શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલો એન.આર.આઈ. ભાઈઓનો સ્નેહમિલન સમારંભ ભાવનાત્મક અને આત્મીય બન્યો.

સામાજિક ક્ષેત્રે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા  વિદેશથી માદરે વતન પધારેલા એન.આર.આઈ. ભાઈઓનો સ્નેહમિલન સમારંભ મદની શિફાખાનાના સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આપવાના હેતુથી સામાજિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ મહાનુભાવોના વિશિષ્ટ બહુમાનને કારણે સમગ્ર સમારોહ ભાવનાત્મક વાતાવરણમાં ફેરવાયો હતો. જાહેરજીવનમાં પડેલા લોકો અને મહાનુભાવો માટે આ સમારંભ દિશાસુચક બન્યો હતો. તદુપરાંત ચીલાચાલુ સ્નેહમિલનને બદલે આ સમારોહ સમાજને કંઈક નવિન સંદેશો આપનાર પણ બન્યો હતો.

કાર્યક્રમનો આરંભ તિલાવતે કુરઆને પાકથી કારી સિરાજ બંગલી સા. દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલામસાહેબ ઇપલીએ દ્વારા જનાબ અદમ ટંકારવી સાહેબનું તથા નાસીરહુસેન લોટીયા દ્વારા જનાબ ઈમ્તિયાઝ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં  હાલમાં ટંકારીઆની દિકરી ફાતિમાએ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં MSc માં ગોલ્ડ મેડલ મેળવ્યો એમના પિતા ઇશાકભાઇનું પણ ખાસ આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ  ટ્રસ્ટના સેક્રેટરી અઝીઝ ભા એ સંસ્થાની પ્રવૃત્તિઓનો સવિસ્તાર ચિતાર રજૂ  કર્યો હતો. તેમણે મદની શિફાખાના દ્વારા એકદમ રાહત દરે ચલાવવામાં આવતા દવાખાના, એમ્બ્યુલન્સ સેવા, એક્ષ-રે, ઈ.સી.જી., લેબોરેટરી ટેસ્ટ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિઓમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઠંડા પાણીના કુલરો, શિયાળામાં જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ, વૃક્ષારોપણ, પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા, કુદરતી આફતો વખતે જરૂરી મદદ, રમઝાન માસ દરમિયાન અનાજની કીટોનું વિતરણ, હાજીઓ માટે દવાની કીટ્સ, નામાંકિત સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોના સહયોગથી મફત નિદાન અને દવા કેમ્પ, જરૂરત હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા બાળકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા, જર્જરિત હાલતમાં હોય એવા કુરઆન શરીફ અને અન્ય દિની કિતાબો ગામમાં ઘરે ઘરે જઈ ઉઘરાવી ખૂબ સારી રીતે દફન કરવા જેવી બીજી અનેક નવીન અને લોકોપયોગી પ્રવૃત્તિઓ અંગે સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી જેને હાજરજનોએ તાળીઓથી વધાવી લીધી હતી .

ઉપસ્થિત મહેમાનો પૈકી યુ. કે. થી પધારેલા ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફ ટંકારવીએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ જોશીલા અને સુંદર પ્રવચનમાં જનાબ મુનવ્વર રાણા, તથા ‘અદમ’ ટંકારવી સાહેબના શેર ટાંકી સંસ્થાની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે મેં જોયું કે આ કાર્યક્રમ ટંકારીઆની એક નાની ગલીમાં થઈ રહ્યો છે એવી જ કોઈ નાની કોઈ ગલીમાં આપણે જોયેલા સપના સાકાર થતા જોઈ આજે આનંદની લાગણી થાય છે. આજના નવયુવાનો દ્વારા ચાર પેઢીઓનો સમન્વય કરી જે કામો કરવામાં આવી રહ્યા છે તેના સારા પરિણામ મળવાની શક્યતા વધુ દેખાય છે. તેમણે ભાવવિભોર થઇ ‘ટંકારવી’ તરીકેની તેમની ઓળખ હોવાનું ગર્વ છે એમ જણાવી ટ્રસ્ટના કાર્યકરો, સહાયકો, શુભેચ્છકોને દિલી દુઆઓથી નવાજ્યા હતા. ત્યારબાદ યુ.કે.થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી એવી ખબર હતી કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા દવાખાનું ચલાવવામાં આવે છે જેમાં એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ જ્યારે ભાઈ અઝીઝે આખો અહેવાલ આપ્યો ત્યારે દિલને ઘણી ખુશી થઈ અને એવું લાગ્યું કે ઘણી બધી વાતોની અમને ખબર ન હતી. વધુમાં ઇકબાલભાઇ ધોરીવાલાએ ગ્રાઉન્ડ લેવલે કામ કરવા માટે સંસ્થાને મુબારકબાદી આપી બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જયારે પણ ‘આધુનિક મેટરનિટીહોમ’ના બાંધકામ માટે ફંડ એકત્રિત કરવાની જરૂર પડશે ત્યારે યુ.કે., ઝામ્બિયા, અથવા બીજા કોઈ  દેશમાં ટ્રસ્ટીઓ સાથે રહી અમે પૂરો સપોર્ટ આપીશું.

