જનાબ “કદમ ટંકારવી: અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા

મૂળ ટંકારીઆ ગામના વતની અને વર્ષોથી પ્રેસ્ટન [યુ.કે.] ખાતે સ્થાયી થયેલા હાજી અબ્દુલ્લાહ કમાલ  માસ્તર કે જેમનું તખલ્લુસ“કદમ ટંકારવી” હતું, તેઓ ગતરોજ રાત્રે પ્રેસ્ટન [યુ.કે.] મુકામે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલાય્હે રાજેઉન. મર્હુમ ઘણા જ સૌમ્ય સ્વભાવના હતા. ૧૯૭૩માં જાણીતા ગઝલકાર ‘શેખાદમ’ આબુવાલાની પ્રેરણાથી ‘ગુજરાતી સાહિત્યકાર મંડળ’ નું ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ નામકરણ થયું અને તેઓ ગિલ્ડના માનદ્દ મહામંત્રી બન્યા ત્યારથી આજ સુધી તેમણે એકધારી નિસ્વાર્થ સેવા બજાવી છે. બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના જતન અને વિકાસમાં ‘ગિલ્ડ’નું પ્રદાન નોંધપાત્ર છે અને તેમાં પ્રેરક બળ છે કદમની ભાષા પ્રીતિ અને સર્જક પ્રતિભા. યુ.કે. ખાતે શરૂઆતના મુશાયરાઓ યોજવાનું અને પ્રથમ ‘આવાઝ’ પખવાડિક અને છેલ્લે ‘નવયુગ’ માસિકનું સુરેખ સંપાદન કરવાનું માન એમને ફાળે જાય છે. સાહિત્યકાર, પત્રકાર અને એક સારા ગઝલકાર એવા ‘કદમ’ ટંકારવીની નોંધપાત્ર સેવાઓની કદરરૂપે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ દ્વારા તેમનું બહુમાન કરી તેમને તકતી પણ અર્પણ કરવામાં આવી હતી.

“કદમ ટંકારવી” ના નામોલ્લેખ વિના બ્રિટનના ગુજરાતી ભાષા-સાહિત્યનો ઇતિહાસ આલેખાય એ શક્ય નથી. કાવ્ય સર્જન, નવલિકા, કટાક્ષલેખો, પત્રકારત્વ, કાવ્યગોષ્ઠી, મુશાયરા – આ પ્રત્યેક ક્ષેત્રે કદમ સાહેબનું પ્રદાન નોંધપાત્ર અને મૂળગામી હતું.  બ્રિટનના ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળથી કદમ સાહેબ એની સાથે જોડાયેલા હતા. કદમની સાહિત્યિક પ્રવૃત્તિનો અહેવાલ લખીએ તો એમાં બ્રિટનના ગુજરાતી સાહિત્યના વિકાસનો આલેખ પણ મળી રહે.

કદમ સાહેબનો શબ્દ સાથેનો સાક્ષાત્કાર તો છેક શૈશવકાળથી થયો. ટંકારીઆ હાઈસ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે ‘પ્રકાશ’ હસ્તલિખિત સામાયિક શરુ કરેલું. એમની પ્રારંભિક રચનાઓ ‘બેકાર’ ના ‘ઇન્સાન’ માં પ્રગટ થયેલી. એ પછી આજપર્યંત એમની ભાષાપ્રીતિ અને શબ્દ સાથેની નિસ્બતને કારણે કદમ સાહેબ સર્જનશીલ રહી શક્યા. આનાથી ‘અદીબ’ કુરેશી કહેતા હતા કે કદમ પ્રકૃતિજન્ય શબ્દ શિલ્પી છે એવી પ્રતીતિ થાય છે. બ્રિટનમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં કદમના ઉત્સાહ, પહેલ, કાર્યશીલતા પ્રેરક બળ ગણાતું હતું. કદમ સાહેબના કાવ્યોમાં માનવ સંહારનો ભોગ બનેલા નિર્દોષ સમાજોની વિવશતા અને વેદના તીવ્રપણે વ્યક્ત થતી હતી. અલ્લાહ એમને જન્નત માં આલા મુકામ અતા કરે અને એમની મગફિરત ફરમાવે. 

