ટંકારિયામાં સફાઈ માટેના વાહનોની અર્પણવિધિ તથા સન્માન નો કાર્યક્રમ યોજાયો.

ભરૂચ જિલ્લાના વહોરા પટેલ સમાજ આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. માટે તૈયારી આદરે. : ફારૂકભાઈ પટેલ
જે સમાજ પોતાના ગૌરવવંતા ઇતિહાસને ભૂલી જાય છે, સમય જતા તેનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે. : અઝીઝ ટંકારવી

આજરોજ તારીખ ૨૧/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ ગ્રામ પંચાયત ટંકારીઆ ના સાનિધ્યમાં કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ના ચીફ મેનેજીંગ ડાયરેક્ટર ફારૂકભાઈ પટેલ (કે.પી.) ની અધ્યક્ષતા અને અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ સમારંભની શરૂઆ તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી, બાદમાં તાલુકા સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલરે પોતાના સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ ગામના સરપંચશ્રીએ મહેમાનોને આવકારી ટંકારીઆ નો ચીતાર રજુ કર્યો હતો. તેમના વિસ્તૃત પ્રવચનમાં તેમણે ટંકારીયાના ભાતીગળ ઇતિહાસની ઝાંખી કરાવી ટંકારીયાના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગામના શિક્ષકો, ડોક્ટરો, સાહિત્યકારો તથા બીજા વ્યાવસાયિકો અંગે ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી. અંતમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ટંકારીઆ ના ભાતીગળ ઇતિહાસ અંગે ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના સૌજન્યથી નાસીરભાઈ લોટીયા દ્વારા સંપાદિત પુસ્તકનું પ્રકાશન થશે જેનો લાભ લેવા ગ્રામજનોને હાકલ કરી હતી. ત્યારબાદ ટંકારીઆ પુત્ર સલીમભાઇ ઘડિયાળી એ તેમના ટૂંકા પ્રવચનમાં કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ગ્રુપનો સવિસ્તાર ચિતાર રજુ કર્યો હતો. અને એમને એમ પણ જણાવ્યું હતુંકે હું ટંકારીયાનો પુત્ર છું એનું મને ગર્વ છે. તેમણે અય્યુબ દાદાભાઈ સદથલાવાળા સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમ્યાન ઐયુબભાઈએ ટંકારીઆ ગામમાં સાફસફાઈના વાહનોની તાતી જરૂરિયાત વિશે રજૂઆત કરી હતી એમ જણાવ્યું હતું અને જેને કે.પી. ગ્રુપે સ્વીકારી હતી. બાદમાં કે. પી. ગ્રુપના CMD ફારૂકભાઈનું સન્માન શાલ ઓઢાડી, મોમેન્ટો અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું. સાથે સાથે ટંકારીઆ ગામના મેડિકલ ક્ષેત્ર, શૈક્ષણિક, સમાજસેવા, સાહિત્ય ક્ષેત્રના તેજસ્વી તારલાઓને સન્માન પત્ર તથા મેડલ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કે. પી. ગ્રુપના CMD ફારૂકભાઈએ પોતાના વક્તવ્યમાં વહોરા પટેલ સમાજમાંથી આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. વધુમાં વધુ બને એ પ્રમાણેના પ્રયત્નોકરવાની હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટંકારીઆ ગામ અનેક ક્ષેત્ર્રે આગેવાની લઇ જિલ્લામાં અગ્રેસર રહ્યું છે ત્યારે આ બાબતે પણ આગેવાની લઇ નક્કર પગલાં ભારે એવી હાકલ કરી હતી. તથા તેમણે જણાવ્યું હતું કે, ટંકારીઆ ગામને જયારે જયારે સમાજલક્ષી સેવાઓની જરૂર પડશે ત્યારે ત્યારે કે.પી. ગ્રુપ હંમેશા ટંકારીઆ ની પડખે ઉભું રહેશે.ત્યારબાદ સાહિત્યકાર અને ગુજરાત ટુડેના સંપાદક અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા પ્રવચનમાં ટંકારીઆ ગામનો સવિસ્તાર ચિતાર રજુ કર્યો હતો તેમણે એમ જણાવ્યું હતું કે, જે સમાજ પોતાના ગૌરવવંતા ઇતિહાસને ભૂલી જાય છે, સમય જતા તેનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે. એમ જણાવ્યું હતું.
ત્યાર બાદ શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ હાસિલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, ગામમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર નવા ડોક્ટરો, સમાજ સેવકો, સાહિત્યકારો વિગેરેને સન્માનપત્ર તથા મેડલ આપી સન્માનિત કરાયા હતા. અંતમાં આભારવિધિ સરપંચ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ત્યારબાદ આ કાર્યક્રમમાં કે.પી. ગ્રુપ તરફથી સાફસફાઈના કામ માટે એક ટ્રેક્ટર, બે ટ્રેલર તથા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે એક ટેમ્પો ટંકારીઆ ગ્રામ પંચાયત ને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કન્યાશાળા ટંકારીઆ, એમ.એ.એમ. હાઈસ્કૂલનાવિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની સરાહના કરી તેમને રોકડ ઇનામો મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વરિષ્ઠ શિક્ષક ગુલામભાઇ ઉમરજી ઇપલી તથા મોહમ્મ્દરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાભાઈ તથા સલીમસાહેબ ગુજિયા અને ટંકારીઆ હાઈસ્કૂલના મોહસીન મઠિયાસાહેબ, મુસ્તાકસાહેબ, ઈદ્રીસ કબીર ઉર્ફે તાત્કાલિક ટંકારવી સાહેબે સફળતાપૂર્વક કર્યું હતું.ફારૂકભાઈ પટેલ (KP ગ્રુપ)ને આપવામાં આવેલ સન્માન પત્ર .

