ટંકારીઆમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગામી પહેલી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ લોકશાહી પર્વને ઉજવવા માટે ટંકારીઆ ગામ તથા આજુબાજુના ગામોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા મતદાન જન જાગૃતિના ભાગ સ્વરૂપે અભિયાન ભરૂચ ના નોડલ અધિકારી દિવ્યેશભાઈ પરમારની અધ્યક્ષતામાં ટંકારીઆ ગામે મોટા પાદરમાં યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નોડલ અધિકારી પરમારે હાજરજનોને હાથ લાંબા કરી દરેક મતદારોને મતદાન કરવા માટે શપથગ્રહણ કરાવી ચૂંટણીની ગરિમા વધારવા માટે આહવાન કર્યું હતું. તેમને તેમના ટૂંકા પ્રવચનમાં ગામ વાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઉમતાએ પણ દરેક ગ્રામ વાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામભાઈએ પણ મતદાનની મહત્વતા સમજાવી દરેકને મતદાન કરવાની હાકલ કરી હતી.
આ મતદાન જન જાગૃતિ કાર્યક્રમમાં ટંકારીઆ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત એમ.એ.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટો સંખ્યામાં જોડાઈને મતદાન કરવા માટેના મોટા મોટા બેનરો લઇ હાજર રહ્યા હતા. અને આ વિદ્યાર્થીઓ ઉપરાંત ગામના નાગરિકો મોટી સંખ્યામાં ગામમાં ગલીએ ગલીએ ફરી બેન્ડવાજા સાથે સૂત્રોચ્ચાર કરી  તમામ ગામવાસીઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં નોડલ અધિકારી ઉપરાંત, ગામના સરપંચ, પંચાયતના વિવિધ વોર્ડના સભ્યો, સામાજિક આગેવાન ઉસ્માન લાલન, ગામના તલાટીશ્રી તથા શાળાના બાળકો, નવયુવાનો, અબાલ વૃદ્ધો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*