કદમ સાહેબની કાવ્ય કંડિકાઓ

આપે ન જિંદગીમાં દીલાસો ય  જે કદી

આવી કબર પર ફૂલ ધારે, એમ પણ બને

વારુ તમે ‘કદમ’ છો મળીને ખુશી થઇ

ઉત્સુક અમે પણ આપને મળવા હતા હમણાં

સિતાર તો તૂટી ગઇ, કલરવ એનો રહી ગયો,
મોરલો તો ઊડી ગયો, ટહૂકો એનો મૂકી ગયો.

Janab “Kadam Tankarvi: Reached the mercy of Allah

Haji Abdullah Kamal Master whose takhallus was “Kamal Tankarvi” originally from Tankaria village and settled in Preston [UK] for years passed away last night at Preston [UK]. Inna Lillah Wainna Ilayhe Rajeun. Deceased was very gentle natured. In 1973, with the inspiration of famous ghazal writer ‘Shekhadam’ Abuwala, the ‘Gujarati Sahityakar Mandal’ was renamed as ‘Gujarati Writers Guild, UK’ and since he became the Honorary General Secretary of the Guild till date, he has rendered unwavering selfless service. The ‘Guild’s contribution to the preservation and development of Gujarati language and literature in Britain is significant and Kadam’s love of language and creative genius is the driving force behind it. In UK He was credited with holding the inaugural Mushayras and editing the first ‘Avaaz’ fortnightly and lastly ‘Navayug’ monthly. ‘Kadam’ Tankarvi, a writer, journalist and a fine ghazal writer, was also honored with a plaque by the ‘Gujarati Writers Guild, UK’ in recognition of his remarkable services.

It is not possible to sketch the history of British Gujarati language-literature without the mention of “Kadam Tankarvi”. Kadam Saheb’s contribution in each of these fields was significant and original – poetic creation,  journalism, anthology, Mushayra. Kadam Saheb was associated with British Gujarati literature from its early days. If we write a report of Kadam’s literary activity, we will also get a chart of the development of Gujarati literature in Britain.

Kadam Sahib’s revelation with the word happened right from his childhood.  He started the handwritten magazine ‘Prakash’ when he was studying in the eighth standard in high school Tankaria. His early compositions appeared in ‘Insaan’ from ‘Bekar’. After that Kadam Sahib could remain creative till date due to his love of language and relationship with words. This leads to the conviction that ‘Adeeb’ Qureshi used to say that Kadam is a natural word sculpture. Kadam’s enthusiasm, initiative and work were considered as the driving force in keeping the Gujarati language alive in Britain.

Kadam Saheb’s poems vividly expressed the distress and suffering of the innocent communities who were victims of human extermination. May Allah grant him a place in Jannah and forgive him.

………………………………………………….

‘સંભારણા સૌના દિલમાં રાખી ગયા’
 ‘અલવિદા કમાલ સાહેબ’ – નાસીરહુસેન લોટીયા દ્વારા દિલસોજી.

કેવા કેવા, સારા સારા, માણસો આવી ગયા
માણસાઈનું   જગતમાં  નામ ચમકાવી ગયા
ભેદ  સત્ય   ને  અસત્યનોય    સમજાવી ગયા
મોક્ષનો, મુક્તિનો, સીધો માર્ગ બતલાવી ગયા

અંમ્બિયા,  અલ્લાહનો સંદેશ સંભળાવી ગયા
છે  ઘણા એવા  કે  જેઓ યુગને પલટાવી ગયા

પૂર્વજોને પગલે ચાલીને   ‘કદમ’   ફાવી ગયા
છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા  – કદમ ટંકારવી

સૂફી-સંતોની સંગતમાં બેસનારા, સૂફી મિજાજ ધરાવતા, નેકદિલ, સરળ સ્વભાવના સીધા સાદા  ઇન્સાન, ‘કમાલ’ મુસ્તફાબાદી અને ‘કદમ’ ટંકારવી તરીકે ઓળખાતા હાજી અબ્દુલ્લાહ કમાલ માસ્તર (બાદશાહ) આ ફાની દુનિયાને અલવિદા કહીને આખિરતની દુનિયા તરફ હંમેશા માટે કૂચ કરી ગયા છે એ સમાચાર જાણી અત્યંત  દુઃખની લાગણી થઈ. અલ્લાહ તઆલા તેમની  મગફેરત ફરમાવી તેમના દરજાતને બુલંદ ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ મુકામ અતા કરે.

