શિયાળો………… ઠંડીની સીઝન, તાજા તાજા શાકભાજી, તદુપરાંત ભાત ભાત ના વસાણા ખાવાની ઋતુ …….. નવયુવાનો અને આધેડો ને કસરત કરી પોતાના સ્વાસ્થ્યને સંવારવાની સીઝન. આમ તો શિયાળાની શરૂઆત ક્યારની થઇ ગઈ છે. પરંતુ ગત થોડા દિવસોથી ફક્ત રાત્રે અને શમી સવારે જ આંશિક ઠંડીનો અહેસાસ થતો હતો અને બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી શિયાળાએ પોતાની ગતિ પકડી લીધી છે. એકદમ ગુલાબી ઠંડી શરુ થઇ ગઈ છે અને લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરતા દેખાયા છે. શાકભાજીની બઝારમાં એકદમ તાજા શાકભાજી આવી ગયા છે. તેમજ ચા ની હોટલો ગરમ ગરમ ફુદીનાવાળી ચા બનાવી લોકોને તરોતાજા કરી રહી છે. ભજીયાની દુકાનોએ મેથીની ભાજીના ભજીયા ના ગોટા મુકાઈ ગયા છે. એન.આર.આઈ. ભાઈઓ અને વડીલો એ ધીમે ધીમે વતનની રાહ પકડી લીધી છે. અને પ્રાપ્ત માહિતી અનુસાર આવતા ડિસેમ્બર માસમાં અઢળક શાદીઓ પણ યોજાનાર છે. તો એન.આર.આઈ. ભાઈઓ આપનું આપના માદરે વતન સ્વાગત છે. તો તમામ એન.આર.આઈ. ભાઈઓ બહેનોને જણાવીએ છીએ કે…….. “પધારો મારા ટંકારીઆ”

આજે ૧૦૮ ગ્રુપના નવયુવાનો દ્વારા સમગ્ર ટંકારીઆ ગામ માટે ૧૧મી શરીફની સામુહિક ન્યાઝ નો પ્રોગ્રામ દારુલ ઉલુમ કોમ્મ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો હતો. જે એકદમ શાંતિપૂર્ણ તથા શિષ્ટ સાથે સંપન્ન થયો હતો. સમગ્ર ૧૦૮ ગ્રુપના નવયુવાનોએ ખડે પગે રહી જેઓને જે પ્રમાણે કામ ની વહેંચણી કરી હતી તે પ્રમાણે અંત સુધી પોતાના કામને વળગી રહી આ એક મોટા પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. અને તેઓના કામની પ્રસંશા જેટલી કરીએ એટલી ઓછી છે. ઉત્સાહભેર નવયુવાનો ગામ તથા પરગામથી ન્યાઝ આરોગવા આવતા મહેમાનોનું સ્વાગત કરી તેમને વ્યવસ્થિત રીતે જમવા બેસાડી જમાડ્યા હતા. એક વાત અત્રે જણાવવી જરૂરી છે કે, આજ પ્રમાણે એકતા સાથે કોઈ પણ મહામોટું કામ ઉપાડો તો કોઈ પણ કામ અશક્ય નથી તે સાબિત કરી દીધું છે. અને છેક છેલ્લે એટલેકે પ્રોગ્રામ ના અંત માં જ આ ગ્રુપે ન્યાઝ આરોગી હતી. સલામ છે આ નવયુવાનોને. અલ્લાહ પાક એમને આજ પ્રમાણે એકતા સાથે બીજા ગામના સામાજિક કર્યો કરવાની શક્તિ આપે.
તદુપરાંત ૧૦૮ ગ્રુપના નવયુવાનોએ કે જેઓએ આ ન્યાઝ માટે પોતાની રકમ આપી હતી તે સૌનો આભાર વ્યક્ત કરતા ગદગદિત થઇ ગયા હતા. અને આજ પ્રમાણે આવતા ગુરુવારે ૧૭/૧૧/૨૨ ના રોજ પણ દારુલ ઉલુમ કમિટી તરફથી ૧૧ મી શરીફની ન્યાજ નું આયોજન કરવામાં આવ્યું છે.