ટંકારીઆમાં આર.એ.એફ.ની ટીમે ગ્રામજનો સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો.
અમદાવાદથી આવેલી આર.એ.એફ. (રેપિડ એક્શન ફોર્સ)ની એક પ્લાટૂન ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામમાં પરિચય કવાયત માટે પધારી હતી.
ડી.વાય.એસ.પી. ઉજ્જવલકુમાર તિવારી અને બલબીર મીણાના નેતૃત્વમાં આવેલી આ ટીમનો મુખ્ય હેતુ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિક પરિસ્થિતિની માહિતી મેળવવાનો, વરિષ્ઠ નાગરિકો-સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકાય તેવા સુધારા શોધવાનો હતો.
સૌ પ્રથમ રેપિડ એક્શન ફોર્સની ટીમ અને પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા સ્ટાફે ગામમાં માર્ચ પાસ કરીને લોકોનું અભિવાદન કર્યું. ત્યારબાદ દારુલ ઉલુમના હોલમાં યોજાયેલી સભામાં મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને ટીમનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ઉજ્જવલકુમાર તિવારીએ ગ્રામજનોને સંદેશ આપતાં કહ્યું,
“કોઈ પણ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ ન જાઓ. શાંતિ જાળવીને સ્થાનિક પોલીસનો સાથ આપો અને તેમને સહકાર આપો – આ જ અમારી સૌથી મોટી તાકાત છે.”
પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચૌધરીએ સાયબર ફ્રોડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં જણાવ્યું, “તમારું વેતન કે વ્યવસાયનું બેન્ક ખાતું ઓનલાઈન પેમેન્ટ માટે ક્યારેય ન વાપરો. અલગ એક ખાતું ખોલીને તેમાં જરૂરી જેટલી રકમ જ રાખો – આ એક સરળ ઉપાય તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.”
આ કાર્યક્રમમાં રેપિડ એક્શન ફોર્સની બટાલિયન ઉપરાંત પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી તથા ગામના અનેક મહાનુભાવો, ગામની શાળાના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





TANKARIA WEATHER
Leave a Reply