ટંકારીઆ પંથક સહીત સમગ્ર ભરૂચ જિલ્લો હીટવેવ ની ઝપટમાં
છેલ્લા બે દિવસથી પડતી અસહ્ય ગરમીને પગલે હિટવેવની ઝપટમાં ટંકારીઆ પંથક સહીત સમગ્ર ભરૂચ જિલ્લો અસહ્ય ગરમીમાં શેકાયા હતા. જેને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ સુધી હિટવેવની અસર ચાલુ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. એપ્રિલ માસમાં ગરમીનો પારો આટલો અકિલા પર પહોંચ્યો હોય તેવી ઘટના ૧૭ વર્ષ પછી સામે આવતા રેકોર્ડ તૂટ્યો છે. સૂરજદાદા સવારથી જ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને સવારથીજ પારો ૩૮ ડિગ્રી સેલ્સિયશ થી શરુ થાય છે અને બપોર થતા પારો ૪૪ પર પહોંચી જાય છે. જેમ જેમ ગરમીનો પારો ઊંચો જાય તેમ તેમ સામાન્ય નાગરિકો સહીત મૂંગા પશુ – પક્ષીઓ પણ આ ચામડાફાડ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટંકારીઆ ટાઉનમાં આજે પણ માથું ફાડી નાખે તેવી ગરમી વર્તાતી હોય બપોરના સમયે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળતા હતા. આકાશમાંથી અગનગોળો વરસતો હોય તેમ ટંકારીઆ નગરના માર્ગો પણ બપોરે સુમસામ ભાસતા નજરે પડે છે. ના છૂટકે બહાર નીકળવું પડે તો શરીરના અંગો ઢાંકીને ગામલોકો નીકળતા જોવા મળ્યા હતા. આ ગરમીથી બચવા વિવિધ કીમિયા જેવા કે છાશ, લીંબુ શરબત જેવા પ્રવાહી પીણાં નો મારો ચલાવી ગરમીથી બચવાના પ્રયત્નો આદર્યા હતા.
Leave a Reply