અતિભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત
સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. ટંકારીઆ માં પણ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ગામનું તળાવ બંને કાંઠે વહેતુ થઇ જતા તથા પાણીનો પ્રવાહ તળાવની પાળ ઓળંગીને પાદરમાં આવી જતા પાદરમાં પાણી ભરવાની શરૂઆત થઇ ગઈ છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ અતિભારે વરસી રહ્યો છે. તળાવના આ વહેતા પાણીમાં નાના નાના ભૂલકાઓ માછલી પકડવાની મજા માણી રહ્યા છે. પાણી નો પ્રવાહ સતત વધતો જાય છે જેને કારણે પાદરના નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનો તથા મકાનો માં પોતાનો કિંમતી માલ સમાન સુરક્ષિત કરી રહ્યા છે. આવા ઠંડક ભર્યા વાતાવરણમાં ગ્રામજનો પાદરમાં ભેગા થઇ ચા ની ચુસ્કીઓ સાથે સમોસા, ભજીયા તથા કબાબોની મજા માણતા જોવા મળ્યા છે. જોકે એટલું તો કહેવું પડશે કે બીજા સ્થળોના સમાચારો પ્રાપ્ત થયા તે મુજબ આપણે ત્યાં રહેમનો વરસાદ થઇ રહ્યો છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા રહેમ નાઝીલ કરે. સતત વરસી રહેલા વરસાદને પગલે મુજ નાચીજથી આખા ગામમાં ના ફરી શકાયું પરંતુ જેવો વરસાદ ઓછો થશે તેમ આખા ગામનું કવરેજ કરવામાં આવશે. ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીને લીધે કલેક્ટર ભરૂચે તમામને સતર્ક રહેવા અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આવશ્યક સેવાઓના તમામ ડિપાર્ટમેન્ટને, પોલીસ તંત્રને સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું તથા ખડે પગે રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
Leave a Reply