1 2 3 15

 ગુસલ વાન સંબંધિત વિડીયો જોવા નીચે આપેલ links પર ક્લિક કરો
(1) ગુસલ વાનમાં મય્યતને ગુસલ આપવાની સરળ રીત
(
2) મય્યતને કફન પહેરાવવાની સરળ રીત: ભાગ ૦૧ 
(3) મય્યતને કફન પહેરાવવાની સરળ રીત: ભાગ ૦૨
(4) મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવા માટેની મય્યત વાન. ટંકારીઆ, તાલુકા જિલ્લા- ભરૂચ. 

ટંકારીઆ ઇદગાહ ટ્રસ્ટ સંચાલિત આધુનિક અને સંપૂર્ણ સુવિધાસભર મય્યત વાનનું લોકાર્પણ તા. ૦૮ મે ૨૦૨૬, શુક્રવારના રોજ ગામની મસ્જિદોમાં જાહેરાત અને મોટા પાદરમાં દુઆ સાથે કરવામાં આવ્યું હતું. મોટા પાદરમાં યોજાયેલા ખાસ દુઆના કાર્યક્રમની શરૂઆત હાફેઝ સલીમ સાહેબે તીલાવતે કુરઆનથી કરી હતી. સૈયદ પાટણવાલા બાવા સાહેબે વાનનો દરવાજો ખોલી વાનનું લોકાર્પણ કર્યું હતું. હઝરત મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફી સાહેબે ખાસ દુઆઓ કરી હતી.

મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી સન્માનપૂર્વક લઈ જવાની બન્ને સુવિધાઓ ધરાવતી આ પહેલી વાન છે. બધી સુવિધાઓ સાથેની આ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ વાન ટંકારીઆ ગામ અને સમાજ માટે એક અનમોલ સેવા સાબિત થશે, ઇન્શાઅલ્લાહ.

આ આધુનિક વાનમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે:

  • હાયડ્રોલિક સિસ્ટમવાળું ઉપર-નીચે કરી શકાય એવું પ્લેટફોર્મ
  • સ્વચ્છ પાણીની ટાંકી તથા વેસ્ટ પાણી માટે અલગ ટાંકી
  • ગેસ ગીઝર અને ઠંડા-ગરમ પાણીની સુવિધા
  • હેન્ડ શાવર અને વોશ બેસિન
  • બેટરી સંચાલિત પંખા અને લાઈટ
  • સ્લાયડિંગ વિન્ડો તથા પરદાની સુવિધા
  • જનાજો મૂકવાની સંપૂર્ણ વ્યવસ્થા
  • વાનમાં ફોલ્ડ કરી શકાય એવી બેઠક વ્યવસ્થા
  • વાનની અંદરની બાજુએ કાટ પ્રતિરોધક એસ.એસ. બોડી

આ ઉપરાંત, વાનમાં ભાઈઓ અને બહેનો માટે કફનના તૈયાર સેટ, ખુશ્બૂ, અત્તર, સાબુ સહિતની કિટ, કબરમાં ઉપયોગમાં લેવાતી સાદડી વગેરે જરૂરી સામગ્રી ખૂબ જ કિફાયતી ભાવે વાનમાં ઉપલબ્ધ રહેશે. ભોજા સ્વીટ વોટરના માલિક સલીમભાઈ ઈસ્માઈલ ભોજા તરફથી દરેક મય્યતના ગુસલ માટે ફિલ્ટર પાણી (RO Water) નિઃશુલ્ક આપવામાં આવશે.

મય્યત વાન માટે સંપર્ક કરવાના જિમ્મેદારોના ફોન નંબરો:

મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવાની જરૂરિયાત માટે નીચે આપેલા જિમ્મેદારોમાંથી ક્રમ મુજબ કોઈપણ એક જ જિમ્મેદારનો સંપર્ક કરવો.

  1. બિલાલભાઈ મેલા – ૯૮૨૪૭૯૦૧૬૪
  2. મુબારકભાઈ સંચાવાલા – ૭૬૯૮૨૦૭૩૮૮
  3. ઈસ્માઈલભાઈ મન્સુરી – ૯૯૦૪૦૭૩૦૨૪
  4. ઇમામશાહ દિવાન – ૯૮૯૮૦૦૩૧૭૬

જિમ્મેદારોના મોબાઈલ નંબર મય્યત વાન ઉપર પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે.

