સમગ્ર રાજ્યમાં લાબું ઉનાળુ વેકેશન પૂરું થતા ૮મી જૂનથી રાજ્યભરની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા ૩૫ દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરા ને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો ઉત્સાહભેર પ્રારંભ થઇ ચુક્યો છે. શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે ટંકારીઆની વિવિધ શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓનું શાળાઓમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના સહાઘ્યાયીઓને તથા શિક્ષકોને મળવાનો અનોખો આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સામાન્ય રીતે નાના નાના બાળકો સ્કૂલમાં જવા માટે રડતા રડતા જતા જોયા છે પરંતુ આ વખતે તો ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાને બદલે હસતા હસતા શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. આમ શાળાઓમાં નવા સત્રના શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે.