ટંકારીઆની ભવ્ય વિરાસતના સોનેરી પાના (સત્ય હકીકતોના આધારે)

(To translate it into English, please use Google Translate.)

શિક્ષણ, આરોગ્ય, સાહિત્ય, સમાજ સેવા, વ્યક્તિગત સિદ્ધિ કે ગામના વિકાસના કામો હોય ટંકારીઆ ગામનું નામ દરેક ક્ષેત્રે દેશ-વિદેશમાં સતત ચમકતું રહે છે ત્યારે ટંકારીઆ ગામની ફળદ્રુપ માટી, પાણી અને વિશેષ લાક્ષણિકતાઓ ધરાવતી આબોહવામાં કુદરતે અનોખી તાસીર બક્ષી છે એવું માનવાને પૂરતાં કારણો છે. ટંકારીઆના લોકો અવિરત પરિશ્રમ, હિંમત હાર્યા વિના સતત મથામણ અને નીતનવા ક્ષેત્રોમાં સાહસ કરતા રહી, હંમેશા અગ્રેસર રહી ટંકારીઆ ગામની સાથે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ગૌરાન્વિત કરતા રહ્યા છે. સમાજના લોકો માટે પણ ટંકારીઆના લોકોની નીતિ હંમેશા ઉદારવાદી રહી છે તે નિર્વિવાદ છે. ટંકારીઆના લોકો અને તેની સંસ્થાઓની સેવાઓ ટંકારીઆ પૂરતી મર્યાદિત ન રહેતાં ટંકારીઆની ચોતરફ આવેલા અનેક ગામો અને શહેરના લોકો અને એથી પણ દુર દુર સુધીના વિસ્તારના લોકોને મળતી રહી છે એ નકારી ન શકાય એવી હકીકત છે.

આ શ્રેણીમાં આપણે અનેક ખૂબીઓ ધરાવતા ટંકારીઆ ગામના કેટલાક સફળ અને કાબેલ લોકોની અનોખી વાતો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવીશું. શરૂઆત ગામના એક સફળ ઈજનેરની રસપ્રદ વાતથી કરીશું . ટંકારીઆ ગામનો ઈજનેર જીદ્દાહના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મેઈન સ્ટ્રકચરનું કામ કરતી કંપની (બિનલાદેન ગ્રુપ) માટે અનેરા ઉત્સાહ અને મહેનતથી કામ કરવાનું શરૂ કરે છે. વજનદાર સેફ્ટી બેલ્ટ અને ઇન્સ્પેકશનના સાધનો સાથે તે પોતે જાતે મેનલીફ્ટ ઓપરેટ કરીને એરપોર્ટના દરેક ખૂણામાં દરેક ઊંચાઈ સુધી પહોંચે છે. થયેલા બાંધકામને સ્વીકારવા કે રદ કરવાની અત્યંત મહત્વની સત્તા જેની પાસે છે એ ઈજનેર જ્યારે ઇન્સ્પેકશન કર્યા પછી જમીન પર નીચે આવે છે ત્યારે અસહ્ય ગરમીના લીધે પરસેવે રેબઝેબ હોય છે. જીદ્દાહના વિશાળ અને અત્યંત આધુનિક સુવિધા ધરાવતા એ ભવ્ય એરપોર્ટના દરેક ખૂણામાં ઊભા થયેલા સ્ટ્રક્ચરમાં ટંકારીયાના આ ઈજનેરનો કોઈ ને કોઈ હિસ્સો જરૂર છે. પેસેન્જર ટર્મિનલનો કોઈ એવો ભાગ નથી કે એવો કોઈ બોર્ડિંગ બ્રિજ નથી કે જેમાં આ ઈજનેરે કામ કર્યું ના હોય. (જે બાબતનો હું સાક્ષી છું.) અમેરિકા, યુરોપ, ચીન, ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, જર્મની, ટર્કી, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા ખંડના દેશો, અને ગલ્ફના દેશો જેવા અનેક દેશોના કર્મચારીઓ પોતાની જવાબદારીના કામો પૂરા થતાં એરપોર્ટ પ્રોજેક્ટમાંથી બધા જ એક પછી એક વિદાય લે છે. એરપોર્ટના બાંધકામનું કામ પૂર્ણ થતાં હવે કંપનીએ એક એવા કાબેલ અને વિશ્વાસુ ઈજનેરની નિમણુંક કરવાની છે જે ઈજનેરનું છેલ્લું કામ એરપોર્ટ પ્રોજેક્ટના રીટેન્શન મની (કોન્ટ્રાકટ મુજબ પ્રોજેક્ટ ઓથોરીટી કેટલીક રકમ કેટલાક સમય સુધી કંપનીને ચૂકવવાની બાકી રાખે છે તે રકમ) પ્રોજેક્ટ ઓથોરીટી પાસેથી મેળવવાનું છે અને એ માટે એ ઈજનેરે પુરવાર કરવાનું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટમાં લખેલા તમામ ધારા-ધોરણ મુજબ કામ પૂર્ણ કરેલ છે. આ એટલો મોટો પ્રોજેક્ટ હતો કે જેના બજેટના આંકડાઓ ગણવા હોય તો બે ત્રણ પ્રયાસો જરૂર કરવા પડે. કંપનીએ આ ખૂબ મહત્વના પ્રોજેક્ટના અત્યંત કઠિન કામ માટે કંપનીના જે એકમાત્ર (છેલ્લા) કર્મચારીની પસંદગી કરી, એ ટંકારીઆ ગામનો ઈજનેર મુહંમદમતીન ડૉ. બશીર મનમન હતો એવું જ્યારે આપણે કોઈને પણ જણાવીશું ત્યારે આપણને ટંકારીઆ ગામ અને ગામના લોકો માટે એક અદ્ભુત માનની લાગણી જરૂર થશે. એરપોર્ટ ઓથોરિટી સાથે કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નો અને ત્યાર પછી કોરોના મહામારી જેવા કારણોસર કંપનીએ આ ઇજનેરને આ ખુબ મોટી જવાબદારીના કામ માટે રોકી રાખવા સતત ત્રણ વર્ષ સુધી કોઈ પણ જાતના કામ કર્યા વગર પુરેપુરો પગાર ચૂકવ્યો છે, જે આ ઈજનેરની કાબેલિયત, ઉપયોગીતા અને તેની પ્રમાણિકતા માટે કંપનીનો એના ઉપરનો અતૂટ વિશ્વાસ બતાવે છે. ધગશ, મહેનત, પ્રમાણિકતા, કંઈ કરી છૂટવાની ઈચ્છા શક્તિ હોય તો તમે કયા ખંડ, ક્યા દેશ, ક્યા શહેર કે ગામના વતની છો, તમારો પહેરવેશ કે તમારી માતૃભાષા કઈ છે એ બધું જ ગૌણ બની જાય છે એવું આ ઇજનેરે પુરવાર કર્યું છે.

