ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગત રાત્રિને સુમારે પારખેત રોડ પર આવેલ અલીફ પાર્ક સોસાયટી ના છેવાડાના આવેલ ફારૂક ઉમરજી વેવલી તથા ખૈરૂન્નીશા અય્યુબ પટેલ સરનારવાળાઓના બંધ મકાનો ને તસ્કરોએ નિશાન બનાવતા ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે પારખેત તરફ જવાના છેવાડાના ઘરો માં ઘરના લોકો વેકેશનમાં બહાર ગામ ગયા હોવાનો લાભ લઈને તસ્કરો ગત રાત્રીએ ત્રાટક્યા હતા. આ બંને ઘરો ની તિજોરીઓ તોડી નાખી સમાન વેરવિખેર કરી નાખી રોકડ રકમ તથા સોનાની વીંટી લઈને પલાયન થઇ ગયા હતા. ઘર વખરીનો થોડો સમાન તસ્કરો નજીક ના ખેતરોમાં વિરવિખેર કરી છોડી ને ભાગી ગયા હતા. આ બાબતે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારીઆ તથા પંથકમાં  છેલ્લા સાત દિવસથી ગરમીનો પારો ૪૨  ડી.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ ગરમીથી હેરાન-પરેશાન થઈ ગયા છે. આ માસમાં વાદળોની અવર-જવર થતી જોવા મળે છે પરંતુ આ અવરજવર પણ ન થતા ગરમીના પ્રકોપનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. વહેલી સવારના ૭.૦૦ થી ૯.૦૦ સુધી લોકો ઠંડકનો અનુભવ કરે છે પરંતુ લગભગ ૧૦.૦૦ વાગતાની સાથે જ તાપમાનનો પારો ઉંચે ચઢતો હોય છે. બપોરના સુમારે તો ઘર બહાર નીકળવું પણ મુશ્કેલરૃપ બની જાય છે. જેને પગલે  ગ્રામ્ય વિસ્તારના માર્ગો તથા બજારો  બપોરના સુમારે તો સુમસામ ભાસે છે.  અગાઉના વર્ષોમાં આ સમયે વાદળોની અવર-જવરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ, હાલ આવા કોઈ વાદળો ન દેખાતા અસહ્ય ગરમીનો સામનો પ્રજાજનો કરી રહ્યા છે. સાંજ પડતા જ  પવનની અવર-જવરને કારણે થોડોઘણો હાશકારો  લોકો અનુભવતા હતા. પરંતુ બપોરની ગરમીથી હેરાનગતિ વધુ ભોગવવી પડે છે.   દિવસ દરમ્યાન ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. સાંજે ૭.૦૦ કલાક પછી લોકો બજાર, પાદર  તથા મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી ટહેલતા જોવા મળે છે. આ સમય દરમ્યાન ઠંડી ચીજવસ્તુના વેચાણમાં પણ ભારે વધારો નોંધાયો છે. હાલ પડી રહેલી ગરમીને ધ્યાને લઈ વરસાદ વહેલો આવશે તેવી આશા લોકો સેવી  રહ્યા છે. તથા હવે રમઝાન માસને આડે ગણતરીના દિવસો રહ્યા હોય લોકો અલ્લાહ તઆલા પાસે રહેમ ની દુઆઓ કરતા નજરે પડ્યા હતા.

અલ્લાહ તઆલા પાક પવિત્ર રમઝાન માસમાં તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તેની રહમત સાથે રોઝા રાખવાની નેક તૌફીક આપૅ અને તમામ રોજદારોને સબ્રે જમીલ અતા કરે  એજ દુઆ.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આશરે ૮૦૦ ઉપરાંત ટૂલબાઓ ને બુનિયાદી દીની શિક્ષણ આપતા મદ્રસ્સા એ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ નો વાર્ષિક જલસો ગતરોજ રાત્રે મોટા પાદર બસ સ્ટેન્ડ સંકુલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નાના ભૂલકાઓ થી લઈને તમામ દીની શિક્ષણ હાસિલ કરતા છોકરા છોકરીઓએ નાત શરીફ, કુરાન શરીફ ની તિલાવત, મનકબત, તકરીર જેવી વિવિધ કૃતિઓ રજુ કરીને હાજરજનો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ખરેખર આવા નાના ભૂલકાઓ પાસે આવી કૃતિઓ તૈયાર કરાવવી એ પણ હૂફફાઝો માટે એક વિકટ પ્રશ્ન છે અને એ બખૂબી લગનથી હૂફફાઝો એ તૈયાર કરાવી હતી. જે ખરેખર પ્રશંશનીય છે. 
આ સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન ટંકારીઆ ગામના જામે મસ્જિદ ના પેશ ઇમામ ખલીફા એ શૈખુલ ઇસ્લામ હઝરત અલ્લામા કારી અબ્દુલરઝાક અશરફી સાહેબે કર્યું હતું. આ પ્રોગ્રામ માં મદ્રસ્સા એ મુસ્તુફાઇય્યાહ ના હૂફફાઝો તથા ટૂલબાઓના માતા પિતા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.