ત થઇ રહેલો કાળા માથાનો માનવી એનાં સંસાર સાગરમાં એટલો તો વ્યસ્ત છે કે એનું અપ્રતિમ સૌંદર્ય માણવાનું ખરેખર વિસરી રહ્યો છે.

દર વર્ષે પાનખર પછી વસંત આવે ને એની સાથે નદીઓમાં ખળખળ વહેતા નીર ઉભરી આવે, પાનખરમાં ખરી પડેલા પર્ણોનો વિષાદ શમેને ઝાડની ડાળીએ કુંપળો ફૂંટુ ફૂંટુ થાય. નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાંનો સંચાર થાય. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ જાણે સૌંદર્યની લ્હાણી કરતી હોય એમ સૌને એની તરફ આકર્ષે છે.

કુદરતનાં સાનિધ્યમાં ઉછેરેલો આ માણસ આટલું અનુપમ સૌંદર્ય છોડીને કઈ ભૌતિક સુખ સગવડો પાછળ ઘેલો થયો છે એ મને ક્યારેય સમજાયું નથી. આપણે જેમ વાર-તહેવાર કે ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ એનો ઉત્સવ ઊજવે છે અને એ ઉત્સવનાં વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીનાં દિવસથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો.

વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું વાતાવરણ. એમાંય કોયલનું મધુર કુંજન ને મોરલાનાં ટહુકાઓ મનને વધારે આનંદવિભોર બનાવે છે. ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ.

આપણી ૬ ઋતુઓમાંની બધી જ ઋતુઓ પોતપોતાનાં સમયે આવીને પોતાનું કામ કરે છે પણ વસંત ઋતુનું પોતાનું એક અલગ અને વિશેષ મહત્વ છે. આ ઋતુમાં પ્રકૃતિનું સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતું હોય છે.

વન ઉપવન જુદા-જુદા ફુલોથી મહેંકી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફુલોનાં સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.

વસંત ઋતુને તો આપણા આદિ કવિઓથી લઈને, આપણાં મૂર્ધન્ય સાહિત્યકારો અને અમારા જેવા શિખાઉ લોકોએ પણ ભરપૂર લાડ લડાવ્યા છે. વસંત એ એક માત્ર ઋતુ છે જે આપણાં ગુજરાતી સાહિત્યનાં દરેક પ્રકારોમાં અલંકારો અને જાતજાતની ઉપમાઓ થકી શબ્દોનાં સોળે શણગાર પામી છે.

ટંકારીઆ ગામના કવિમિત્રો ને અર્પણ

1 Comment on “વસંતના વધામણાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*