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી સહિત ગામ-પરગામના તમામ ભાઈઓ-બહેનો, સહયોગીઓ અને દાતાઓનો ટંકારીઆ ઇદગાહ ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અલ્લાહ તઆલા તમામની ખિદમત, મહેનત અને સહકારને કબૂલ ફરમાવી બન્ને જહાનમાં બેહતરીન બદલો અતા ફરમાવે એવી દિલી દુઆ છે.

ઇન્શાઅલ્લાહ, મય્યત વાન માટે અલગ શેડ બનાવવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને કામ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવશે.

ખાસ તાકીદ

માં-બહેનોના મય્યત દરમિયાન ઘરેથી લઈને દફનવિધિ સુધી શરીયત મુજબ જે રીતે પરદાનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે, એ જ રીતે ગુસલ આપવાની પ્રક્રિયાના દરેક તબક્કે પણ પરદાનો સંપૂર્ણ એહતેમામ રાખવો અત્યંત જરૂરી છે. આ હેતુસર, ઓરતોની દફનવિધિ દરમિયાન કબ્રસ્તાનમાં ઉપયોગમાં લેવાતા મોટા પરદા ઉપરાંત એક નાની સાઇઝનો પરદો પણ વાનમાં ઉપલબ્ધ રહેશે, જેથી જ્યાં જરૂર પડે ત્યાં તેનો ફરજીયાત ઉપયોગ કરી શકાય.

આ દીની અને સામાજિક ખિદમતને સફળ બનાવવા માટે સમગ્ર ગામજનોનો સંપૂર્ણ સહકાર અત્યંત આવશ્યક છે.

અલ્લાહ તઆલા આ ખિદમતને બધાના માટે સદકએ  જારિયા બનાવે અને સમગ્ર સમાજ માટે લાભદાયક સાબિત કરે. આમીન.




­It is with deep sorrow that we announce the passing of Hajiyani Bibiben Ibrahim Suleman Hira, beloved mother of the late Ismail Master Hira, Dilawer Master Hira, the late Usman Hira, and Mustak Hira, in Chicago, USA. Inna lillahi wa inna ilayhi raji’un. إِنَّا ِلِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. May ALLAH (SWT) grant her the highest place in Jannatul Firdaus and grant sabr-e-jameel to her family members

Salat ul Janaza:

Friday, Feb, 27th @1:30PM (following Jumma Prayer)

Madina Masjid

4850 N St. Louis Ave

Chicago, IL 60625

Burial Cemetery Information:

Rosehill Cemetery

2150 W Peterson Ave.,

Chicago, IL 60659

Seating Arrangements:

Men: 505 Huber Ln. Glenview, Illinois 60025

Ladies: 5404 N Kimball Ave. Chicago, Illinois 60625

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન (WBVF) ભરૂચ રૂરલ-૧ ની બ્લોક ઓફિસ ટંકારીઆ ગામમાં શરૂ કરવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવા એક મીટિંગ રવિવાર તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ મોહસીન-એ-આઝમ મિશન હાઈસ્કૂલ, ટંકારીઆના હોલમાં બપોરના ૨:૩૦ કલાકે યોજાઇ હતી.

આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ અને આસપાસના ૧૦ ગામોમાં સમાજના વિકાસ માટે બ્લોક ઓફિસની સ્થાપના કરી, સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો. આ મીટિંગમાં સમાજના વરિષ્ઠ, ફિકરમંદ વ્યક્તિઓ, અને માનવ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓના જિમ્મેદારોની હાજરીએ તેને વધુ અર્થપૂર્ણ બનાવી.

મીટિંગનું આમંત્રણ જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો અને સમાજસેવા સાથે જોડાયેલા વરિષ્ઠ વ્યક્તિઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં તેમના માર્ગદર્શન અને વિચારોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આમંત્રણમાં જણાવ્યું હતું કે ટંકારીઆ ગામ, જે સમાજમાં સૌથી વધુ શિક્ષિત અને વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું છે, તેમજ તેનું ભૌગોલિક સ્થાન ધ્યાનમાં લઈને અહીં બ્લોક ઓફિસની સ્થાપના કરવાથી વિવિધ પ્રોજેક્ટ્સનો ફાયદો વધુ અસરકારક રીતે ટંકારીઆ ઉપરાંત તેની આજુબાજુના ગામોને પહોંચી શકે છે. આમંત્રણમાં સમાજની વિવિધ સંસ્થાઓના સંકલન દ્વારા ધ્યેય હાંસલ કરવાની વાત પણ કરવામાં આવી હતી, અને તમામને અચૂક હાજર રહી પોતાના વિચારો રજૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. આમંત્રણની ભાવના સમાજની એકતા અને વિકાસની પ્રેરણા આપતી હતી. આમંત્રણની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને અનેક સંસ્થાઓના હોદ્દેદારોએ મીટિંગમાં હાજરી આપી હતી.