કે.પી. ગ્રુપની સ્થાપના ૧૯૯૪માં લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે થઇ પછી કેટલાક સમય પછી મોબાઇલ ટેલિકોમમાં ભારતના અગ્રણી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કંપનીનો પ્રવેશ થયો. કે.પી. ગ્રૂપે તેની સફળ કામગીરીના ૨૭ જેટલા વર્ષોમાં ઘણી કંપનીઓ સાથે જોડાઈને જે વિકાસ કર્યો તે અદભૂત છે એટલું જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી કેટલાક અગ્રણી જૂથની કંપનીઓનો જે ઝડપી અને મજબૂત વિકાસ થયો એ અસામાન્ય વિકાસમાં કે.પી. ગ્રુપનો ખાસ ફાળો રહ્યો છે. છેલ્લા દાયકા દરમિયાન આ જૂથે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઈઝીગ, સૌર અને પવન ઉર્જાના સેક્ટરમાં, અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈવિધ્યકરણના પરિણામે જે અસાધારણ વૃદ્ધિ અને સિદ્ધિ હાંસલ કરી છે તે કાબીલે તારીફ છે. કેટલાક ખાસ ક્ષેત્રોમાં ISO 9001: 2015 સર્ટીફીકેશન મેળવીને કે.પી. ગ્રુપે તેની કાબેલિયત અને વિશ્વસનીયતા પુરવાર કરીને ગ્રાહકોમાં પ્રથમ પસંદગીનું સ્થાન મેળવ્યું છે.

કોઈ પણ ક્ષેત્રમાં  સફળતા રાતોરાત અને આપોઆપ મળી જતી નથી. કે.પી. ગ્રુપનો વિસ્તાર થતો રહ્યો અને કે.પી. એનર્જી લિમિટેડ, કે.પી.આઈ ગ્રીન એનર્જી લિમીટેડ, કે.પી. બીલ્ડકોન પ્રાઇવેટ લિમીટેડ જેવી પ્રખ્યાત કંપનીઓની સ્થાપના થઇ. કે.પી. ગ્રુપ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં વખણાયું. આ અત્યંત સફળ અને પ્રભાવશાળી યાત્રામાં એના સ્થાપક અને હાલના CMD એવા શ્રી ફારૂકભાઈ કે.પી.ની ખાસ દ્રષ્ટી, સતત મથામણ અને સખત મહેનત અગ્રેસર રહી છે એ તથ્યને સામે રાખીને આજના આ ખાસ પ્રસંગે ફારૂકભાઈ પટેલ (KP ગ્રુપ)ને આ સન્માન પત્ર આપતાં અત્યંત ખુશી અને ગૌરવની લાગણી થાય છે. કે.પી. ગ્રુપ વધુને વધુ પ્રગતિના સોપાન સર કરી ટોચના સ્થાને બિરાજમાન થાય એ જ અભ્યર્થના.

આજના આ ખાસ પ્રસંગે દીલની ગહેરાઈથી ખૂબ ખૂબ આભાર…
ટંકારીઆ ગામના તમામ નાગરિકો વતી….

સરપંચશ્રી
ગ્રામ પંચાયત ટંકારીઆ .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*