શુક્રવાર તા.૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે ટંકારીઆ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે પુસ્તક લોકાર્પણ , સન્માન સમારંભ અને ભવ્ય ગુજરાતી મુશાયરાનું આયોજન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓની ઉપસ્થિતિમાં વિદેશથી પધારેલા અતિથિઓ તથા બહેનોની હાજરી ધ્યાનપાત્ર હતી. સમારંભના અધ્યક્ષ પદે યુ.કે. નિવાસી ઉદ્યોગપતિ અને સમાજ સેવક દિલાવરભાઈ દશાંતવાલા હતા. એ ઉપરાંત ઝામ્બિયાથી ઐયુબ અકુજી, કેનાડા સ્થિત ઐયુબ મીયાંજી, યુ.કે. થી ઇકબાલ ધોરીવાલા, ઈસ્માઈલસાહેબ ખૂણાવાલા, દિલાવરભાઈ ખોડા, કાઉન્સેલર મસીઉલ્લાહ, પ્રેમી દયાદરવી, શાહિદ પ્રેમી, હારુન પટેલ મનુબરી, ઈમ્તિયાઝ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી, યુ.એસ.એ.થી પધારેલા અનવરભાઈ ખાંધિયા, યાકુબભાઇ પટેલ તથા ઉસ્માનભાઈ પટેલ [જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સરકાર], મુસ્તાક ઘોડીવાળા [રી. ડે. કમિશ્નર], સલીમ ઘડિયાળી, મુબારકભાઈ ડેરોલવાલા, એડવોકેટ સુહેલ તિરમીઝી, અબ્દુલભાઇ ટેલર, મુબારક ભાણીયા, અબ્દુલ્લાહ કામઠી વિગેરે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનોનું, શાયરોનું સ્વાગત કરતા આ કાર્યક્રમના આયોજક માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતાએ તેમના આવકાર પ્રવચનમાં કમિટી અને ગ્રામજનો વતી ભાવભીનું સ્વાગત કર્યું. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કાર્ય બાદ સભાના અધ્યક્ષના હસ્તે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર બાદલ સન્માનપત્રો તથા સ્મ્રુતિચિહન એનાયત થયા હતા. આ ઉપરાંત ચાર પુસ્તકો ૧. ‘પ્રેમી’ દયાદરવી કૃત “નજરાણું”, શાહિદ ઉમરજી કૃત “હાર્ટ તું હાર્ટ”, નાસીરહુસૈન લોટીયા લિખિત “ચાલો ગઝલ શીખીએ” અને અઝીઝ ટંકારવી સંપાદિત “સનાતન મૂલ્યોની કથાઓ”ની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.
ત્યારબાદ ટંકારીઆ યુવા કમિટીના ઉપક્રમે યોજાયેલ સમારંભમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વિભૂતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ સુહેલ તીરમીઝી, ફરહીન સલીમ ગુજ્યા, તલ્હા અઝીઝ વસ્તા, ડો. મહંમદહુસૈન ભાણીયા, તથા પ્રેમી દયાદરવી ને મોમેન્ટો આપી સન્માનિત કાર્ય હતા. બાદમાં ડો. અદમ ટંકારવી સાહેબને “ટંકારીઆ રત્ન” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. અદમ ટંકારવીએ પોતાના સન્માન બદલ ભાવ વિભોર થઇ આભાર માની સમાજ અને ટંકારીઆ ગામ ઉત્તરોત્તર વધુ ને વધુ તરક્કી કરે તેવી દુઆઓ કરી હતી.
સુકવી’તી એણે જ્યાં ઓઢણી
ડાળ લીમડાની એ મીઠી થઇ ગઈ
-‘અદમ ટંકારવી’
ત્યારબાદ શ્રોતાજનો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ભવ્ય મુશાયરાનો પ્રારંભ થયો હતો. મુશાયરાનું સંચાલન વિખ્યાત ગઝલકાર ડો. રઈશ મનીઆરે કર્યું હતું. આ મુશાયરામાં ભાગ લેનાર કવિઓમાં સર્વશ્રી ‘અદમ’ ટંકારવી, ‘અઝીઝ’ ટંકારવી, ‘પ્રેમી’ દયાદરવી, હર્ષવીબેન પટેલ, ઇકબાલ ઉઘરાદાર, ‘દર્દ’ ટંકારવી, ‘પથિક’ સીતપોણવી, ઈમ્તિયાઝ પટેલ ઉર્ફે ટંકારવી, કુતબુદ્દીન ઉર્ફે ‘કરણ’ પટેલ, ઈમ્તિયાઝ મોદી ‘મુસ્વ્વિર’, ‘યકીન’ ટંકારવી, શાહિદ ઉમરજી વગેરેએ પોતાની રચનાઓ રજુ કરી શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવીએ એમની લાક્ષણિક રસપ્રદ શૈલીમાં કર્યું હતું. આ કાર્યક્રમ ઝાકીરહુસૈન ઉમતા [માજી સરપંચ] તથા મુબારક ભાણિયાએ સ્પોન્સર કર્યો હતો.
આ કાર્યક્રમની સંકલ્પનાને સફળતાનું શ્રેય નાસીરહુસેન લોટીયા, મુસ્તાક દૌલા, ગુલામસાહેબ ઇપલી, મોહસીન મઠિયા, યુનુસ ગણપતિ, ઉસ્માન સુતરીયા, મુસ્તાક બાબરીયા, અમીન કડા, અઝીઝ ભા, સઈદસાહેબ બાપુજી, અબ્દુલ્લાહ કામઠી તથા નવયુવાનોને જાય છે. મહેમાનોની આગતાસ્વાગતા અને જમવાની વ્યવસ્થા તથા તેમની દેખરેખની સંપૂર્ણ જવાબદારી યુનુસ ઇસ્માઇલ ગજ્જરે લઇ કાર્યક્રમને શોભાવ્યો હતો.