મીટિંગની શરૂઆત અલ્લાહ તઆલાના નામથી અને કુરઆનની તિલાવતથી મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફી દ્વારા કરવામાં આવી હતી, જે પછી કાર્યક્રમના પ્રમુખ તરીકે વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના બોર્ડ ઓફ ડીરેક્ટર ઇકબાલભાઈ પાદરવાલા સાહેબની કાર્યક્રમના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ભરૂચ રૂરલ-૧ બ્લોકના સંયોજક યુસુફભાઇ જેટ દ્વારા કરવામાં આવ્યું હતું. યુસુફભાઇએ તેમના પ્રવચનમાં ટંકારીઆ ગામના જુદાજુદા ક્ષેત્રમાં અભ્યાસ કરતા ૩૯૪ વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૪૨૮૭૦૦૦/- ની સ્કોલરશીપ WBVF દ્વારા આપવામાં આવી છે એવી માહિતી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં WBVF મિશન એવરેસ્ટના અધ્યક્ષ ડો. ઈસ્માઈલ પટેલ સાહેબે જુદાજુદા પ્રોજેક્ટના લાભાર્થીઓના આંકડાઓ રજૂ કરી વિસ્તૃત માહિતી આપી હતી જેને હાજરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ સાહેબે જણાવ્યુ હતું કે આપણા સહિયારા પ્રયાસોથી WBVF દ્વારા ચાલતા પ્રોજેક્ટ્સને વધુ મજબૂત બનાવવા અને જુદા જુદા ગામો વચ્ચે સંકલન વધારવા માટે બ્લોક ઓફિસની ખાસ જરૂર છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ ગામમાં ભરૂચ રૂરલ-૧ ની બ્લોક ઓફિસની સ્થાપના અંગે લોકોના વિચારો જાણવાનો હતો જેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ સાહેબે હાજરજનોને ટંકારીઆમાં બ્લોક ઓફિસની જરૂરિયાત અંગે સીધો સવાલ પૂછતાં હાજરજનોએ હકારાત્મક પ્રતિસાદ આપી મીટિંગમાં બ્લોક ઓફિસની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી આગળના પગલાં માટે સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. હાજરજનોમાં અલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુનુસભાઈ ખાંધિયા, ટંકારીઆ અંજુમનના મેનેજર મો. અબ્દુલ મતીન બચ્ચા , WBVF ના કહાન ગામના ગ્રામ સંયોજક અને તાલુકા પંચાયત ભરૂચના સભ્ય દાઉદભાઈ હવેલીવાલા , ટંકારીઆ ગામના ડે. સરપંચ સફ્વાનભાઇ ભુતા, ટંકારીઆ ગામના માજી સરપંચ જાકીરહુસેન ઉમતાએ પોતાના મુલ્યવાન સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. હાજરજનોના સૂચનોને WBVFના હોદ્દેદારોએ આવકારી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અંતે પ્રમુખ સ્થાનેથી ઇકબાલભાઇ પાદરવાલા સાહેબે આગળની કાર્યવાહી માટે સૌના સાથ અને સહકારની અપીલ કરી હતી. બ્લોક ઓફિસ દ્વારા WBVF ના પ્રોજેક્ટ્સને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે, અને તેના માટે સમુદાયના સહયોગની જરૂર છે એ બાબત વક્તાઓના વક્તવ્યોમાં કેન્દ્ર સ્થાને હતી. કુલ મળીને, મીટિંગમાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતાનું વાતાવરણ હતું, જે સમાજના ભવિષ્ય માટે આશાસ્પદ છે.

