ગામ પંચાયત ટંકારીઆમાં એન.આર.આઈ. ભાઈઓનો સન્માન સમારંભ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પંચાયત ભવનમાં વિદેશથી પધારેલા ટંકારીઆ ગામના એન.આર.આઈ. ભાઈઓનો સન્માન  સમારંભ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત હાફેઝ મુસ્તુફા બોખા દ્વારા કુરાનના પઠનથી કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકા સ્થિત સફળ બિઝનેસમેન કે જેમના હૃદયમાં ટંકારીઆ ગામની ફિકરો હર હંમેશ વસેલી છે અને જેમના કુટુંબની  સેવાઓ છેલ્લા સાત દાયકાઓથી ટંકારીઆ ગામને અવિરત મળતી રહી છે એવા હાજી આદમ લાલી સાહેબના પ્રમુખ સ્થાને  યોજવામાં આવી હતી. તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલરે સ્વાગત પ્રવચન કરી તમામ એન.આર.આઈ. ભાઈઓને આવકાર્યા હતા.

પ્રસંગને અનુલક્ષીને અઝીઝ ટંકારવી સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પ્રગતિના કામો કરવામાં હવે મોડું કરવાની જરૂર નથી. તેમણે તેમનો ટંકારીઆ પ્રત્યેનો આગવો શેર ” સોઉંના ચહેરે ખુશીની છાલક છે, અઝીઝ આ તારું ગામ લાગે છે ” રજુ કર્યો હતો. ત્યાર બાદ ૧૯૪૬ માં ગામ ટંકારીઆ માં જન્મેલ આદમભાઇ લાલી સાહેબે પ્રમુખ સ્થાનેથી હૃદયસ્પર્શી પ્રવચનમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ આફ્રિકા ગયા પછી ૧૯૬૮માં એમના માવતર સાથે પ્રથમવાર ગામ ટંકારીઆ આવેલા ત્યારે તેમના ૬ માસના રોકાણ દરમ્યાન ટંકારીઆ ગામના લોકોની ગરીબી, કાદવ-માટી વાળા રસ્તાઓ તથા પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમના દિલને સ્પર્શી ગયા હતા. ત્યાર બાદ તેમને દિલમાં ઉતરી ગયેલી આ વાતથી મનોમન નક્કી કર્યું હતું કે, આપણે ગામ માટે કંઈક કરી છૂટવું છે. તેમણે અને તેમની ફેમિલીએ ગામ પ્રત્યે મોટું યોગદાન આપી વિકાસના કાર્યો કર્યા હતા. આદમ સાહેબે ટંકારીઆ ગામની પ્રગતિના સોપાનો સર કરવા ગામલોકોને ખભે થી ખભા મિલાવી કામ કરવા આહવાન કર્યું હતું. ત્યારબાદ યુ.કે. થી પધારેલા હરહંમેશ ગામની ફિકર રાખતા ઈકબાલ ધોરીવાળાએ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગામની પ્રગતિ ગામના લોકોની અરસપરસની મહોબ્બતને કારણે થઇ છે આ મહોબ્બ્તને સર્જનાત્મક કાર્યોમાં કઈ રીતે તબદીલ કરવી તેની વિચારણા કરવાનો આ સમય છે. ત્યારબાદ યુ.કે. થી પધારેલા મુસ્તાક બંગલાવાલાએ તેમની આગવી શૈલીમાં  ગામની સુંદરતા વધે તે માટે ગામને સાફસફાઈ પ્રત્યે પૂરતું ધ્યાન આપવા ખાસ તાકીદ કરી હતી.

ત્યાર બાદ ગામના નવયુવાન સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ ગામના વિકાસમાં એન.આર.આઈ. ભાઈઓ તથા ગામના લોકો સાથ સહકાર આપી ગામને પ્રગતિના પંથે બિરાજમાન કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કેટલાક ગામના પ્રોજેક્ટોનું સૂચન પણ કર્યું હતું. આ પ્રસંગે જનાબ હાજી આદમભાઇ લાલીએ ટંકારીઆ ગામમાં મય્યત માટેનું ગુસલખાનું પોતાના ખર્ચે બનાવી આપવાની જાહેરાત કરી હતી.

કાર્યક્રમમાં વિદેશથી પધારેલા આદમભાઇ લાલી સાહેબ ઉપરાંત ઈકબાલ ધોરીવાળા, મુસ્તાક બંગલાવાળાયુસુફભાઇ બાપુજી, યાકુબ હીરા, અફરોઝ ખાંધિયા, ફારૂક ઘંટીવાળા, ઇકબાલ ઈસપ ધોરીવાળા, મુસ્તાક દેવરામ, ઝાકીર ગોદર, ઉસ્માન હીરા બરકાલવાળા, ઇસ્માઇલ માલજી, આસિફ બટલી, મુસ્તુફા હાફેઝ બોખા, ઈરફાન ગોપાળજી, સુહેલ ગોરધન તથા ગામ આગેવાનો જેવા કે યુનુસ ખાંધિયા, પંચાયતના સભ્યો, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર  વિગેરે હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાસીરભાઈ લોટીયાએ કર્યું હતું. અને અંતમાં આભારવિધિ સરપંચ ઝાકીર ઉમતાએ કરી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*