સમગ્ર ગુજરાતમાં માંહે જિલ્હજ્જ નો ચાંદ ચોમાસાની મોસમને લઈને નરી આંખે દેખાયો ના હતો પરંતુ શરઈ ગવાહીઓના આધારે ૧૧/૭/૨૧ ને રવિવારના રોજ જાહેર થતા ઈદ ઉલ અડહા (બકરી ઈદ) તારીખ ૨૧/૭/૨૧ ને બુધવારના રોજ જાહેર કરવામાં આવી છે. એટલે કે બકરી ઈદ ની ઉજવણી ૨૧/૭/૨૧ ના રોજ કરવામાં આવશે. તમામ બિરાદરો બકરી ઈદની પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે.

ટંકારીઆ તથા પંથક ના લોકો ગરમી અને બફાળાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતવર્ગ સહીત તમામલોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો દોડાદોડી કરી રહ્યા છે પણ મન મૂકી વરસતા ના હોવાથી ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તમામ મખલુક વરસાદ ની મીટ માંડી ચાતક નજરે રાહ જોઈ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના કપાળ પર ચિંતાની લકીરો ખેંચાઈ છે અને અલ્લાહ ની બારગાહમાં રહેમતની વર્ષાની દુઆઓ ગુજારી રહ્યા છે. બીજું કે બકરી ઈદ નો તહેવાર એકદમ નજીક આવી રહ્યો હોવાથી લોકો ઈદની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.