Heart Warming Tribune to Late Ghulambhai Ghodiwala “Bachuro” “દર્દ ટંકારવી” ની દર્દભરી શ્રદ્ધાંજલિ


(જરૂરથી વાંચશો,અલગ જ વ્યક્તિત્વની સાવ નોખી વાતો છે)                        

                                 😪 બચુરો 😪
             નામ ગુલામ ઈબ્રાહીમ ઘોડીવાલા જેને આખુ ગામ “બચુરો”ના હુલામણાં નામથી જ ઓળખે.બીજુ એક નામ હતું “મોટાનો ગુલમ”.આજે આ વ્યક્તિએ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. 
           માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં આ માણસની ખાનદાનિયત એની ચરમસીમાએ હતી.આજે આ અસામાન્ય વ્યક્તિની અસામાન્ય વાતો,જે હું અને આખું ગામ સારી રીતે જાણે છે, એ આપ સહુ સાથે સહભાગવી છે.  બચુરો એટલે સાવ સીધો-સાદો,ભોળો,પ્રમાણિક,વ્યવહારુ,નમાજી,દયાવાન…. અને આ સિવાય પણ ઘણાં બધા ગુણોનો માલિક.એ ઉંમરના દરેક દાયકામાં બચપણને જીવ્યો છે.ગામનાં બાળકો,જુવાનિયા,ઘરડાં આમ તમામ વયસમુહનાં લોકો એની મજાક કરે.મોજમાં હોય તો એ પણ ટીખળનો દરિયો વહેતો મુકી દે,અને જે તે સ્થળે હાજર ગામજનો હાસ્યનો સાવ સાત્વિક પ્રસાદ મેળવી હળવાશ અનુભવે.એનાથી વિપરીત જો બચુરાનું મૂડ ઠેકાણે ન હોય તો ન ધારેલી અને ન સાંભળેલી ગાળોનો વરસાદ વરસે,કોઈ પણ વસ્તુ હાથે ચડે એના છુટ્ટા ઘા કરે.આવા સ્હેજ ભયાનક દ્રશ્યો પણ રમૂજ પિરસે.આ તો થઇ થોડી આમ વાતો.હવે મારા પિતરાઈ(હું એને કાયમ પિતરાઈ કહીને જ બોલવું)ની કેટલીક ખાસ વાતો કહું. 
       (1) ગામમાં કોઈનું પણ મોત થાય ચાહે એ ગમે તે ધર્મ કે જાતિનો હોય મારો પિતરાઈ તરત જે તે ઘરે પહોંચી જાય.અતિ લાગણીશીલ થઇ મૃતકના પરિવારજનો સાથે રડી-રડીને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરે કરે અને કરે જ.કોઇ પણ ઋતુમાં ગમે તે સમયે દફનવિધિ હોય પિતરાઈની હાજરી અચુક હોય.એક સમય એવો હતો કે પિતરાઈ પાદર કે બજારમાં ન દેખાય તો લોકો વાતો કરે કે “બચુરો નથી દેખાતો ચોક્કસ કોઈકને ત્યાં મોત થયું હશે”.મિત્રો,વિચારો માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ આ અસામાન્ય વ્યક્તિમાં કેટલા ઉંચા ગજાની નિસ્વાર્થ વ્યવહારિકતા હતી!!!મોતનો અદ્વિતીય મલાજો કરનાર આવું ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર માણસ એટલે મારો પિતરાઇ “બચુરો”.😪😪

