ટંકારીઆ માં રમઝાન ઈદ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આવતા ઈદ ના તહેવારની ઉજવણી ટંકારીઆ તથા પંથકમાં ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી. માંહે શવ્વાલનો ચાંદ દેખાતાજ સમગ્ર ટંકારીઆ તથા પંથકમાં ઈદ નો માહોલ છવાઈ ગયો હતો.
રમઝાન ના પવિત્ર મહિનામાં આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદ નો ચાંદ દેખાતા સવારે ઈદ મનાવાતી હોય છે. ઈદ એટલે ખુશી નો તહેવાર. શાંતિ અને ભાઈચારાનો સંદેશો લઈને આવતો ઈદ ના તહેવાર નિમિતે એકબીજાને ઉષ્માભર્યા ગળે લગાડી મુબારક્બાદીઓ પેશ કરાતી હોય છે. ઈદ ના દિવસે નાના બાળકોથી લઈને નવયુવાનો તથા વૃદ્ધો સવારે વહેલા ઉઠી નવા પોષાક ધારણ કરી ઈદગાહ તરફ ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવા જતા હોય છે.
મંગળવારે ટંકારીઆ કસ્બામાં વહેલી સવારે લોકો ઈદગાહમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરી હતી. નમાજ બાદ તમામ બિરાદરોએ એક બીજાને ઈદ ની શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કર્યું હતું. નમાજ દરમ્યાન ખતિબો ઇમામ મૌલાના અબ્દુલરઝાક સાહેબે સમગ્ર માનવજાત ની ભલાઈ માટે દુઆ ગુજરી હતી તથા તેમણે આપણા ભારત દેશની ઉન્નતિ માટે પણ દુઆ કરી હતી. દેશમાં શાંતિ, એમાં, ભાઈચારો રહે અને દેશ પ્રગતિના સોપાનો સર કરે એવી દુઆઓ સાથે ઈદની નમાજ પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વીતેલા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને લઈને તહેવારોની ઉજવણી શક્ય બની ના હતી. ત્યારે માહોલ પૂર્વવત બનતા લોકોના મુખ પર સ્વાભાવિકપણે તહેવારની ઉજવણીનો થનગનાટ દેખાયો હતો. આમ ટંકારીઆ તથા પંથકમાં રમઝાન ઈદ નું પર્વ પરંપરાગત, ઉત્સાહમય અને ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયુ હતું.