1 4 5 6

આજરોજ શનિવારે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલ ટંકારીઆમાં વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનનો  વર્ષ  ૨૦૨૫-૨૬ માટેનો સ્કોલરશીપ લોન્ચિંગ કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ WBVF સ્કોલરશીપ એપની ઊંડાણપૂર્વકની માહિતી ડો. મહમ્મદ જલેબીયાએ હાજર રહેલા કો-ઓર્ડીનેટરોને આપી હતી. સંસ્થાની શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. ઇસ્માઇલભાઈ પટેલે સંસ્થાની સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી. તેમણે સમાજના  હકદાર વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ લેવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાને સલાહ સૂચનો કર્યા હતા.

ત્યારબાદ સંસ્થાના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાશીર પટેલે પોતાના આગવા અંદાજમાં હાજરજનોને સંબોધિત કર્યા હતા. તેમણે સંસ્થાની માહિતી હાજરજનોને પ્રદાન કરી હતી. બાદમાં ટંકારીઆ ગામમાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ WBVF દ્વારા આયોજિત  “સફરે ઇત્તેહાદ” કાર્યક્રમને સફળ બનાવવા માટે  ટંકારીઆ ગામના ૭૦ જેટલા યુવાનોને સન્માનપત્રો (Certificate of Appreciation) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ યુસુફભાઇ જેટ દ્વારા કરવામાં આવી હતી; તેમણે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલના પ્રમુખ ઇશાક માસ્તર અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ રૂરલ 1 (BR1) બ્લોકના ૨૯ ગામો અને આમોદ બ્લોકના ૬ ગામોના ૮૫ ગામ સંયોજકો પૈકી મોટાભાગના ગામ સંયોજકો તથા ભરૂચ રૂરલ 1 ના બ્લોક સંયોજક યુસુફભાઈ જેટ ઉપરાંત લાલા સાહેબ, મુસ્તાક સાપા, તલ્હા પટેલ, અઝીઝ ટંકારવી, ટંકારીયાના માજી સરપંચ ઝાકીર ઉમતા , નાસીર લોટીયા, સઇદ બાપુજી, યુનુસ ખાંધિયા, મોહસિન મઠિયા નિવૃત્ત સબ-રજિસ્ટ્રાર ફારૂકભાઈ, ગુલામ ઇપલી, સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાકમાસ્ટર પટેલ, યાકુબભાઈ બોડા તથા ટંકારીઆ ગામના નવયુવાનો મોટી સંખ્યામાં  હાજર રહ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના નવયુવાન મેનેજર મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું.

1 4 5 6