માનવીની વિકાસની આધળી દોડમાં સિમેન્ટ ક્રોકિંટના બની રહેલા જંગલો જેને પગલે વૃક્ષોના નીકળી રહેલા નિકંદનોએ પર્યાવરણની સમતુલા ખોરવી નાંખી છે. દિનપ્રતિદિન વધી રહેલી ગરમી માટે વૃક્ષોની અછતને લોકો જવાબદાર ગણી રહ્યા છે. જે સંદર્ભે સરકાર તેમજ સામાજિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા દર ચોમાસે વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજિત થતા રહે છે. જે અંતર્ગત શનિવારના રોજ ટંકારીયા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગામની ઇદગાહ સહિત વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જુમા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અબ્દુલ રઝ્ઝાક અશરફી સાહેબે ઇદગાહ ખાતે વૃક્ષની રોપણી કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ ગામના સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, જિલ્લા આગેવાન મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ ટેલર, સામાજિક કાર્યકર અબ્દુલ કામથીએ વૃક્ષોની રોપણી કરી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સંચાલકો અફઝલ ઘોડીવાલા, ટ્રસ્ટ પ્રમુખ મુસ્તાક બાબરીયા સહિત કાર્યકરો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરોએ હાજર રહી સફળ બનાવ્યો હતો…