ટંકારીઆ પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યનો પ્રેરણાદાયી ઉત્સવ
તા. ૨૪ જૂન, ૨૦૨૬ બુધવારના રોજ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ અને પી.એમ.શ્રી ગુજરાત કન્યાશાળા, ટંકારીઆના સુચારુ આયોજનથી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ભવ્યતા, ગૌરવ અને ઉમંગભેર ઉજવાયો હતો. સમગ્ર શાળા પરિસર ઉત્સાહ, આનંદ અને શિક્ષણપ્રેમના રંગોથી છલકાઈ ઊઠ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના મહાનુભાવ તરીકે ફરહીનબેન ફારૂક પટેલ (હિસાબી અધિકારી વર્ગ-૨, જિલ્લા પંચાયત શિક્ષણ શાખા) તેમજ લાયઝન અધિકારી અને લુવારા શાળાના આચાર્ય કિરણભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ક્ષેત્રીય જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન વસાવા, ટંકારીઆ ગામના સરપંચ મંગાભાઈ વસાવા તથા તાલુકા પંચાયત સદસ્ય અસમાબેન મોહસીન ઘોડીવાલા લોકપ્રતિનિધિ તરીકે કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
વિશેષ મહાનુભાવોમાં ટંકારીઆ ગામના સામાજિક અગ્રણી અને જાણીતા સાહિત્યકાર નાસીરહુસૈન અહમદ લોટીયા, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમટા, ગુજરાત ટુડેના પત્રકાર અને સામાજિક કાર્યકર મુસ્તાક સુલેમાન દૌલા, એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી, સભ્યો, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન કર્મીઓ તેમજ વાલીમિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અને ગરિમા બક્ષી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને જ્ઞાનના પ્રકાશથી કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ માજી આચાર્ય ગુલામભાઈ ઇપલીએ મહેમાનોનું હાર્દિક અને શબ્દસભર સ્વાગત કર્યું હતું. શાળાની બાળકીઓએ મહાનુભાવોને “ટંકારીઆ : ઇતિહાસની રોશનીમાં” પુસ્તક અર્પણ કરીને ગામના અને ગામની શાળાઓના ગૌરવશાળી ઇતિહાસ, વિકાસ અને શૈક્ષણિક પ્રગતિનો પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના નાનકડા ભૂલકાઓને કન્યાશાળાની બાલવાટિકામાં અને બ્રાન્ચ કુમારશાળાના વિદ્યાર્થીઓને શાળામાં ઔપચારિક પ્રવેશ અપાયો હતો. સાથે સાથે રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ જેવી કે સી.ઈ.ટી., જ્ઞાનસાધના અને એન.એમ.એમ.એસ. માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્રો અર્પણ કરીને તેમની મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન અને સિદ્ધિ મેળવનાર શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જાણીતા સાહિત્યકાર અને લેખક નાસીરહુસૈન લોટીયાનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને સરપંચ મંગાભાઈ વસાવા તથા ગુલામભાઈ ઇપલીના હસ્તે ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.
અકસ્માત નિવારણ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાના તત્કાલીન આચાર્ય સહીદાબેન ગુલામ ઇપલીએ બાળકોને સંકલ્પ લેવડાવ્યો હતો કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખશે. આ પ્રસંગે ફરહીનબેન પટેલે માર્ગ સલામતી અંગે ઉપયોગી માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
ત્રણ કિલોમીટરથી વધુ અંતરેથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા શાળાને પરિવહન સુવિધા હેઠળ EECO વાન ફાળવવામાં આવી છે. આ વાનનું પ્રસ્થાન ફરહીનબેન પટેલના હસ્તે લીલી ઝંડી ફરકાવી કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓના શિક્ષણપ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન, સંકલન અને માર્ગદર્શનની જવાબદારી માજી આચાર્ય ગુલામભાઈ ઇપલીએ સફળતાપૂર્વક નિભાવી કાર્યકમને યાદગાર બનાવી દીધો હતો.
કાર્યક્રમમાં એસ.આર. ફાઉન્ડેશનની ટીમને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન શાળાના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ. ૭,૭૫,૦૦૦/-ના સાહિત્ય, સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ પૂરી પાડી નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. આ અંગેનો વિસ્તૃત ચિતાર ગુલામભાઈ ઇપલીએ રજૂ કર્યો હતો અને ફાઉન્ડેશનની ટીમના અંજલીબેન, ઝાકીરભાઈ તેમજ અન્ય સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં શિક્ષિકા રિઝવાનાબેન ડાહ્યાએ આભારવિધિ રજૂ કરીને કાર્યક્રમને ભાવભીની પૂર્ણાહુતિ તરફ દોર્યો હતો.
કાર્યક્રમના સમાપન પ્રસંગે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યનો સંદેશ આપતું હતું. ત્યારબાદ સૌએ અલ્પાહાર ગ્રહણ કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
“જ્યાં શિક્ષણનો દીવો પ્રગટે છે, ત્યાં અજ્ઞાનનો અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે.”
ખરેખર, “વાવે તેવું લણે” અને “વિદ્યા એ એવું ધન છે કે જે જેટલું વહેંચાય તેટલું વધે” — આ કહેવતોને સાર્થક કરતો આ કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર અને સમાજના સહિયારા વિકાસનો પ્રેરણાસ્રોત બની રહ્યો હતો.
અંતે કહી શકાય કે, “એક દીવો બીજા દીવાને પ્રગટાવે, ત્યારે જ પ્રકાશનો વિસ્તાર થાય છે.” પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા, સમાજની સહભાગિતા અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેના વિશ્વાસનું જીવંત પ્રતિબિંબ હતો.









TANKARIA WEATHER
આયોજકો તથા મારા અંતરંગ સહાધ્યાયી સાથી મિત્ર નાસીરભાઈ લોટીયાને પણ અભિનંદન….️
ખુબ સરસ આયોજન….મારા જીવન અને શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં જેમનો અમુલ્ય ફાળો છે એવા મર્હુમ સુલેમાનભાઈ દૌલા અને મર્હૂમ ઉમરફારૂક ચામડના સંસ્મરણોની યાદ આવી ગઈ…! હબીબભાઈ ભુતા,ઝાકીર ભાઈ ઉમટા,મુબારકભાઈ ઘોડીવાલા, અબ્દુલમજીદ અંભેરવાલા, મુસ્તાક હુસૈન દૌલા જેવા નામી અનામી અનેક લાગણીશીલ દોસ્તોની જન્મભૂમિ -કર્મભૂમિ એટલે ભાતીગળ તારીખ અને તવારિખ ધરાવતું ગામ ટંકારીઆ….!