(2) પિતરાઈ આખો દિવસ અને રાત ગામનાં પાદરમાં જ હોય. (આ માટેનું કારણ પણ રમૂજભર્યું છે.)ટંકારીઆ એટલે આસપાસના ગામો માટેનું સેન્ટર. એટલે ગામમાં એસ.ટી.બસો,રીક્ષા,જીપ જેવા ખાનગી વાહનો ભરાઈ ભરાઈને લોકોનું આવન-જાવન ચાલુ જ રહે.કોઈ પણ વાહનમાંથી જો કોઈ પ્રૌઢ વ્યક્તિ પોતાના સામાન સાથે ઉતરે તો પિતરાઈ એ વ્યક્તિ તરફ રીતસર ધસી જાય અને કોના ઘરે જવું છે એવું પૂછવાનું પૂરું કરે એ પહેલાં તો મુસાફરનો સામાન  પિતરાઈના હાથની શોભા બની ગયો હોય!!અને પછી મહેમાનને જે તે ઘરે મુકી આવે.આ રીતે એ ઘરડા વ્યક્તિનો ભાર હળવો કરી દે.આવો સેવાભાવી અને પરગજુ માણસ હતો મારો પિતરાઈ “બચુરો”.😪😪
       આ ઉત્કૃષ્ટ કાર્ય માટેની ‘કિક’ હતી એનો ચ્હા પ્રેમ😊.મહેમાનને યજમાનના ઘરે પહોંચાડ્યા પછી ચ્હા પીવાની ક્રિયા પૂર્ણ કર્યા વગર આંગણું ન છોડે.એને કોઈએ ખિજવ્યો હોય અને એ ખરેખરો ગરમ થયો હોય ત્યારે જો ચ્હા પીરસી દેવામાં આવે તો ક્ષણમાં એનો ગુસ્સો ગાયબ.કેટલાક લોકોએ એના ચ્હા પ્રેમને પોતાનું કામ કરાવવા માટેનું હથિયાર પણ બનાવેલું.એક કપ ચ્હાના બદલામાં આવા લોકો પોતાના કામો પિતરાઈ પાસે કરાવી લે.આપણાં સૌના મિત્રો એવા Mehul Patel અને Girish Trada  જેવા મિત્રોનો ચ્હા પ્રેમ બચુરાના ચ્હા પ્રેમ સામે એક ટકો ય ન લાગે હોં.  

(3) ઈશ્વરે અનેક વરદાનથી આપણને નવાજ્યા છે,સુખી જીવન જીવવાના દરેક સાધનો આપ્યા છે છતાં પણ મારી જેવા અનેક લોકો અલ્લાહની સામે ઝુકતા નથી.એનાથી ઉલટું બચુરાની દિનચર્યામાં જોવા મળે.એને નમાજ પઢતાં સ્હેજ પણ ન આવડે છતાં પણ એ દિવસમાં પાંચ વખત અલ્લાહની બારગાહમાં સજદારેજ થવા હાજર થાય.કંઇક પણ ન હોવા છતાં એ અલ્લાહને ભૂલ્યો નહીં.બુધ્ધિવાન લોકોને ધાર્મિકતા વિશેનું પ્રાયોગિક જ્ઞાન એ સતત પીરસતો રહ્યો.હરેક પરિસ્થિતિમાં કુદરત સામે નતમસ્તક થવાનો અને ખુદાનો શુકર માનવાનો બોધ એ અમને સૌને આપી ગયો.હર હાલમાં ખુદાની રજામંદીમાં રાજી રહેનાર હતો મારો પિતરાઇ “બચુરો”.😊
             આવી તો ઘણી બધી વાતો છે.લખવા બેસીએ તો આખું પુસ્તક લખાય.આજે એના જવાથી ગામનું પાદર અને બજાર પણ શોકમગ્ન જોવા મળ્યું.ટંકારીઆએ એક મસ્ત મૌલા માણસ ગુમાવી દીધો.હું ડંકાની ચોટ પણ કહું છું કે કયામત સુધી બચુરાની ખોટ નહીં પુરાય.ગુલામનું બચુરાપણું અને સાવ નોખા લહેકાથી બોલવાનું સદા માટે લોકોની યાદોમાં અને વાતોમાં ગુંજતા રહેશે.આપણે દુઆ કરીએ કે અલ્લાહ એની મગફિરત ફરમાવે,જન્નતમાં આલા મુકામ અતા કરે એવી અશ્રુભીની દુઆ સાથે સમગ્ર ટંકારીઆ ગામવતી શ્રધ્ધાંજલિ અર્પું છું. 

                                                 😪 દર્દ ટંકારવી 😪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*