ટંકારીઆ ગામની નવસર્જન વિકાસ પેનલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાલમાં ૧૫માં નાણાપંચની તાલુકા કક્ષાની વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર ની દરખાસ્તથી મંજુર થયેલ કચરા કલેક્શન માટે એક ટ્રેલર ના લોકાર્પણવિધિનો કાર્યક્રમ તા. ૮/૫/૨૩ ને સોમવારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તબક્કે ગ્રામ પંચાયત પરિવાર અબ્દુલ્લાહ ટેલરનો તમામ ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરે છે. આ ટ્રેલર નાના પાદર કુમારશાળાની બાજુમાં પીપળા સ્ટ્રીટની સામેના ભાગે મુખ્ય રસ્તા પર કચરા કલેક્શન માટે મુકવામાં આવ્યું છે જેનો જેતે વિસ્તારના સ્થાનિકોએ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

આથી ભડભાગ કબ્રસ્તાન કમિટી તથા ભડભાગને લગતા તમામ બંધુઓને જણાવતા આનંદ થાય છે કે ભડભાગ કબ્રસ્તાનમાં દાખલ થતા જે ગળનાળું આવે છે તેની હાલત એકદમ બિસ્માર થઇ ગઈ હતી.. જેને તાત્કાલિક મરમ્મતની જરૂરિયાત હતી. મેં [ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા] ઝામ્બિયા સ્થિત આપણા ગામના સખીદાતા સિદ્દીક ઇબ્રાહિમ ઇપલીને આ બાબતે ધ્યાન દોરતા એમને મને આ કામ કરવાની સહમતી આપી તથા તેનો સંપૂર્ણ લીલ્લાહ ખર્ચ ઇપલી કુટુંબના તમામ મર્હૂમોના ઇસાલે સવાબ અર્થે સિદ્દીકે ઉપાડવા જણાવતા રમઝાનના પવિત્ર માસમાં ઈદ પહેલા આ કામ લગભગ પરિપૂર્ણ કરવામાં આવ્યું. આ તબક્કે હું ઝાકીરહુસૈન ઉમતા તથા ભડભાગ કબ્રસ્તાન કમિટી તથા ભડભાગને લગતા તમામ લોકો તરફથી સિદ્દીક ઇપલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અલ્લાહ પાક આપને આનો અતિઉત્તમ બદલો બંને જહાંમાં અર્પે એવી અમારી દિલી દુઆઓ છે.

તારીખ ૩૦મી એપ્રિલ ૨૦૨૩ ને રવિવારના રોજ અહમદાબાદના મિર્ઝાપુર ખાતે જશ્ને સૈયદના મોકા પર ટંકારીઆ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને સામાજિક તેમજ મેડિકલ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેવા બદલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સરસંચાલક સૈયદ હમઝામિયાએ પ્રથમ સ્થાન આપી સંસ્થાને પારિતોષિક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં ટંકારીઆ બ્રાન્ચને પ્રથમ જાહેર કરતા સંસ્થાના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ જવા પામી હતી. સૈયદ હમઝામિયાએ અહમદાબાદ ખાતે ટંકારીઆ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી આજ પ્રમાણે સામાજિક સેવાઓ ચાલુ રાખવાની નસીહત કરી હતી. એમ ટંકારીઆ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા એક નિવેદનમાં જણાવે છે.