દુનિયાના અગત્યના પ્રોજેક્ટ્સમાં (એની કક્ષાના) ચોક્કસ જેની ગણના થાય એવા ગલ્ફના ખૂબ મોટા અને ખૂબ અગત્યના ચાર પ્રોજેક્ટમાં મતીન મનમને કામ કર્યું છે જે ખરેખર એક ધ્યાન ખેંચે એવી બાબત છે. (૧) દુનિયાના અત્યાધુનિક એરપોર્ટમાંનું એક એવું દોહા કતાર એરપોર્ટનું ઓટોમેટિક કાર્ગો ટર્મિનલ અને એરક્રાફટ મેન્ટેનન્સ હેન્ગર્સ જેવા કેટલાક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરવામાં મતીને ખાસ યોગદાન આપ્યું હતું. (૨) દોહા કતાર એરપોર્ટના અનુભવના આધારે જીદ્દાહના એરપોર્ટ પ્રોજેક્ટમાં કંપનીનો ખાસ વિશ્વાસ જીતવા શરૂઆતથી જ મતીને ખૂબ મહેનત કરી હતી. આ પ્રોજેક્ટમાં મતીને ખૂબ જ અગત્યની જવાબદારી નિભાવી હતી. (3) જીદ્દાહના એરપોર્ટ પ્રોજેક્ટના કામના સમયગાળા દરમિયાન દુનિયાના સૌથી ઊંચા એવા “જીદ્દાહ ટાવરના” ફાઉન્ડેશન બીમના મોડીફીકેશન/ઇન્સ્પેક્શન નું કામ કરવાનો મોકો પણ બીજા ઈજનેરોની સાથે ટંકારીઆ ગામના આ ઇજનેરને મળ્યો હતો. (૪) હાલમાં મતીન મનમન મક્કા શરીફમાં ચાલી રહેલા હરમ એક્સ્ટેન્શન અને હરમ શરીફના એક ભાગમાં બની રહેલા બે હેલીપેડના બાંધકામમાં અત્યંત મહત્વની જવાબદારી નિભાવી રહ્યો છે. આ ચાર ખૂબ અગત્યના પ્રોજેક્ટમાં કામ કરી મતીન મનમને “મન હોય તો માળવે જવાય” અને “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” જેવી કહેવતો સાર્થક કરી બતાવી છે. ટંકારીઆ ગામના ઈજનેરની આ ખરેખર ધ્યાન ખેંચે એવી ચાર સિદ્ધિ છે.

