પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે હમણાં થોડા સમય પહેલા સસ્પેન્ડ થયેલ સરપંચ આરીફ પટેલ ને હાઇકોર્ટ દ્વારા ફરીથી સરપંચ પદે આરૂઢ કરવાનો હુકમ કરતા આજરોજ સરપંચ તરીકે આરીફ પટેલ ફરીથી આરૂઢ થતા તેમના સમર્થકોએ તેમને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

એસ.એસ.સી. અને એચ. એસ.સી. બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ આજથી થઇ ગયો છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે એસ.એસ.સી. બોર્ડ ના કેન્દ્ર પર આજથી પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલના માનદ ચેરમેન અબ્દુલ્લાહ ભૂતાવાળા તથા શાળાના આચાર્યશ્રી ગુલામભાઇ પટેલ સાહેબ અને શિક્ષક્ગણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ આપ્યો હતો અને સાથે સાથે સર્વે વિદ્યાર્થીઓને ચિંતા છોડી આત્મવિશ્વાસ ની સાથે પરીક્ષા આપવાનો અનુરોધ કર્યો હતો અને શ્રેષ્ઠ પરિણામ માટે શુભેચ્છા પાઠવી હતી. અને ત્યારબાદ પરીક્ષા એકદમ શાંત વાતાવરણમાં શરુ થઇ હતી. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તબક્કે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીઓની તબિયત સચવાઈ રહે તેની સતર્કતા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટંકારીઆ નો સ્ટાફ પણ ખડેપગે હાજર રહ્યો હતો.