1 2 3 5

સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સમગ્ર ગુજરાત માં હીટવેવ વ્યાપી ગયો છે. તથા હવામાન ખાતાએ પણ આગામી ૩ થી ૪ દિવસ સુધી હિટવેવની ચેતવણી આપી છે અને નાગરિકોને કામ વગર બહાર નહિ નીકળવાની અપીલ પણ જાહેર કરી છે. ટંકારીઆ ગામ પણ આ હીટવેવથી બાકાત રહ્યું નથી. રમઝાન શરીફનો પવિત્ર માસ તેના અંતિમ તબક્કામાં છે અને ગરમીનો પ્રકોપ વધતા રોજદારોને ગરમીનો અહેસાસ વધારે થઇ રહ્યો છે અને લોકો આકુળ વ્યાકુળ થઇ જવા પામ્યા છે. લોકો બપોરે બહાર નીકળવાનું લગભગ તાળી રહ્યા છે. લોકોને વિશેષ સાવધાની રાખવાની સલાહ પણ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહી છે. સરકારે આ કાળઝાળ ગરમીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી, શરબત નું સેવન કરવાની સૂચનાઓ જાહેર કરી છે તેમજ ઉનાળાને અનુરૂપ સુતરાઉ કપડાં પહેરવા પણ જણાવ્યું છે.

ગત રોજ ૨૭ મી તરાવીહ [લયલતુલ કદ્ર] હતી અને કુરાન શરીફ તરાવીહ માં પઢવાનું પરિપૂર્ણ થયું. ત્યાર બાદ વિવિધ મસ્જિદોમાં માંહે રમઝાન અલવિદા તરાના પણ પઢવામાં આવ્યું હતું. વિવિધ મસ્જિદોમાં માનવજાતની ભળાઈઓ માટે ખુસુસુન દુઆ ઓ કરવામાં આવી હતી અને બિરાદરોએ રાત્રી જાગરણ કરી મસ્જિદોમાં નમાજ, ઝીકરો અસગાર, કુરાન શરીફ નું પઠન કરી અલ્લાહની નજ્દીકતા હાંસલ કરવાની કોશિશ કરી હતી.

રમઝાન માસ ને પૂર્ણ થવાને ગણતરીના દિવસો રહી ગયા છે અને તમામ લોકો ઈદ ઉલ ફિત્ર ની તૈયારીઓમાં લાગી ગયા છે. તો નવયુવાનો ઈદ ની નમાજ અદા કરવા માટે ઈદગાહની સાફસફાઈ કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે. આપણા ગામના નવયુવાનો તરાવીહ ની નમાજ બાદ ઈદગાહમાં ભેગા થઇ સાફસફાઈ / ધોવાની પ્રવૃત્તિ કરતા નજરે પડ્યા છે. અલ્લાહ આ નવયુવાનોની ખિદમત કબુલ કરી તેનો બદલો બંને જહાંનોમાં આપે.

1 2 3 5