વર્ષાબુંદનો સ્પર્શ ને સૌન્દર્ય ઉઘાડ…!

અષાઢી મેઘના કાળાભમ્મર ઉમડેલા વાદળાં અનરાધાર વરસે, પછી ધરતીધરવના તૃપ્ત ડકાર બાદ વનશ્રી નવપલ્લવિત બની સોંડષી સમી ઉઘડે, રેલાતા ઝરણાં ના ઉફાન હળવા બની નવોઢાની જેમ મંથર મુગ્ધ વહે, વગડે લહેરાતા વાયરા સંગ સુરાવલીયુક્ત જુગલબંધી કરે, વૃક્ષની બખોલે સચવાયેલા મેઘબુન્દ દડતા રેલાતા રવાલ ચાલે વહે, ડાળી સહારે લસરે, લચેલા લીલાછમ પાંદડેથી લચકીને ટોચેથી ટપકે, તે ટપ…ટપ સ્વર અને સુરના ધ્વનિગુંજનો પરોઢ, મધ્યાન, સાંજ, સંધ્યા કે મધરાતે સાવ જુદો જ અહેસાસ કરાવે. તળાવ કે ગામસિમાડે ધીમા પજરતા જંગલોમાં આ સૂરોના રંગ પળેપળ અવનવા હોય તે જુદુ, ને તેમાંય દેડકા-ચીબરી, શિયાળ-કુતરા, પરોઢમાં કોયલ-કાગડા, કુકડા-મોર, પાણી આરે બગલા, તો અંતરિયાળ વગડામાં હિંસક-અહિંસક સૂરો તેમાં અનન્ય ઉન્માદ ભેળવે…! ટંકારિયામાં ભલે ઘનઘોર જંગલો ના હોય, છતાં આવા માદક વર્ષાવન માણવા હોય તો અષાઢનો અંતરાલ, છબછબિયો શ્રાવણ અને ભરપુર ભાદરવો જે અનુકુળ આવે તે સમયે એકાદ ભીની વનરાજીની સંગત કરી એકાદ લટાર ખેતરોમાં માણવાનો આનંદ જ અનેરો છે. અને વળી હમણાં તો બે ચાર દિવસથી એકદમ સોન્દર્યવન્તો ઉઘાડ પણ નીકળી ગયો છે. ખેડૂતો ખેતરોની માવજતમાં લાગી ગયા છે, ઠેર ઠેર ઘાસ ના બીડો નજરે પડે છે એવામાં ભેંસ, બળદ અને બકરીઓને તો તડાકો જ પડ્યો છે. ” ખોળો ” પછી એ ખુદ ની જનેતા હોય કે પછી પ્રકૃતિ ના સર્જનહાર નો, એ હંમેશા તમને પરમ શાંતિ આપે છે અને કોઈ પણ જાત ની અપેક્ષા વિના. ગામ ટંકારીઆ અને તેની આસપાસ ના તમામ વિસ્તાર અને વર્ષાઋતુ પછી નું તેનું સોળે કલા એ ખીલેલું પ્રાકૃતિક સૌંદર્ય હંમેશા મન ને આંનંદાયક અને પ્રફુલ્લિત કરી દે. પ્રકૃતિ હંમેશા તેના વિવિધ રંગ થી વિશ્વ ને રંગીન કરી દે છે, પછી એ આકાશ માં મંડાયેલ મેઘધનુષ હોય કે ખોબલે ખોબલે પોતાની પીંછી થી ધરતી ને લીલા રંગથી સજાવી દીધી કેમ ના હોય !!! ગામના વગડાના ના થોડા ફોટા મુકું છું. આશા રાખું સહુ મિત્રો ને ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*