આજે તારીખ ૧૮/૧૨/૨૦૨૨ ને રવિવારના રોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાના ટંકારીઆ તથા બરોડા હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બરોડા હાર્ટ હોસ્પિટલ અને ટ્રાઇકલર હોસ્પિટલના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટએ પોતાની સેવા આપી હતી. તથા મદની શિફાખાનાના ડો. હુશેન ભાટિયા (કાર્ડીઓલોજીસ્ટ) તેમજ ડો. મોહસીન રખડા (જનરલ ફીજીશીયન) એ સેવા આપી હતી.
આ કેમ્પમાં ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ગામના એન.આર.આઈ. ભાઈઓ ઉપરાંત સરપંચ ઝાકીર ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, સામાજિક કાર્યકર મુસ્તુફાભાઈ ખોડા, ઉસ્માન લાલન, નાસીર લોટીયા, યુસુફ જેટ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, ઇલ્યાસ જંગારિયા, અઝીઝ ભા તથા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોએ ખડે પગે સેવાઓ આપી હતી.

ગતરોજ તારીખ ૧૭/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ ગ્રામ પંચાયત ટંકારીઆ તથા સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના સંયુક્ત પ્રયાસથી સવારે ૧૦ થી ૧ વાગ્યા દરમ્યાન ટંકારીઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી,એચ .સી. સેન્ટર) માં ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત ડો. જયવીરસિંઘ અટોદરિયા (કાર્ડિયોલોજિસ્ટ) ડો. શ્રુજન શેટ્ટી (ઓર્થોપેડિક) ડો. કૃપાલી કાકડિયા (ગાયનેકોલોજિસ્ટ) તેમજ ડો. કૌશિક (એમ.ડી.ફિઝિશિયન)ને નિઃશુલ્ક સેવા આપી હતી. આ કેમ્પમાં ગામ તથા પરગામના આશરે ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ તબક્કે ગામ પંચાયત ટંકારીઆ સરદાર પટેલ હોસ્પિટલના તમામ ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ તથા ટંકારીઆ પી,એચ .સી. સેન્ટર ના તમામ કર્મચારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

અરબી સમુદ્રમાં મુંબઈની આસપાસ સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વાતાવરણ છેલ્લા પાંચ દિવસથી યથાવત રહેતા રવિ પાકોને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. કારણકે વાતાવરણ સતત વાદળછાયું જ રહે છે અને આવા વાતાવરણમાં ખેડૂતોના મતાનુસાર પાકોમાં ઈયળો પડી શકે છે જે ઉભા પાકને નુકશાન કરી શકે છે. કમોસમી વરસાદ વરસવાની સંભાવનાનો લઈને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. તેમજ વાતાવરણના બદલાતા મિજાજ ને કારણે તાવ, શરદી, માથાના દુખાવા જેવી બાબતો પણ સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભરૂચ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સક્રિય થઇ ગયું છે.

ટંકારીઆ નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં ૧૫માં નાણાપંચ સને ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલા કામોમાંથી ટંકારીઆ કબીર સ્ટ્રીટમાં આશરે ૨,૮૦,૦૦૦/- ની રકમનું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામની સંગે બુનિયાદ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ સરપંચ તથા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ગ્રામપંચાયતે આ કામ ઘણીજ સુંદરતા સાથે પૂરું કર્યું હતું. આ વિકાસના કામમાં જે લોકો સહભાગી થયા હતા તે તમામનો ગ્રામ પંચાયત સરપંચ ઝાકીરહુસેન ઉમતા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગળ પણ વિકાસના કામોમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે.

 

 

ગત રવિવારના રોજ બારીવાલા ગ્રાઉન્ડ પર ગત વર્ષની બાકી રહી ગયેલ ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટ ની ફાઇનલ શેરપુરા ટાઇગર તથા વલણ ટાઇગર વચ્ચે રમાઈ હતી. જેમાં વલણના પ્રથમ દાવમાં ૧૪૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં શેરૂપરાની ટીમે નિર્ધારિત ઓવારો પહેલા રન પુરા કરી દેતા શેરપુરાનો જવલંત વિજય નીવડયો હતો. બારીવાલા ગ્રાઉન્ડ આ મેચ નિહાળવા આવેલા પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.