શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના નું ઉદ્ઘાટન કરાયું

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના નો ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો. સદર દવાખાનું તમામ તબક્કાના લોકો માટે નાતજાત ના ભેદભાવ વગર રાહતદરે દર્દીઓની સારવાર કરશે. હાલના મોંઘવારીના યુગમાં મેડિકલ સ્ટોર પર મળતી દવાઓ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને મોંઘી પડી રહી હોય એ લોકો માટે સિફા દવાખાના માં ઉપલબ્ધ દવાઓ રાહતરૂપ પૂરવાર થશે.
આજરોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના નો ઉદ્ઘાટન સમારંભ સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને યોજાયો હતો જેમાં શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આ દવાખાના નો ઉદ્દેશ અને હેતુ ની સવિસ્તાર માહિતી ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી દ્વારા આપવામાં આવી હતી. આ સમારંભમાં ગામ તથા પરગામથી મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં ટંકારીઆ જામે મસ્જિદના પેશ ઇમામ અબ્દુલરઝાક અશરફી, પાટણવાળા બાવાસાહેબ, વડોદરાથી ઓલ ગૂજરાત ટ્રસ્ટ નિગરા સય્યદ મુઝફ્ફરહુસેન, સલીમ હાફેઝી વાંતરસાવાળા તથા અબ્દુલ્લાહ કામથી, રતિલાલભાઈ પરમાર, શબ્બીર હાજી વાઝા વ્હાલુવાળા તથા હશનભાઈ તેમજ ગામના તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર , ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, ઉમતા ઝાકીર, યાસીન શંભુ, શનાભાઈ વસાવા તથા ગામના નવયુવાનો અને વડીલોએ હાજરી આપી હતી. અંતમાં સય્યદ મુઝફ્ફરહુસેન અને પાટણવાળા બાવાસાહેબના હસ્તે રીબીન કાપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારંભનું સંચાલન ઈદ્રીશભાઈ કબીર સાહેબ ઉર્ફે “દર્દ ટંકારવી” એ કર્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ સભ્યોએ ખડે પગે રહી સમારંભને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*