આગામી બકરી ઈદ નો તહેવાર આવતો હોઈ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ ૦૨ જુલાઈ ૨૦૨૨ ને શનિવારના રોજ ગ્રામ પંચાયત ભવનમાં પારખેત, અડોલ, ઘોડી ગામના સરપંચોની તથા ગામ આગેવાનોની હાજરીમાં  પાલેજ પોલીસ મથકના પી. આઈ. વાઘેલાની અધ્યક્ષતામાં તારીખ ૧૦ મી જુલાઈ ૨૦૨૨ ને રવિવારના રોજ બકરી ઈદ ના તહેવારને ધ્યાન માં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી. આઈ. વાઘેલા દ્વારા બકરી ઈદ નો તહેવાર શાંતિપૂર્વક સરકારી ગાઈડ લાઈન મુજબ ઉજવણી થાય તેમજ કોઈની પણ લાગણી ના દુભાય એને લક્ષમાં રાખી ઉજવવાની અપીલ કરી હતી.

સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યાં છેલ્લા ૩ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ભરૂચ જિલ્લો ખેતી લાયક વરસાદ થી હજુ સુધી વંચિત છે. અલ્લાહની મરજી ……….. અસહ્ય બફારાનો સામનો લોકો કરી રહ્યા છે અને ગરમીનો પ્રકોપ હજુ પણ ઓછો થયો નથી. પાક પરવરદિગારથી દુઆ છે કે, યાઅલ્લાહ……….. નબીએ પાક સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના સદકામાં તું તારી રહેમતની બારીશ અમો ગુનેહગારો પર નાઝીલ કરી તારા બંદાઓને તારી રહેમતથી ભીંજવી દે.

ગુરુવારે સાંજે વાદળોના જમાવડાને કારણે સમગ્ર પંથકમાં માંહે જિલ્હજ્જ નો ચાંદ નજરે આવ્યો ના હતો. પરંતુ કચ્છ વિસ્તારમાં ચાંદ નજરે પડ્યો હોવાની માહિતી મળતા ગુજરાત ચાંદ કમિટીના જીમ્મેદારો ત્યાં જઈ શરઈ ગવાહી મેળવતા ગુજરાત ચાંદ કમિટીએ માંહે જિલ્હજ્જ નો પ્રથમ ચાંદ તારીખ ૦૧ જુલાઈ નો રોજ ગણવામાં આવશે એમ જાહેર કર્યું છે. જે કારણે બકરી ઈદ તારીખ ૧૦ જુલાઈ ને રવિવારના રોજ મનાવવામાં આવશે.