અંતમાં યુ.કે.થી પધારેલા મુખ્ય મહેમાન ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબે ‘મરીઝ’નો સુંદર શેર ટાંકી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગુલાબ આપી અમારું સન્માન કર્યું એટલે ગુલાબ તો અમારા હાથમાં છે પરંતુ  શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના જે કાર્યકરો છે એના જે ફાઉન્ડર છે એની સાથે જે સંકળાયેલા છે એના માટે જે ભોગ આપે છે સેવા કરે છે એમના તો દિલોમાં ગુલાબ છે. ઇમામ ગઝાલીએ ઈલ્મની જે વ્યાખ્યા આપી છે એનો ભાવાર્થ એ છે  કે દિનનો અમલ કરવા માટે જે જરૂરી ઇલ્મ છે એ દરેક મુસ્લિમ સ્ત્રી પુરુષ માટે ફર્જ છે. સમાજને ટકાવી રાખવા માટે, તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, એની સુખાકારી માટે, એના વિકાસ માટે, એની પ્રગતિ માટે જે જે જરૂરિયાત છે એવી સેવાઓ ઉભી કરવી એ ફરજે કિફાયા છે એટલે એ આખા સમાજની ફરજ છે અને જો એ ન થાય તો આખો સમાજ ગુનેગાર બને છે. આમ તેમણે ખિદમતે ખલ્કની જરૂરિયાત અને મહત્તા પોતાના આગવા અંદાજમાં સમજાવી સંસ્થાને શુભેચ્છા પાઠવી ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ચાલુ રહે અને એમાં ઉત્તરોત્તર પ્રગતિ  થતી રહે એવી દુઆ કરી હતી.

આમંત્રિત મહેમાનોમાં અદમ ટંકારવી, ઈમ્તિયાઝ વરેડિયાવાલા, ઇકબાલ ધોરીવાલા, અય્યુબ મીયાંજી, હબીબ ભુતા, અલ્તાફ કડુજી, ઇરફાન ટેલર, આસીફ કાપડિયા, ઇકબાલ માલતાગાર, મુનાફ ઘોડીવાલા, ફરીદ નગિયા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, મજીદ જંગારિયા, ઇમરાનભાઈ, શેરપુરાવાળા હસનભાઈ, ટંકારીઆ ગામના માજી સરપંચ ઝાકીર ઉમતા, યુસુફ બાપા, મુબારક ભાણીયા, ગુલામ માસ્ટર ઇપલી, રફીક ગોરધન, આસીફ બેંકવાલા, ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા તમામ ટ્રસ્ટીઓ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ પોતાના આગવા અંદાજમાં કર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં ફક્ત જેની ખાસ જરૂરિયાત છે એટલા પૂરતું જ ઓ.પી.ડી. સાથેનું એક અત્યાધુનિક ‘મેટરનીટી હોમ’ (પ્રસુતિ ગૃહ) જેમાં ફક્ત સ્ત્રી ડોકટરોની જ સેવા લેવામાં આવે તો સમાજસેવાનું એક બહુ મોટું કામ થઈ શકે એમ હોય એ માટે ચક્રો ગતિમાન કરવા ખાસ વિચારણા થઈ હતી.   

 

Madani Shifakhana (Madani Hospital) આ લિંક પર Click કરો

2 Comments on “શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલો એન.આર.આઈ. ભાઈઓનો સ્નેહમિલન સમારંભ ભાવનાત્મક અને આત્મીય બન્યો.

    • અલ્લાહની મદદથી આવી સેવાઓ આ સંસ્થા થકી થાય છે. આવી સેવાઓ આપણા ગામ માટે ગર્વની વાત છે. સંસ્થાની આવી સેવાઓમાં વધારો થાય એવી દિલી દુઆ છે.સંસ્થાના કાર્યકરો જે દરીયાદિલીથી કામ કરે છે તેમને સલામ છે. અલ્લાહ ખૂબ કામયાબી આપે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*