“એક તારીખ, એક ઘંટા, એક સાથ” અભિયાન અંતર્ગત ટંકારીઆ ગ્રામ પંચાયત અને આંગણવાડી-૪ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયતથી માંડી ગામના મુખ્ય રસ્તા, પી.એચ.સી. સેન્ટર, સબ સેન્ટર, કુમારશાળા, કન્યાશાળા ઉપરાંત આંગણવાડી ૧ થી ૭ સેન્ટરની આસપાસના વિસ્તાર તથા કોમ્યુનિટી હોલની આસપાસ સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકા સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, તલાટી કમ મંત્રી ઘનશ્યામભાઈ તથા કુમારશાળા ટંકારીયાના માજી આચાર્ય મહેબૂબ જેટ, આંગણવાડીનો સ્ટાફ, આશાવર્કરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ અભિયાન સાથે સ્વચ્છતા પખવાડિયા તહેવારની ઉજવણીના ભાગ રૂપે સામુહિક રીતે એકતા અને દ્રઢતાનું કાર્ય હાથ ધર્યું હતું.
કાર્યક્રમના અંતે માજી સરપંચ ઝાકીરભાઈએ સ્વચ્છતાના મૂલ્યો અને લાભો વિશે સુંદર માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયત પાસે સાફસફાઈના જે કઈ સાધનો કાર્યરત છે તેનો તમામ ગ્રામવાસીઓએ લાભ લેવા વિનંતી કરી હતી.