તારીખ – 19/11/2025 ને બુધવારના રોજ શુકલતીર્થ મુકામે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય ગયું.જેમાં સમગ્ર ભરૂચ તાલુકામાંથી ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ કૃતિઓ સાથે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા.

ક્લસ્ટર કક્ષાએ વિભાગ-1 અને વિભાગ-2 માં ટંકારીઆ કુમાર શાળાની કૃતિઓ વિજેતા થયેલ હતી.આ બંને કૃતિઓ સાથે આપણા સૌની પ્યારી શાળાના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ પણ હાજર રહ્યા હતા. અલ્હમદુલિલ્લાહ આપ તમામની દુઆઓ અને વિદ્યાર્થીઓની મહેનત અને જોરદાર રજૂઆતના કારણે વિભાગ -2 (કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો) માં ટંકારીઆ કુમાર શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થયેલ છે.આ ઉપરાંત વિભાગ – ૧ માં મુકવામાં આવેલ કૃતિ બીજા ક્રમાંકે વિજેતા થયેલ છે.જે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.આ માટે વિજેતા કૃતિના બાળવૈજ્ઞાનિકો નામે અહમદ સઈદ ભોલા અને સહલ જુનેદ અમેરિકનને અને વિભાગ -૨ માં દ્વિતીય ક્રમાંક મેળવનાર બળવૈજ્ઞાનિકો નામે રીજવાન સરફરાઝ બળિયા અને મહંમદ એઝાઝ દેડકાને તથા માર્ગદર્શક શિક્ષકશ્રી શબ્બીરસાહેબ પટેલ તથા રફીક સાહેબ અભલીને સમગ્ર શાળા પરિવાર અને સમગ્ર ટંકારીઆ ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે.

અલ્લાહથી દુઆ છે કે ટંકારીઆ કુમાર શાળા દરેક ક્ષેત્રે આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગામનું નામ રોશન કરે એવી દિલી દુઆ છે.

હાલમાં ભારતના ૧૨ રાજ્યોમાં એસ.આઈ.આર. ની કામગીરી ચાલી રહી છે. એસ.આઈ.આર. અંતર્ગત ગણતરી ફોર્મ ભરવા માટે લોકો જાગૃત થાય અને જાગૃત નાગરિક તરીકે ભવિષ્યમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે એક માર્ગદર્શન મિટિંગ ટંકારીઆના દારુલ ઉલુમ હોલમાં યોજાઈ હતી. આ માર્ગદર્શન મિટિંગમાં ગામના બી.એલ.ઓ. અને ઉસ્માન સુતરીયાએ હાજર રહેલા ભાઈ બહેનોને ગણતરી  ફોર્મ કેવી રીતે ભરવું તે માટેની વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકા મામલતદાર મિસ્ત્રી મેડમ, તથા ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી અને ૧૫૧-વાગરા મતવિસ્તારના ચૂંટણી નિરીક્ષક ગામીત સાહેબે ખાસ હાજર રહી ખુબ ઉપયોગી માહિતી હાજરજનોને આપી જાગૃત નાગરિક તરીકે પોતે અને પોતાના કુટુંબીજનો તથા સગા સંબંધીઓને આ ફોર્મ વહેલી તકે ભરવા તાકીદ કરી હતી. ત્યારબાદ બી.એલ.ઓ. અને અન્ય હાજરજનોના પ્રશ્નોના સચોટ જવાબો ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપી મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ગામના સરપંચ, ઉપસરપંચની આગેવાનીમાં જાગૃત આગેવાનો દ્વારા ગામમાં એસ.આઈ.આર. સંબંધિત ચાલી રહેલ જાગૃતિ અભિયાન અને માર્ગદર્શન કાર્યક્રમ અંગે સંતોષ વ્યક્ત કરી ભરપૂર પ્રસંશા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓએ  ગામે-ગામ બધાના સહયોગ સાથે આ પ્રમાણેની કાર્યવાહી થાય તેવી હાકલ કરી હતી.

આ પ્રસંગે ડે. સરપંચ સફ્વાન ભુતા, માજી સરપંચ ઝાકીર ઉમતા, એસ.આઈ.આર. અંતર્ગત સેક્ટર ઓફિસર તરીકેની ફરજ બજાવનાર ઉસ્માન સુતરીયા, ઇલ્યાસ દેગમાસ્ટર, સાબિર લાલન, સઈદસાહેબ બાપુજી, નાસીરહુસૈન લોટીયા, પત્રકાર મુસ્તાક દૌલા, ગણપતિ યુનુસ તથા ગામના આગેવાનો અને નવયુવાનોએ હાજર રહી પધારેલા અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરી કેટલીક રજૂઆતો કરી હતી, જેનો અધિકારીઓએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.