સમાજના વરિષ્ઠ વ્યક્તિઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક નેતાઓ, WBVF ના ગ્રામ સંયોજકો અને WBVF ની ટીમની ખાસ હાજરીમાં, મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપનાર મૂળ ટંકારીઆ ગામના અને હાલમાં યુકેમાં રહેતા અલ્તાફ અહમદ દશુ, મેહબુબ સુતરીયા, મુસ્તાક ઈસ્માઈલ હાજી રાંધવાવાલા, ફારૂક વસ્તા, ઝાહીદ ગુલામ માસ્તર ઘોડીવાલા (કે.પી.), ઇકબાલભાઇ ધોરીવાલા (ID) ને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. વિદેશમાં વસતા આ મહાનુભાવો વતી સ્થાનિક ગ્રામજનોએ મહાનુભાવોના હસ્તે મોમેન્ટો સ્વીકાર્યા હતા. આ ઉપરાંત MBBS ની ડીગ્રી મેળવ્યા પછી હાલમાં જ MD (ફેફસાંના રોગોના તજજ્ઞ) માં એડમીશન મેળવ્યું છે એવા ટંકારીઆ ગામના ડૉ. મહંમદ કૈફ મુબારક ભાણીયાને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. મહંમદ કૈફ મુબારક ભાણીયાએ પણ મેડીકલ ક્ષેત્રને લગતું ટૂંકું પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ તા. ૨૫/૦૧/૨૦૨૬ ના રોજ બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચેરીટી ક્રિકેટ મેચના આયોજન દ્વારા એકત્રિત થયેલ દાનની રકમનો ચેક બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડના ટંકારીઆમાં રહેતા આયોજકો આરીફભાઈ બાપુજી, જુનેદભાઇ ટીચ્ચુક દ્વારા મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઇ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. જાકીરભાઇ ઉમતાએ ચેરીટી ક્રિકેટ મેચના આયોજન અને ક્રિકેટના માધ્યમથી શિક્ષણ અને અશકરી ટિફિન સર્વિસ માટે એકત્રિત થયેલ માતબર રકમ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ચેરીટી મેચમાં દાનવીરો દ્વારા ૬૫૧૦૦૦/ ધોરણ ૧૧ અને ૧૨ ના અંગ્રેજી માધ્યમના નવા વર્ગો એમ. એ.એમ. શાળામાં શરુ કરવા, એક મુસ્લિમ ભાઇ તરફથી રૂ. ૬૫૦૦૦/- ધોરણ ૧૦ના ત્રણ વિદ્યાર્થીઓના આખા વર્ષના ખર્ચ માટે અને એક મુસ્લિમ ભાઇ તરફથી રૂ. ૬૫૦૦૦૦/- મિશન દ્વારા ટંકારીઆ ગામમાં ચાલતી અશકરી ટિફિન સર્વિસના એક વર્ષના ખર્ચ માટે આપવામાં આવ્યા હતા; આમ ચેરીટી મેચમાં કુલ ૧૩૬૬૦૦૦/- નું દાન એકત્રિત થયું હતું જે બારીવાલા સ્પોર્ટસ કલબ દ્વારા મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ટંકારીઆને આપવામાં આવ્યું છે.

અંતે મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાક પટેલ સાહેબે આજની મીટિંગમાં હાજર રહેલા તમામ મહાનુભાવોનો, શફીકભાઇ પટેલ, બારીવાલા બ્રધર્સ, ચેરીટી મેચના આયોજકો, સહાયકો અને દાનવીરોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. WBVF સંસ્થાના હવે પછીના તમામ કાર્યક્રમો માટે પણ તેમણે મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારની ખાતરી આપી હતી.

WBVF ના મેનેજર મહંમદભાઇ ભોપાએ ખાસ દુઆ કરી અને આ મીટિંગ પૂરી થઇ હતી. આજની આ મહત્વની મીટિંગનું સુચારુ સંચાલન ઉસ્માનભાઈ સુતરીયાએ એમના આગવા અંદાજમાં કર્યું હતું.

આજની મીટિંગ વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના ધ્યેયને વધુ મજબૂત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તમામ હાજરજનોના વિચારો અને માર્ગદર્શનથી આપણે આ લક્ષ્યને હાંસલ કરી શકીશું. અલ્લાહ તઆલા આપણા પ્રયાસોને કબુલ કરે, સમાજને વધુ સશક્ત બનાવે અને બંને જહાનમાં સફળતા અતા કરે. આમીન.

