સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેળવવી એ દરેક ખેલાડીઓની ફરજ છે. : અઝીઝ ટંકારવી.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજેરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવનિર્મિત ડ્રેસિંગ રૂમની ઉદ્ઘાટન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડ્રેસિંગ રૂમ ના નિર્માણમાં યુ.કે. સ્થિત મૂળ વોરાસમની ગામના સાજીદભાઈ કોન્ટ્રાક્ટરે સંપૂર્ણ ફાળો આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામવાસીઓએ હાજર મહેમાનોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા મહાનુભાવોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીર ઉમતાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, તેમણે આ પ્રસંગે સાજીદભાઈ કોન્ટ્રાક્ટરનો તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોતરફ ગામના લોકો માટે લાઈટના કુલ ચાર મોટા હાઈ હિલ ટાવરો ઉભા કરવાની પ્રકિયા ટૂંકમાં શરુ કરવાની જાહેરાત કરી હતી. તે બાદ ટંકારીઆ ગામના પનોતા પુત્ર સાહિત્યકાર અને “ગુજરાત ટુડે” દૈનિકના સંપાદક અઝીઝ ટંકારવી સાહેબે દરેક ખેલાડીઓને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેળવવાની સલાહ આપતા જણાવ્યું હતું કે, દરેક રમતો જેવીકે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી ની ટુર્નામેન્ટો યોજી શિક્ષણ ની સાથે સાથે યુવાનોને વિવિધ રમત ગમત ક્ષેત્રે આગળ આવવા અપીલ કરી હતી. બાદમાં સમારંભના મુખ્ય મહેમાન અને દાનવીર સાજીદભાઈ કોન્ટ્રાક્ટરે દરેક રમતોમાં શિષ્ટતા આગવું સ્થાન ધરાવે છે તેના પર ભાર મૂકી શિષ્ટતા જાળવવા ની અપીલ કરી કહ્યું હતુંકે હવે પછી પણ ભવિષ્યમાં કશી પણ જરૂર પડશે તો તેઓ હંમેશા મદદ માટે અગ્રેસર રહેશે. ત્યાર બાદ ઇકબાલ ધોરીવાલાએ ગામના તથા સમાજના વિકાસના કામોની વાત કરી હતી. સમગ્ર સમાજે એકસંપ થઇ સમાજઉપયોગી કામો કરવાની સલાહ આપી હતી. તેઓ તેમના વક્તવ્યમાં ભાવવિભોર થઇ ગયા હતા. તેમજ તેમને હવે પછી ભવિષ્યની યોજનાઓનો વિસ્તૃત ચિતાર રજુ કર્યો હતો. બાદમાં કેનેડાથી પધારેલા ઐયુબભાઈ મીયાંજી અને ગામના વડીલ એવા યાકુબભાઇ દાઢીમુંડા એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સાજીદભાઈ કોન્ટ્રાક્ટર તથા તેમના પિતા ઇબ્રાહીમભાઇ ઉપરાંત કેનેડાથી પધારેલા અય્યુબભાઇ મીયાંજી, ઇંગ્લેન્ડ થી પધારેલા ઈકબાલ ધોરીવાલા, યુસુફભાઈ બાપુજી, ઇલ્યાસ ધીરીવાળા, જાવિદ દૌલા, તથા સાહિત્યકાર અઝીઝ ટંકારવી, રતિલાલ પરમાર, યાકુબભાઇ દાઢીમુંડા, સરપંચ ઝાકીર ઉમતા, વોરા સમની ગામના સરપંચ ઝાકીરભાઈ ખાનસાબ, ઇકબાલભાઇ કોન્ટ્રાક્ટર, સામાજિક કાર્યકર મુસ્તુફા ખોડા તેમજ ગામ આગેવાનો, ક્રિકેટ પ્રેમીઓ તથા ગામ વાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ત્યારબાદ સાજીદભાઈ અને તેમના પિતા ઈબ્રાહીમભાઈએ રીબીન કાપી ડ્રેસિંગ રૂમનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ આભારવિધિ કરી કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારીઆ ગામના વતની અને સામાજિક કાર્યકર અબ્દુલ્લાહભાઈ કામઠી એ સફળતાપૂર્વક કર્યું હતું.