છેલ્લા અઠવાડિયાના ફક્ત શિક્ષણ અને માનવસેવાના બનાવો પર જો નજર કરવામાં આવે તો (૧) ટંકારીઆની સુપુત્રી ફરહીન સલીમ ગુજીયાને વલ્લભ વિદ્યાનગરની V.P. & R.P.T.P કોલેજમાં BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં બે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. (૨) આફ્રિકામાં રહેતા મૂળ ટંકારીઆના હાજી આદમભાઈ લાલી સાહેબની પૌત્રીએ શિક્ષણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર આફ્રિકામાં ત્રીજો ક્રમ મેળવી ટંકારીઆનું નામ રોશન કર્યું છે. (3) કાતિલ ઠંડીની રાત્રે ટંકારીયા, પાલેજ કે ભરૂચ જેવા સ્થળોએ કોઈ ને કોઈ મજબૂરીને કારણે નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જમીન, ફૂટપાથ કે સડકની બાજુમાં બિન સલામત કહી શકાય એવી જગ્યાએ ટુટિયું વાળીને સુતેલા વૃદ્ધો, કે અડધી રાત્રે ક્યાં અને કઈ રીતે સૂઈ જવું એ દ્વિધામાં બગલમાં ઘોડી રાખી ઉભેલા ઠંડીમાં ઠઠડતા અપંગ વૃદ્ધ, નાના બાળકો, બહેનો અને ભાઈઓની પાસે જ્યારે ટંકારીઆ ગામના યુવાનો પહોંચે છે ત્યારે આ ગામના લોકોની દીર્ઘદ્રષ્ટિ, દયાળુ સ્વભાવ અને માનવતાવાદી વિચારધારાની નોંધ લેવી પડે. ધર્મ, જાતિ, રાજકીય વિચારધારા, ગામ-પરગામ કે રાજ્યનો વિચાર કર્યા વિના ટંકારીઆના નવયુવાનો તદ્દન અજાણ એવા મજબૂર, બેબસ લોકોની ઊંઘમાં પણ ખલેલ ન પહોંચે એનો પણ ખ્યાલ કરી એમને ધાબળા ઓઢાડવાનું પુણ્યનું કામ ફક્ત માનવતાના ધોરણે કરવા રાત્રીના સમયે પહોંચે છે ત્યારે માનવતા મરી પરવારી નથી એવું ચોક્કસ પ્રતીત થાય છે.

1 Comment on “ટંકારીઆની ભવ્ય વિરાસતના સોનેરી પાના (સત્ય હકીકતોના આધારે)

  1. જનાબ ઈસ્માઈલ સાહેબ ખુણાવાલા;
    માય ટંકારીઆ વેબસાઇટ અને વ્યક્તિગત WhatsApp સંદેશાઓના માધ્યમથી આપના હ્રદયસ્પર્શી અભિવાદન બદલ ખુબ ખુબ આભાર. આપ જેવા મોભાદાર સાહિત્યપ્રેમી વડીલના આવા મહત્વના પ્રતિસાદથી અમારા અને ટંકારીઆના એ અમૂલ્ય રત્નો જેમની સિદ્ધિઓ ઉજાગર કરવામાં આવે છે એમના ઉત્સાહમાં ચોક્કસ વધારો થાય છે.

    ટંકારીઆના વિશેષ પ્રતિભા ધરાવતા અમૂલ્ય રત્નોનો વાચકોને પરિચય કરાવી આજની અને આવનારી નવી પેઢીને પ્રેરણાત્મક સંદેશ પહોંચાડવાના અમારા પ્રયાસોની સરાહનાથી અમને કામ કરવાનું પ્રેરણાત્મક બળ મળી રહે છે તે બદલ અમો તમામ વાચકગણનો દીલની ગહેરાઈથી આભાર વ્યક્ત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*