મારા ભણતરના દહાડાઓમાં ધોરણ-૪ માં ‘સાદ કરે છે’ નામની પ્રહલાદ પારેખની કવિતા આવતી હતી. આજે એ કવિતાનું પઠન કરીએ તો આપણને આપણા એ દિવસો યાદ આવ્યા વગર ન રહે.
ગામડાંગામનું પાદર હોઈ ત્યા વડ કે આમળી કે પીંપર જેવા તોતિંત ઝાડ હોઈ જ, અથવા તો આજુબાજુ વિશાળ વડ હોય જ. આપણે રજાના દિવસે બધા ભાઈબંધો ભેગા થતા અને ત્યા બેસીએ. વિવિધ રમતો રમતા અને ખુબ આનંદ કરતાં. મને યાદ છે કે વડ હોઈ એટલે વાંદરા માફક આપણે વડવાઈએ ટીંગાતા. એમાય આંબલી-પીપળી નામની એક રમત ખુબ મશહૂર હતી. ઝાડ નીચે ધૂળમાં એક વર્તુળ દોરવાનું અને જેના ઉપર દાવ આવે એ ત્યાં વર્તુળ પાસે ઉભો રહે. દાવ લેનાર એક ખેલાડી સિવાય તમામ ઝાડ ઉપર ચડી જાય. ઝાડ ઉપર ચડવાનાં જે ચપળ હોઈ તે નીચે રહે. હવે બે ખેલાડી જ નીચે રહ્યા એક જેના ઉપર દાવ આવ્યો તે અને બીજો દાવ લેનાર. દાવ લેનાર એક મોટુ બે ફુટ જેટલુ લાકડાનુ ડંડીકુ એક પગ ઉંચો કરી નીચેથી ફેંકી ઝાડ ઉપર ચડવા તૈયાર રહે. જેના પર દાવ હોઈ તે એ ડંડીકું લઈને તે વર્તુળમા મુકી ઝાડ ઉપરના કોઈપણ ખેલાડીને પકડવા દોડે. હવે એને ધ્યાન એ રાખવાનું કે દાવ લેનાર ઝાડ ઉપરના કોઈપણ ખેલાડી વર્તુળમાં મૂકેલ ડંડીકું પકડી લે એ પહેલાં જ ખેલાડીને અડી જવાનુ તો જ એનો દાવ પુરો થાય. એટલે એમને એ વર્તુળમાં મૂકેલ ડંડીકાવાળી જગ્યાનું રક્ષણ કરીને ખેલાડીને પકડવાનો. જો તે કોઈ એક ખેલાડીને ટાર્ગેટ કરીને પકડવા ઝાડ ઉપર વધુ ઊંચાઈએ પહોંચે તો બીજો ખેલાડી ડંડીકુ પકડી લે એટલે દાવ ફરી ચાલુ થતો. આ રમત ખુબ અઘરી હતી. ક્યારેક ઝાડ ઉપરથી પડી જઈએ તો હાથ-પગ તુટી પણ જાય. તમે વિચારો કે એ સમયે આપણી કેટલી હિંમત હતી. અરે ઝાડ ઉપરથી પડ્યાં હોઈએ અને પગમા લાગ્યું હોઈ તો આઠ આઠ દિવસ લંગડાતા ચાલતા પણ ઘરે ખબર ન પડવા દેતા. મિત્રોને સમ (કસમ/સોગંધ) આપતા અને કહેતા કે ઘરે કોઈને કહેતા નહિ.
શું એ સમય હતો. શું એ મજા હતી. સામાન્ય ચામડી છોલાય જતી તો ભાઈબંધ ફૂંક મારે ત્યાં સારૂ થઈ જતું અને ઘા રૂઝાઈ જતાં. આવી રમતો આજનાં બાળકોમાં ન જોવા મળે. તમે હમણા સોશ્યલ મીડીયા ઉપર જોયુ હશે કે ૧૫ વરસનાં છોકરાને તેમનાં માતા-પિતાને મોબાઈલ ફોન ન આપ્યો તો ઘરમાં તોડફોડ કરી લાખોનું નુકશાન પહોંચાડ્યું અને આપણે! આપણે ભૂલથી ચંપલથી ડટ્ટી તોડી હોઈ તો બાપુજી એક થપ્પડ મારી દેતા તો આપણે આઠ દિવસ કોઈ જીદ ન કરતાં. ખેર! સમય છે અને હમેંશા વહેતો રહે છે પણ આવી વાતો લખીએ અને વાંચીએ, આપણા સંતાનોને પણ વંચાવીએ જેથી આપણી સ્થિતિ શું હતી? આપણે કેવા દિવસોમાં જીવ્યા! આ બધો એમને ખ્યાલ આવે અને પ્રેરણા મળે. મારી વાતો ગમે, ઉપયોગી લાગે અને જીવનમાં વણવા જેવી લાગે તો જરા અમથી કોમેન્ટ કરજો. મારો હેતુ અને પ્રયાસ આપણી પરંપરાને જાળવવાનો છે, એનુ રક્ષણ કરવાનો છે.

ટંકારીઆ ગામે રવિવારના રોજ ગત વર્ષની મર્યાદિત ૩૦ ઓવરની નોકઆઉટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર વોરાસમની ઇલેવન અને પરીએજ ઇલેવન વચ્ચે પ્રેક્ષકોની ભરચક ઉપસ્થિતિમાં રમાઈ હતી. જેમાં જબરજસ્ત રસાકસી વચ્ચે વોરાસમની ઇલેવનનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
મેચ ની શરૂઆતમાં પરીએજ ઇલેવનની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. જેમાં વોરાસમની ઈલેવને પ્રથમ દાવમાં નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૬૦ રન ફટકાર્યા હતા જેમાં કેપ્ટાન મકબુલ પટેલના ૪૫ બોલમાં ૭૪ રન અગત્યના હતા. જેના જવાબમાં પરીએજ ઇલેવન નિર્ધારિત ૩૦ ઓવરમાં ફક્ત ૨૨૬ રન ફટકારતા વોરાસમની ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.
ટ્રોફી વિતરણ સમારંભમાં મુબારકભાઈ ડેરોલવાળા, કે.પી. ગ્રુપ ઓફ કંપનીના સહયોગી મુસ્તાકભાઈ કોઠીવાલા, સલીમ ઘડિયાળી, મુબારક ભાણીયા, યુ.કે.થી પધારેલા ઇસ્માઇલભાઈ ખૂણાવાલા, યુસુફ બાપુજી તેમજ સુલેમાન પટેલ જોલવા, ઇસ્માઇલ મતાદાર, અબ્દુલ્લાહ ટેલર, મકબુલ અભલી, કરણભાઇ ટેલર, બાબુભાઇ પરફેક્ટવાળા, ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, નાસીર લોટીયા તેમજ આજુબાજુના ગામના સરપંચો ઉપરાંત ગામ તથા પરગામના ક્રિકેટપ્રેમીઓ, આગેવાનો ઉપસ્થિ રહ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન ઝાકીર ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી એ સફળતાપૂર્વક કર્યું હતું.