મરહૂમના બે કાવ્યસંગ્રહો ‘આવરણ’ તથા ‘વેદના સંવેદના’  ૨૦૦૩ માં પ્રકાશિત થયા હતા.  તેમની હઝલો અને મુક્તકો ‘સબરસ’ માં  સચવાયેલાં છે.  આ ઉપરાંત  ‘ઈસ્લામ: ગુજરાત અને સુન્ની પટેલ પરંપરા’ પુસ્તક ગુજરાતીમાં ૨૦૧૫માં અને અંગ્રેજી ભાષામાં ૨૦૧૮માં પ્રકાશિત થયા છે. ગદ્ય અને પદ્યમાં તેમણે કરેલા અનોખા વિષયોની પસંદગી અને તેમની લખાણની અનોખી શૈલી પણ હંમેશા યાદ રહેશે. તેઓ ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુ.કે. ના માનદ મહામંત્રી તરીકે ઘણા વર્ષો સુધી સેવાઓ આપતા રહ્યા હતા. મરહૂમ ખૂબ જ અભ્યાસુ હતા; એમનો એ ગહન અભ્યાસ એમની કૃતિઓમાં દેખાય છે.

“ચાલ્યું ગયું એ કોણ અહીં શબ્દ વેરતું ?” કદમ ટંકારવી સાહેબના જવાથી એક અસાધારણ છબી ધરાવતા સાહિત્યકારની ખોટ અવશ્ય સાલશે.

‘ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં’ પુસ્તકમાં એમની બે-ત્રણ યાદો સાચવવાનું અહોભાગ્ય મને સાંપડ્યું છે એ અલ્લાહનું મોટું એહસાન છે.

કોઈ ‘કદમ’ કહે કે, કોઈ કહે ‘કમાલ’ !
ઉપનામથી પંકાય, એ સુન્ની પટેલ છે    – કદમ ટંકારવી

…………………………………………………………………………………………………………………………………….

1 Comment on “જનાબ “કદમ ટંકારવી: અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા

  1. ખિરાજે અકીદત
    http://www.mytankaria.com ઉપર ‘કમાલ ટંકારવી” સાહેબના દુઃખદ સમાચાર વાંચતા હૃદય દુઃખી અને વ્યથિત થયું. એ સાથે જ તેઓશ્રી સાથે પસાર કરેલ જીવનયાત્રાના સંસ્મરણોની યાદ તાજી થઇ ગઈ. તેઓશ્રી એક સારા ગઝલકાર, કવિ અને સાહિત્ય સર્જક હતા. તેઓ શાંત, ચિંતનશીલ અને સાહિત્યપ્રેમી હતા. દેશ-વિદેશની ધરતી ઉપર ગુજરાતી મુશાયરાઓનું આયોજન કરતા અને સ્વયં ભાગ લઇ મુશાયરાઓમાં પોતાની કૃતિઓનું આગવી શૈલીમાં પઠન કરતા. શ્રોતાજનોની દાદ લઇ મુશાયરાઓ લૂંટી લેતા. આવી વ્યક્તિના જવાથી યુ.કે. ના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય જગતમાં ન પૂરી શકાય એવો ખાલીપો પડી ગયો છે. ગુજરાતી રાઈટર્સ ગીલ્ડ, યુ.કે.ના તેઓ જનેતા અને પ્રણેતા હતા. આજે રાઈટર્સ ગીલ્ડ, યુ.કે. જાણે અનાથ થઇ ગયું!!!
    યાદ રાખો, આપણે સૌને જવાનું છે ‘કદમ’
    અંત નથી જ્યાં જિંદગીનો, ત્યાં જવાનું છે ‘કદમ’
    ટંકારીઆના ઉપવનનું આ સુવાસિત પુષ્પ એના અંતિમ શ્વાસો લઇ આ જગમહીંથી વિદાઈ લઇ આખેરતના પંથ પ્રતિ પ્રયાણ કરી ગયું!!! અલ્લાહપાક કદમ સાહેબ જેવા નેકદિલ ઇન્સાનની બાલ બાલ મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌશમાં આલા તરીન મુકામ અતા કરે એવી હૃદયપૂર્વક દુઆ સાથે મારી શબ્દાંજલિ પૂરી કરું છું.
    ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળા – લંડન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*