ટંકારીઆ ગામના ભવ્ય ઇતિહાસ પર નજર કરીએ તો આજે ખરેખર છાતી ઠોકીને ગર્વ સાથે કહી શકાય કે આ ગામના લોકોએ કરેલા અદ્ભુત કારનામાઓની નોંધ દેશ-વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ પણ નાનું કે મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું નથી—આપણા ઇતિહાસમાં એવું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. અંજુમન હોસ્પિટલ જેવું મહત્વનું તબીબી કાર્ય હોય, ગુસ્લ વાન જેવી ખિદમત હોય કે ભવિષ્યમાં થનારા તમામ ખૈર અને ભલાઈના પ્રયાસો—આ બધું આપણી એકતા, ભાઈચારા અને ફક્ત અલ્લાહ તઆલા પરના આપણા અટલ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે.

અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે, જેનો ભાવાર્થ છે:

જે લોકો અલ્લાહની રાહમાં પોતાના માલમાંથી ખર્ચ કરે છે, તેમનું ઉદાહરણ એવું છે જાણે કે એક દાણો છે જેનાથી સાત કળીઓ ઉગે છે, દરેક કળીમાં સો દાણા છે. અને અલ્લાહ જેને ઇચ્છે તેને વધારે આપે છે. અલ્લાહ વિશાળ કૃપાશીલ અને સર્વજ્ઞ છે. (સૂરહ અલ-બકરહ: ૨:૨૬૧)

અને બીજી જગ્યાએ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:તમે ક્યારેય ભલાઈ (બિર્ર) સુધી પહોંચી શકશો નહીં જ્યાં સુધી તમે તેમાંથી ખર્ચ ન કરો જે તમને પ્રિય છે. અને જે કંઈ તમે ખર્ચો છો, અલ્લાહ તેને સારી રીતે જાણે છે. (સૂરહ આલે ઇમરાન: ૩:૯૨)

આપણે જે કંઈ કરીએ છીએ તે માત્ર લોકોના ભલા માટે જ નથી, પરંતુ અલ્લાહની રઝા અને તેની પ્રસન્નતા મેળવવા માટે છે. અલ્લાહ તઆલા આપણા દિલોની નિય્યતોથી સંપૂર્ણ વાકેફ છે. જે રબ માત્ર કુન (થઈ જા) કહેવાથી આખી કાયનાતને અસ્તિત્વમાં લાવી શકે છે, તેના ખજાનામાં ક્યારેય કોઈ કમી કે અછત નથી. અલ્લાહ તઆલાએ ટંકારીઆ ગામના લોકોને અને આખી દુનિયાના લોકોને ધન-દોલતથી નવાજ્યા છે, અને ઘણા દિલોમાં સખાવત, ઉદારતા અને ખિદમતની તૌફીક પણ અતા કરી છે, ત્યારે આવા એક નહીં પણ અનેક કામો આસાનીથી થઇ જશે.

રસૂલુલ્લાહ ફરમાવે છે જેનો ભાવાર્થ છે :  “સદકા (ખૈરાત)થી માલ ઓછો થતો નથી. (સહીહ મુસ્લિમ)

અને બીજી એક મુબારક હદીસમાં ઇર્શાદ ફરમાવે છે જેનો ભાવાર્થ છે:લોકોમાં સૌથી શ્રેષ્ઠ તે છે જે લોકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય. (અલ-મુજમ અલ-ઔસત)

આથી આજે આપણી સૌની સૌથી મોટી જવાબદારી છે કે મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની ફરજને પૂરી ઈમાનદારી, નિષ્ઠા અને ખુલૂસથી અદા કરીએ. એકબીજાનો હાથ પકડીને, સહકાર અને ભાઈચારાની મજબૂત ભાવનાથી આગળ વધીએ. ફક્ત અલ્લાહ તઆલા પર પૂર્ણ ભરોસો રાખીને, ગામના દરેક સારા કામમાં સક્રિય ભાગીદાર બનીએ. આવો, સબે બરાત આવી રહી છે ત્યારે ખાસ દુઆ કરીએ અને નક્કી કરીએ કે અલ્લાહ તઆલાની ખાસ મદદથી ટંકારીઆ ગામને ખૈર, ખિદમત, એકતા અને સમગ્ર ગામના લોકોની પ્રગતિનું એક અજોડ કેન્દ્ર બનાવવાની કોશિશ કરીશું. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તે આપણા તમામ પ્રયત્નોમાં બરકત અતા ફરમાવે, ખુલૂસ અતા કરે, આપણી નિય્યતોને કબૂલ કરે, આપણા ગામને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવે અને આપણને ફક્ત તેની રઝા મેળવવાની તૌફીક આપે. આમીન, યા રબ્બલ આલમીન.

