“જ્યાં અક્ષરથી વિચાર જન્મે અને વિચારથી ભવિષ્ય ઘડાય, એવું પવિત્ર સ્થાન એટલે શાળા.”
તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવારે કસ્બા ટંકારીઆમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ.

ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટંકારીઆ કુમારશાળાના નવનિર્મિત વિશાળ મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીની અધ્યક્ષતામાં યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી થઈ. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી શબ્બીર પટેલે આમંત્રિત મહેમાનોનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. શિક્ષકોએ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કર્યા. વિદ્યાર્થીઓએ મધુર સ્વાગતગીત રજૂ કરીને વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સ્મૃતિઓએ હાલમાં હાજર દરેકને ગદ્ગદિત કરી દીધા. ડૉ. યુસુફભાઈ ખોડાએ બાળપણની મીઠી યાદો યાદ કરતાં આંખો ભીની કરી દીધી.
અબ્દુલ્લાહ કામઠી પોતાની અનોખી શૈલીમાં વિદ્યાર્થીકાળની ક્ષણોને જીવંત કરતાં કરતાં ભાવવિભોર થઇ ગયા. મૂળ અડોલના વતની, હાલ કંબોલી શાળાના આચાર્ય પ્રવીણ સોલંકીએ પોતાના ગુરુજનોને શ્રદ્ધાંજલિ આપીને સૌને ભાવુક બનાવી દીધા.

અધ્યક્ષ અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં કહ્યું, “શિક્ષણ ફક્ત પુસ્તકોનું નથી, તે બાળકના મનમાં બાળમૂલ્યો, પ્રમાણિકતા અને આત્મવિશ્વાસના બીજ વાવવાનું કામ છે. શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે બાળક પોતે જ સ્ટેજ પર આવીને પોતાની ક્ષમતા દેખાડે અને સંવાદી શિક્ષણ દ્વારા તેની અંદર છુપાયેલી પ્રતિભા પ્રગટ થાય.”

વયોવૃદ્ધ ડૉ. મીયાંજી સાહેબ પણ આ ક્ષણે હાજર રહ્યા અને પોતાના અનુભવો વહેંચીને સૌને પ્રેરિત કર્યા.
અંતે અધ્યક્ષશ્રી અઝીઝ ટંકારવીએ શાળાના મુખ્ય પ્રવેશદ્વારનું રીબન કાપીને નવા મકાનને ઔપચારિક રીતે ખુલ્લું મુક્યું. ત્યારબાદ દરેક વર્ગખંડનું પણ મહાનુભાવોના હસ્તે રીબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ટંકારીઆ ગૃપ શાળાના ગ્રુપાચાર્ય શબ્બીર પટેલ, રફીક અભલી અને મુબારક ઘોડીવાલાએ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું.

આજે ટંકારીઆ કુમારશાળામાં એક નવું અધ્યાય શરૂ થયું છે — જ્યાં આવનારી પેઢીઓ અક્ષરોથી વિચારો ઘડીને ભવિષ્યને નવી ઊંચાઈએ પહોંચાડશે.

CLICK HERE FOR PROGRAM VIDEO OF THIS EVENT.
આજના આ સમારોહનો વિડીયો જોવા અહીં ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

 

ટંકારીઆની જૂની કુમારશાળા ઇતિહાસના પાનાઓમાં

ગતરોજ ૬ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ થયું હતું અને આજે બીજા ૩ હાઈ માસ્ટ લાઇટના ટાવરોનું લોકાર્પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામની ચોતરફ હાઈ માસ્ટ લાઇટના ટાવરો ઉભા થતા ગામ ચારેકોર લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. આગામી સમયમાં ગામની ચારે બાજુના પ્રવેશદ્વારો ઉપર સી.સી.ટી.વી. લગાવવાની વિચારણા પણ થઇ રહી છે.

