ટંકારીઆમાં ૭૯ માં તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસ ની ઉજવણી ધૂમધામથી કરાઈ
આજે ૧૫ ઓગસ્ટ એટલે કે, સ્વતંત્ર દિવસ. સમગ્ર ભારત દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આજની તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસ ની ઉજવણી ગ્રામ પંચાયત ટંકારીઆના સાનિધ્યમાં ટંકારીઆ ગામ ખાતે રાખવામાં આવી હતો.
વહેલી સવારથી જ શાળાના વિદ્યાર્થીઓમાં તથા ગ્રામજનોમાં થનગનાટ શરુ થઇ ગયો હતો. ભરૂચ તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રી પોતાના સ્ટાફ ના કાફલા સાથે વહેલી સવારે ટંકારીઆ ખાતે આવી ગયા હતા. અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમની સાથે નાયબ મામલતદાર વિપુલ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ધ્વજવંદન બાદ મામલતદાર સાહેબે તેમના કાર્યક્રમ અનુરૂપ પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વતંત્ર વીરોને બિરદાવવાનો દિવસ છે. તેમને વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું હતું કે, આપણે દેશના ભવ્ય વારસાની કદર કરવી જોઈએ અને આ વારસાને આગળ વધારવાનો છે. ભારતના તમામ નાગરિકોએ દેશભક્તિની ભાવના અપનાવવી જોઈએ. તેમને એક સૂત્ર આપ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત. આજની પેઢીના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ કેળવવો પડશે. અને શિક્ષકોને પણ સંબોધિત કરતા જણાવ્યું હતું કે. શિક્ષકો એ પણ બાળકોના ઘડતરમાં આગળ રહેવું પડશે.
ત્યારબાદ કન્યાશાળા [મુખ્ય], કન્યાશાળા [બ્રાન્ચ], કુમારશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શ્રોતાજનોને પ્રભાવિત કરી દીધા હતા. મામલતદાર સાહેબ પણ આ કાર્યક્રમોથી ખુબ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ મહાનુભાવોએ ઈનામોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને મેડલ આપી બિરદાવ્યા હતા. ઉપરાંત વિવિધ સંસ્થાઓ જેવી કે આંગણવાડી, મામલતદાર કચેરીના પ્રતિભાશાળી કર્મચારીઓ ને પણ સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. ઉપરાંત બિન સરકારી સંસ્થાઓના કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કર્યા હતા. બાદમાં મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા કન્યાશાળા [મુખ્ય] ના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ટંકારીઆ ગામના સરપંચ મંગાભાઇ વસાવા, ડે. સરપંચ સફ્વાન ભુતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ, ગામની તમામ શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયત ના વોર્ડના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.આર. વ્યાસ મેડમ તેમના સ્ટાફ સાથે ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ હાજરજનોને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આ સમગ કાર્યક્રમનું સંચાલન કન્યાશાળાના સિનિયર શિક્ષિકા સઈદાબેને તેમના આગવા અંદાજમાં કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આયોજિત હતો.







TANKARIA WEATHER