ટંકારીઆ ગામ એટલે સમગ્ર ગુજરાત ના  ક્રિકેટ ખેલાડીઓ માટે રમવાની ઝંખના ખેવતું ગામ. આમાં વળી ખરી નું મેદાન એટલે બસ એની વાત જ ના પૂછો. આ મેદાન પર ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમો બનવા તરફ આગળ ધપી રહ્યું છે. જેનું કામ પુરજોર  માં ચાલી રહ્યું છે. બસ હવે થોડા દિવસોમાં આ રૂમો બની જશે. પુરજોર માં ચાલતા આ કામ ના ચિત્રો આપ નિહાળી શકો છો.

ભરૂચ જિલ્લા સહીત સમગ્ર ગુજરાતભર માં કાળઝાળ ગરમી નું મોજું ફળી વળ્યું છે. ગરમી ના તીવ્ર પ્રકોપ વચ્ચે જનજીવન સંપૂર્ણ પણે અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. જિલ્લામાં ગરમીનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ ને આંબી જવા પામ્યું હતું. હવામાન વિભાગ તરફથી હીટવેવ ની ચેતવણી આગામી પાંચ દિવસ માટે જાહેર કરતા લોકો ને કાળઝાળ ગરમીથી હાલમાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. ઉત્તર અને ઉત્તર-પૂર્વ ની દિશામાં વહેતા થયેલા ગરમ પવનોની અસર ને કારણે રાજ્યમાં ગરમી નો પારો ઊંચો જવા પામ્યો છે. સત્તાવાળાઓ તરફથી જનહિત માં જાહેર કરાયેલ સલાહ માં લોકો ને બપોરના સમયે કામ વગર બહાર ના નીકળવાની સલાહ કરવામાં આવે છે. તથા શરીર પર એવા વસ્ત્રો પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે કે જેનાથી ગરમ પવનો સાથે લૂ ની અસર ના થાય. તેમજ લોકો ને બને તેટલું પાણી, છાશ, લીંબુનું પાણી કે શરબત પીવાની સલાહ આપી છે.
ટંકારીઆ તથા પંથક માં ગરમી નો પારો સેન્સેક્સ ની માફક ઉપર ચઢવા માંડતા લોકો ની હાલત કફોડી થી જવા માંડી છે. બપોર ના સમયે લોકોની અવરજવર થંભી જતા સુનકાર બનેલા માર્ગો ની સાથે માનવી તો માનવી પણ પશુ ઓ પણ જ્યાં છાંયડો મળે તે જગ્યા શોધતા હોય છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા મજૂરવર્ગ પોતે તો ધોમધખતા તાપ માં મજૂરી કરતો હોય છે પણ તેમના નાના ભૂલકાઓ ને છાંયડો શોધી મીઠી નીંદણ માં સુવાડતાં આ ચિત્ર માં નજરે પડે છે.

ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ નજીક સોમવારના રોજ છોટા હાથી અને પિકઅપ વાન વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.  પ્રાપ્ત માહિતી  અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ નજીક  સોમવારના રોજ બપોરના 1.00 વાગ્યાની આસપાસ છોટા હાથી ટેમ્પો નંબર જી જે 16 z 1225 લઇ વસાવા સમાજના10 થી વધુ  લોકો કારેલાથી ભરથાના ગામ ખાતે  બેસણામાં જઈ રહ્યા હતા દરમ્યાન હિંગલ્લા ચોકડી ખાતે પીકઅપ ગાડી નંબર જી જે 1 ઈ ટી 0238 સાથે ધડાકા ભેર અકસ્માત સર્જાતા કમળા બેન વસાવા ઉ. વય આશરે 40 નું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે અન્ય 10 જેટલા લોકોને નાની મોટી ઇજા ઓ પહોંચી હતી.

જયારે અકસ્માતમાં છોટા હાથી વાહનના અાગળના ભાગનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માતના પગલે એક સમયે હિંગલ્લા ચોકડી નજીક અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા તાત્કાલિક બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં હતા જયાં તમામની સારવાર હાલ ચાલી રહી છે.  અત્રે નોંધનીય છે કે હિંગલ્લા થી ટંકારીઆ સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા ઓ પડી ગયા છે અને વાહન ચાલકો આવા ખાડા બચાવવાની કોશિશ માં આવા અકસ્માતો નો ભોગ લોકો બને છે. તો શું તંત્ર આ ખાડાઓ પૂરવાની કામગીરી તાકીદે હાથ ધરસે? એવું ચર્ચાઈ રહ્યું છે.