ટંકારીઆમાં ડ્યુઝબરી-બેટલીના MP ઇકબાલ હુસૈન મહંમદની મસ્જિદ-મદરસા કમિટી સાથે મહત્વની બેઠક
ડ્યુઝબરી અને બેટલીના સાંસદ ઇકબાલ હુસૈન મહંમદના ટંકારીઆ ગામના રોકાણ દરમિયાન ટંકારીઆ મસ્જિદ-મદરસા કમિટીના ટ્રસ્ટીઓ અને સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. ટંકારીઆ મસ્જિદ-મદરસા કમિટીના આમંત્રણને પગલે જનાબ ઇકબાલ હુસૈન મહંમદ, જનાબ મુસ્તુફાભાઈ ખોડા સાથે ટંકારીઆ દારૂલ ઉલૂમની ઓફિસ ખાતે સમયસર આવી પહોંચ્યા હતા.
બેઠકની શરૂઆત જનાબ હાફિઝ ગુલામ ઇપલી દ્વારા કુરઆન પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ જનાબ હાજી ઇબ્રાહિમ મનમન સાહેબ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી જનાબ ઇકબાલ હુસૈન મહંમદનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જનાબ નાસીરભાઈ લોટીયાએ જનાબ ઇકબાલ હુસૈન મહંમદનો પરિચય આપ્યો હતો. તેમણે ઇકબાલ હુસૈન મહંમદની જીવનયાત્રા તેમજ તેમના પરિવારના ટંકારીઆ ગામ સાથેના સંબંધો અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ જનાબ ઇકબાલ હુસૈન મહંમદે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને સભ્યો સાથે સંવાદ કર્યો હતો. તેમણે પોતાના જાહેર જીવન અને અંગત અનુભવો અંગે વાત કરી હતી. સાથે જ વર્તમાન સમયની જરૂરિયાતો, શિક્ષણ, સમાજ સામેના પડકારો અને નવી પેઢી માટેની તકો સહિતના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પરસ્પર વિચારવિમર્શ દરમિયાન સંસ્થા, શિક્ષણ અને સામાજિક વિકાસ સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર વિચારો તથા માહિતીનું આદાન-પ્રદાન થયું હતું.
લગભગ દોઢથી બે કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિગતવાર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકના અંતે જનાબ ગુલામ સાહેબ ઇપલી દ્વારા ઉપસ્થિત મહેમાન તથા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કમિટીના સભ્યો દ્વારા આયોજિત અલ્પાહાર પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
કમિટીના જણાવ્યા મુજબ, ઇકબાલ હુસૈન મહંમદ સાથેનો આ સંવાદ પરસ્પર વિચારો અને અનુભવોના આદાન-પ્રદાન માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યો હતો.



TANKARIA WEATHER
Good