(નોંધ: બિલ્ડીંગ કે વ્હીકલના રજીસ્ટ્રેશન માટે કોઇપણ એક નોંધાયેલી સંસ્થાની આવશ્યકતા છે.)

ટંકારીઆના લોકો માટે ખાસ સંદેશ. (pdf ડાઉનલોડ કરી આપના સંપર્કમાં હોય એવા લોકોને મોકલશો)

A special message for the people of Tankaria on the eve of Shab-e-Barat.

If we examine the glorious history of Tankaria village, we can truly say with pride that the wonderful deeds done by the people of this village have been consistently recognised in the country and abroad. No small or big work of Tankaria Village has ever remained incomplete. Our history does not contain such an example. Whether it is important medical work, such as at Anjuman Hospital; services like Ghusl Van; or all the good works and efforts that will be done in the future, these are living proof of our unity and brotherhood. They show our unwavering faith in Allah Almighty alone.

Allah Almighty says in the Holy Quran, the meaning of which is the following:

“The example of those who spend from their wealth in the way of Allah is like that of a grain from which seven buds grow; in each bud there are a hundred grains. And Allah increases it to whom He wills. Allah is the Exalted, the Merciful, the All-Knowing.” (Surah Al-Baqarah: 2:261)

And in another place it is said, “You will never attain righteousness (birr) until you spend from it that which you love. And whatever you spend, Allah is well aware of it.” (Surah Al-Imran: 3:92)

Whatever we do is not only for people’s benefit but also to gain the pleasure of Allah and His pleasure. Allah is fully aware of our intentions. Allah, who can bring the entire universe into existence by just saying “Qun” (Be), never has any shortage or deficiency in His treasures. Allah Almighty has bestowed wealth on the people of Tankaria Village and the world. Allah has also given many hearts the ability for charity, generosity, and service. With this, not one but many such deeds will be done easily.

The Messenger of Allah ﷺ says, which means, “Charity (khairat) does not decrease wealth.” (Sahih Muslim)

And in another blessed hadith, he says, which means, “The best of people are those who are most beneficial to people.” (Al-Mujam al-Awsat)

Therefore, today the greatest responsibility of all of us is to fulfil our duties, yours and all of ours, with complete honesty, sincerity and openness. Let us move forward with a strong sense of cooperation and brotherhood, holding each other’s hands. Let us be active participants in every good work of the village, with full trust only in Allah Ta’ala. Let us make a special dua as the Sabe Barat is approaching and resolve that with the special help of Allah Ta’ala, we will try to make Tankaria village a unique centre of goodness, service, unity and progress for the people of the entire village. We pray to Allah Ta’ala that He may bless all our efforts; grant us openness; accept our intentions; make our village more prosperous and progressive, and grant us the ability to seek only His pleasure. Amen, Ya Rabbal Alamin.

A special message for the people of Tankaria
Please download the PDF file and share it with others.

તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એમ.એ.એમ. હાઇસ્કૂલના હોલમાં ખૂબ જ ઉત્સાહ  સાથે એન.આર.આઈ. ભાઈઓના સન્માનનો એક અભિનંદનીય કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત અત્યંત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી, જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર કરી દીધું. ત્યારબાદ વિદેશથી પધારેલા વિશિષ્ટ મહેમાનો – યાકુબભાઇ મુસા વરુ, સલીમભાઇ મુસા વરુ, સોએબભાઇ યાકૂબ ખોડા, બશીરભાઇ ઉમરજી હલાલત, સાદીકભાઇ પ્રો. વલીભાઇ ભડ અને અનવરભાઇ વલી ગોચાનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. એમ.એ.એમ. હાઇસ્કૂલમાં ‘સુપરવાઇઝર’ તરીકે ફરજ બજાવતા મુસ્તાક સાહેબે પોતાના પ્રાસંગિક તથા પ્રેરણાદાયી પ્રવચન દ્વારા મહેમાનોને હાર્દિક આવકાર આપ્યો. તેમણે એમ.એ.એમ. પ્રાયમરી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ તથા હાઇસ્કૂલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ – સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા તથા અનુભવી સ્ટાફ વિશે વિસ્તૃત માહિતી આપી. આ ઉપરાંત એસ.એસ.સી. બોર્ડમાં શાળાના સતત ઉત્કૃષ્ટ પરિણામો, રમતગમત, વક્તૃત્વ સ્પર્ધાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ અંગે પણ તેમણે ગર્વભેર વર્ણન કર્યું. ઉપસ્થિત હાજરજનોએ એમના વક્તવ્યમાં સમાવિષ્ટ  શાળાની પ્રગતિના અહેવાલોને અવારનવાર તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. મહેમાનોએ શાળાના વર્ગોની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો.  