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમ.એ. એમ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૫-૨૬ માં અત્રેની શાળાના બાળકોનો કરાટે ચેમ્પિયનશીપ – ૨૦૨૬ માં વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની શાળાના બાળકોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં સહેરી અક્સા એસ. (ગોલ્ડ મેડલ), નવાબ ઝૈદ (ગોલ્ડ મેડલ), પટેલ મહંમદ આર. (ગોલ્ડ મેડલ), પટેલ સૈફાન આર. (ગોલ્ડ મેડલ) સિંધી ઝુરીન રફ. (સિલ્વર મેડલ), પટેલ સના આઈ. (સિલ્વર મેડલ), સયાની તાનિયા એસ. (સિલ્વર મેડલ), પટેલ અહમદ આઈ. (સિલ્વર મેડલ) બાળકોએ ઝળહળતું પરિણામ આવ્યું. શાળાનું તથા ટંકારીઆ ગામનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. શાળાના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફી તેમજ શાળાના આચાર્યશ્રીએ તમામને કરાટે ચેમ્પિયનશીપની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી. અને જીવનમા સફળતાના શિખરો સર કરે એવા આશીર્વાદ આપ્યા.

આજરોજ તારીખ ૦૫/૦૨/૨૦૨૬ ને ગુરુવારે મગરીબની નમાજ બાદ જે નવા ૦૫ હાઈ માસ્ટ લાઈટના ટાવરોનું ઉદ્ઘાટન થયું તેના કારણે ટંકારીઆના દરેક પ્રવેશદ્વારે હવે રાત્રિને પણ દિવસ જેવી રોશની મળી છે. ગામની ચારે બાજુ – પારખેત રોડ પર શબ્બીરભાઇ ભૂતાના ઘર પાસે, અડોલ ચોકડી, આંબાવાડી બસ સ્ટેન્ડ, અશરફશાહ [રહ.] દરગાહ સમીપ તથા પાદરીયા/વાંતરસા ચોકડી મળી આજે ૦૫ ઊંચા હાઈ માસ્ટ ટાવરોનું ઉદ્ઘાટન થતાં એ તમામ વિસ્તારો રોશનીથી ઝગમગી રહ્યા છે.

આ સુંદર સ્વપ્નને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે ગામના સર્વાંગી વિકાસમાં હંમેશા અગ્રેસર રહેતા ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાના અથાગ પ્રયત્નોએ. તેમના નેતૃત્વમાં અનેક ઉદાર સખીદાતાઓએ હૃદયપૂર્વક દાન આપ્યું અને એક જ અઠવાડિયામાં આ ટાવર્સ ઊભા થયા.


સખીદાતાઓ :

ઉવેશ હનીફ મઢી, હાજી બસીર અને હાજી હાફેઝ મોહસીન રેથડા, મો. અબ્દુલ્લાહ જેટ તથા ડાહ્યા બ્રધર્સ, હાજી શબ્બીર ભુતા, સલમાન ચવડી, મેહબૂબ ગોચા, હાજી ઇસ્માઇલ માલજી ઉર્ફે માસા, મુબારક ઇબ્રાહિમ ભાણીયા, રિઝવાન દિવાળી, આસિફ દિવાળી તથા સફવાન ભુતા એન્ડ ગ્રુપ.

ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ ટાવર્સનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિના ચહેરા પર આનંદ અને કૃતજ્ઞતાની ઝલક સ્પષ્ટ જોવા મળી.


ટૂંક સમયમાં વધુ રોશની આવવાની છે.

સીતપોણ ચોકડી, હાસમશાહ [રહ.] કબ્રસ્તાનના બંને મુખ્ય પ્રવેશદ્વારો તથા ભડભાગ કબ્રસ્તાન તરફ જતા ટેલિફોન એક્સચેન્જ પાસેના રસ્તે બીજા ૦૪ હાઈ માસ્ટ લાઈટ્સના  ટાવર્સ પણ ઝડપથી લગાવવામાં આવશે.
આ અમૂલ્ય ભેટ માટે તમામ સખીદાતાઓ અને ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાનો આભાર માનતા ગ્રામજનોએ
એકસાથે કહ્યું:

“તમારા આ પ્રયાસોથી આપણું ગામ વધુ સુરક્ષિત, સુંદર અને પ્રકાશમય બન્યું છે.”
ટંકારીઆ હવે રાત્રે પણ ચમકે છે – સાથે મળીને, સ્વપ્ન જોઈને, અને તેને સાકાર કરીને!