બાઈટ : “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો – ચાલો સૌ સાથે મળી આ જવાબદારી નિભાવીએ!” : નાસીરહુસેન લોટીયા

આજરોજ સૈયદ મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના ઉર્સ નિમિત્તે ટંકારીઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટંકારીઆ ખાતે ટંકારીઆ ગામની સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખશ્રી મુસ્તાકભાઈ બાબરીયા, અઝીઝ ભા, અમીન કદા, ઈલ્યાસ ઝંઘારીયા, ઈરફાન મેલા, ડૉ. શાહિદ સામલી, ટંકારીઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.રાકેશકુમાર , ડૉ. ફરહાના લાંગિયા [આયુષ મેડિકલ ઓફિસર] અને સમગ્ર સ્ટાફ, ટંકારીઆ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંગાભાઇ વસાવા, સભ્યશ્રી મુનાફ જીવા, તાલુકા સભ્ય અબ્દુલભાઈ ટેલર, માજી જિલ્લા પંચાયતના સદસ્ય મકબુલભાઈ અભલી, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા, મુસ્તાક દૌલા, નાસીરહુસેન લોટીયા, અફજલ વસ્તા ઉર્ફે લારા, ફારુક કારી, અયાઝ પટેલ, રૂહાની કિતાબઘરના આરીફ પટેલ, તૌસીફ પટેલ, મુબારક સંચાવાલા, એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઇસ્માઇલ મન્સૂરી, દિલાવર હલાલત, મહેબૂબ ધોરીવાલા અને અન્ય ગામલોકો હાજર રહ્યા હતા.

વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન ઉત્પન્ન કરી પર્યાવરણને શુદ્ધ રાખે છે, વૃક્ષો ફળો આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, પાણીનું સ્તર જાળવી રાખે છે, વૃક્ષો જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે અને મનુષ્યો, પ્રાણીઓ તેમજ પક્ષીઓને આશ્રય પૂરો પાડતા હોવાથી ઘણા ઉપયોગી છે. વૃક્ષોનું વાવેતર, ઉછેર, માવજત અને વૃક્ષોને નુકશાનથી બચાવવા સંબંધિત ધાર્મિક પુસ્તકોમાં પણ અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે.

ભારતમાં માનવ વસ્તી વધી રહી છે જ્યારે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. ભારત જેવા વિશાળ દેશના વિકાસ અને રોજગારી માટે જરૂરી એવું ઓદ્યોગિકરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેગા પ્રોજેક્ટ્સની જરૂરત સંતોષાય એ જરૂરી છે. બીજી તરફ ખેતીની જમીનો, જંગલોમાં ઘટી રહેલી વૃક્ષોની સંખ્યાના કારણે પર્યાવરણ પર વિપરિત અસરો પડી રહી હોવાથી એ અંગે સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે સાથે નાગરિકોએ સહિયારી જવાબદારીઓ નિભાવવી આવશ્યક છે. દેશની પડતર સરકારી જમીનોમાં મોટાપાયે વૃક્ષારોપણ થાય સાથે સાથે દેશવાસીઓ પોતાના ઘર આંગણાની જમીનમાં શક્ય એટલા વૃક્ષો (ઓછામાં ઓછું એક) વાવી જાગૃત નાગરીક હોવાનો પૂરાવો આપે એ આજના સમયની માંગ છે.

સરકાર દ્વારા મીઠા પાણીની મોટી લાઈન નાંખવા માટે મોટા પાયે અડોલના રસ્તાથી લઈને ભરૂચ-પાલેજના મુખ્ય માર્ગને તોડી ખોદકામ કરવામાં આવ્યું હતું. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય આ ખોદકામ કરેલી જગ્યા પર કાદવ, કીચડ અને પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હોય, ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આ માર્ગનું મરામ્મતનું કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

સતત કાળા ડિબાંગ વાદળો અને સૂર્યની સંતાકૂકડીને લઈને વાતાવરણ એકદમ નીરસ થઇ જવા પામ્યું છે. વળી પાછો ભયંકર ઉકળાટ લોકોને વ્યાકુળ કરી દે છે. વાદળો તો છવાયેલા રહે જ છે પરંતુ વરસાદ છૂટક છૂટક પડવાને કારણે બેવડી ઋતુનો અનુભવ પણ થાય છે. જેને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે. દવાખાનાઓ માંદગીના કારણે ઉભરાઈ રહ્યા છે. લોકોને ખાંસી, તાવ, કફ અને ગળામાં દુખાવાની ફરિયાદો થઇ રહી છે. આ વાતાવરણમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકો ના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે.

પાણીને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો કે જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. બાળકોના તથા વયોવૃદ્ધ લોકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ તકેદારી રાખવી.