એમ.એ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે મહિલાઓ માટે સરકારી યોજના અંતર્ગત ચાલતા સીવણકામના વર્ગો તથા લોકફાળા દ્વારા સંચાલિત “અશરફી ટિફિન સર્વિસ” અંગે પણ આંકડાકીય વિગતો સાથે માહિતી પ્રદાન કરવામાં આવી. ખાસ ઉલ્લેખનીય છે કે “અશરફી ટિફિન સર્વિસ” માટે “ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.” (TWS) દ્વારા આપવામાં આવેલા ઉદાર દાનથી ૩૩૩૩ જેટલા ટિફિન જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ અમૂલ્ય સહયોગ માટે કાર્યક્રમમાં TWSનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

કાર્યક્રમ દરમિયાન TWSના જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના વાર્ષિક અહેવાલની નકલ TWSના ટ્રસ્ટી યાકુબભાઇ મુસા વરુ દ્વારા તથા ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના સંયુક્ત પ્રવૃત્તિ અહેવાલ (ટંકારીઆ બુકલેટ)ની નકલ સલીમભાઇ મુસા વરુ દ્વારા એમ.એ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશાક મુહમ્મદ પટેલને સ્નેહભાવ સાથે અર્પણ કરવામાં આવી. TWS સંસ્થાના વાર્ષિક અહેવાલોમાં ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. (TWS)ના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા એન.આર.આઈ. ભાઈઓ દ્વારા એમ.એ.એમ. ઈંગ્લીશ મિડિયમ હાઇસ્કૂલ અને ટંકારીઆ  ગામની અન્ય સંસ્થાઓની અવારનવાર કરવામાં આવતી મુલાકાતોના વિસ્તૃત વર્ણનો, તેમના અહેવાલો અને પ્રેરણાદાયી ફોટોગ્રાફ્સ સમાવિષ્ટ છે. આ વિસ્તૃત આકર્ષક અને પારદર્શી વાર્ષિક અહેવાલોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે જ્યારે ગામની વિવિધ સંસ્થાઓ એકબીજા સાથે પરસ્પર સંકલન, હાર્દિક સહયોગ અને સમર્પિત ભાવનાથી કાર્ય કરે છે, ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમયસર અને અસરકારક સહાય પહોંચી શકે છે. આવા સંયુક્ત પ્રયાસોના પરિણામો અત્યંત પ્રભાવશાળી, ટકાઉ અને હૃદયસ્પર્શી બને છે, જે સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ અહેવાલો માત્ર આંકડા અને વિગતો જ નહીં, પરંતુ સેવાની સાક્ષીરૂપ ફોટો અને વાસ્તવિક અનુભવો દ્વારા એકતા અને ઉદારતાની જીવંત ઝલક આપે છે.

THE TANKARIA WELFARE SOCIETY UK. ANNUAL REPORT 2024 The Tankaria Welfare Society UK – વર્ષ ૨૦૨૪ના વાર્ષિક રીપોર્ટની .pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

Tankaria Booklet- TWS UK Activity Report 2021-2024 ટંકારીઆ બુકલેટ – વર્ષ ૨૦૨૧-૨૦૨૪  સુધીનો  પ્રવુત્તિ અહેવાલ  (Activity Report) વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.

કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઈ પટેલે બધાં મહેમાનોનો અને TWS સંસ્થાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે અલ્પાહાર પછી મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફીએ દુઆઓ ગુજારી હતી.

(આ કાર્યક્રમમાં TWSના પ્રમુખ ફારુકભાઇ ઉઘરાદાર, ઉપપ્રમુખ હબીબભાઇ ભુતા તથા ટ્રસ્ટી ઇકબાલભાઈ ધોરીવાલા B BUZZ Media Indiaના વલણ ગામ ખાતેના ૧૯/૦૧/૨૦૨૬ના લોન્ચિંગ કાર્યક્રમ અને અન્ય કામોની વ્યસ્તતાને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા.)

   

  

1 2 3 15