અંજુમન હોસ્પિટલની નવી બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટનો સ્ક્રીન પ્રેઝન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
પ્રિય ભાઈઓ-બહેનો અને એન.આર.આઈ. મિત્રો,
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં અંજુમન નુસરતુલ મુસ્લિમીન ૧૯૮૪થી અવિરત સેવાનો પ્રવાહ વહાવી રહી છે. વર્ષ ૨૦૦૨થી ચાલતી અંજુમન હોસ્પિટલ નાત-જાત, ધર્મ-સમુદાયના કોઈ ભેદભાવ વિના નજીવી ફીમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા આપીને લાખો હૃદયોમાં આશાનું કિરણ બની છે. આજ સુધીમાં ટંકારીઆ અને આજુબાજુના ૨૨થી વધુ ગામોના ૬ લાખથી વધુ દર્દીઓએ આ હોસ્પિટલનો લાભ લીધો છે. આ એક અદ્ભુત સફર છે, પરંતુ હજુ અધૂરી છે. હાલની હોસ્પિટલ ટંકારીઆ ગામની મધ્યમાં આવેલા મુખ્ય બજારની બાજુમાં હોવાથી પાર્કિંગ અને ટ્રાફિકની તકલીફો દર્દીઓ માટે મોટી અડચણ બની છે. હાલમાં હોસ્પિટલ અંજુમન હસ્તકના ૧૦૦ વર્ષ જૂના બે મકાનોમાં ચાલી રહી છે. આ મકાનોમાં અનેક જાતની મરામત અને સુરક્ષાની સમસ્યાઓ ઊભી થાય છે. આ તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે અંજુમને એક ભવ્ય, આધુનિક અને વિશાળ હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન જોયું છે. ૨૦૨૨થી આ નવા બિલ્ડિંગનું નિર્માણ શરૂ થયું અને સ્ટ્રક્ચર તો તૈયાર થઈ ગયું છે, પરંતુ હજુ ફિનિશિંગ, ઇન્ટિરિયર, મેડિકલ સાધનો અને અન્ય ઘણું બધું મહત્વનું કહી શકાય એવું કામ બાકી છે.
આ અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે બધાના સહકારની આશા સાથે એક ખૂબ જ મહત્વનો કાર્યક્રમ અને મહત્વની મશવેરા મિટિંગ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અંજુમનની બાંધકામ હેઠળની નવી બિલ્ડિંગમાં યોજાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મૌલાના લુકમાન ભુતાએ પધારેલા મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાના ધ્યેયો લોકો સામે રજૂ કરી સહકારની અપીલ કરી હતી. ત્યારબાદ યુ.કે.થી પધારેલા ઈમ્તિયાઝભાઈ વરેડીયાવાલા ઉર્ફ ટંકારવીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં હાજરજનોને સમાજના ઉત્થાનની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેવાનો મતલબ ફક્ત દાન નથી પરંતુ તમારો સમય, કામગીરી, મદદ અને સારા કાર્યોની પ્રશંસા પણ એક દાન છે. તેમણે આહવાન કર્યું હતું કે સમાજે સમયની મુખ્યધારા સાથે જોડાવું પડશે. તેમણે અંજુમનના કાર્યોની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાને પગભર થવા સમાજે દરેક રીતે પ્રયાસો કરવા પડશે. ત્યાર બાદ ડો. ઝુબેર ચટી દ્વારા હોસ્પીટલની અત્યાર સુધીની સેવાકીય કાર્યોની સવિસ્તાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. તેમણે સંસ્થા દ્વારા અત્યાર સુધીની સેવાઓનો સવિસ્તાર ચિતાર રજૂ કરી હાલમાં હોસ્પીટલની તકલીફો અંગે વિગતવાર વાત કરી અંજુમન હોસ્પિટલ માટે નવી બિલ્ડીંગ બનાવવાની કેમ જરૂર છે એ અંગે મોટી ડિજિટલ સ્ક્રીન ઉપર આંકડાકીય માહિતી સાથે સુંદર અહેવાલ મીટીંગમાં રજૂ કર્યો હતો.
અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ હાજી આદમભાઇ લાલીએ અંગ્રેજીમાં સંસ્થા વિશે માહિતી ચિતાર રજૂ કરી જણાવ્યું હતું કે, ઇનસાનીયતની સેવા કરવી એ પણ અલ્લાહની ઈબાદતનો ભાગ છે; તેમણે તે વાત પર ખાસ જોર આપી સુંદર પ્રવચન આપ્યું હતું. આ મહત્વના કાર્યક્રમમાં ટંકારીઆ તથા આજુબાજુના ગામોના ભાઈઓ, એનઆરઆઈ ભાઈઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ ઉપરાંત WBVF ની ટીમના ૭ હોદ્દેદારોની હાજરી ખાસ ધ્યાન ખેંચે તેવી હતી.
બધા મહાનુભાવોના પ્રવચનો પછી હાજરજનોના મશવેરાની હિમાયત કાર્યક્રમના સંચાલક યુ.કે.થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ કરતાં ટંકારીઆ ગામના સામાજિક અગ્રણી નાસીરહુસેન લોટિયાએ તેમના મંતવ્યમાં અંજુમનના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વહેલીતકે પૂરું કરવા બધાના સાથ સહકારની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ હોસ્પિટલનો લાભ ઘરઆંગણે અને એકદમ રાહતદરે ટંકારીઆ ગામ અને આજુબાજુના અનેક ગામોના લોકોને મળે એ આજના સમયની જરૂરિયાત હોવાથી બધાને યથાશક્તિ દાન આપવા તેમણે અપીલ કરી હતી. યુકેથી પધારેલા ફઝલભાઇ ભુતાવાલાએ એમના ભાવુક શબ્દોમાં અને સલીમભાઈ વરુએ એમના જોશીલા શબ્દો સાથે આ કામમાં મદદરૂપ થવાની બાંહેધરી આપી હતી. બાદમાં WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીરભાઈ પટેલે અંજુમનની પ્રશંસા કરી હેલ્થકેરમાં આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમ બને તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સંચાલક ઈકબાલ ધોરીવાલાએ તેમના જોશીલા અંદાઝમાં લોકોને આ હોસ્પિટલને ખુબ ડોનેશન આપી આ હોસ્પિટલ જલ્દી થી જલ્દી કાર્યરત થાય તેવી અપીલ કરી હતી. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું હતું કે, જે પ્રમાણે ટંકારીઆ હાઈસ્કૂલનું નવું મકાન બનાવવા માટે દેશવિદેશના લોકો મદદરૂપ થયા હતા અને ખુબ સુંદર મકાન તૈયાર થયું હતું તેવી જ રીતે આ હોસ્પિટલને પણ મદદરૂપ થશો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાના સફિરો વિદેશમાં ડોનેશન માટે ફરશે તો તેમને જરૂર આ માનવતાના કાર્યમાં મદદરૂપ થશો. કરમાડ ગામના અને યુ.કે. માં સ્થાયી થયેલા અબ્દુલભાઇ મક્કન ખૂબ સારા ચિત્રકાર છે અને તેમના અનેક ચિત્રો જુદા જુદા દેશોના પ્રદર્શનોમાં ખ્યાતી પામ્યા છે. તેમણે આપણા ગામની જામા મસ્જિદ [મોટી મસ્જિદ] નું આબેહૂબ ચિત્ર દોર્યું છે અને તેને ખુબજ સરસ રીતે ફ્રેમમાં મઢાવી અંજુમન હોસ્પિટલને ભેટ કર્યું છે; આ ચિત્રની હરાજી કરી જે રકમ આવશે તે અંજુમન હોસ્પિટલના બાંધકામમાં ઉપયોગમાં લેવાશે.
“ટંકારીઆ રત્ન” જેવો એવોર્ડ પણ જેમની સમાજ સેવાઓ માટે નાનો લાગે, સમગ્ર વહોરા પટેલ સમાજ માટે એક આદર્શ નમુનો ગણી શકાય એવા ટંકારીઆ ગામના પનોતા પુત્ર, ચિંંતનશીલ મહાન દાનવીર આદમભાઈ લાલી સાહેબ આજની જરૂરીયાત અને એની સામેની પરીસ્થિતિ બરાબર સમજી ગયા છે. એક એવો હાથ જે હંમેશા દાન આપવા માટે જ લાંબો થયો છે એ મહાન દાનવીરનો હાથ આજે દાન મેળવવા માટે લાંબો થવા મજબુર બન્યો છે એ પણ એક કડવી હકીકત છે. આ વખતે એમના વ્યસ્ત ધંધાની કે ઉંમરની ચિંતા કર્યા વગર જુદા જુદા દેશોમાં જાતે ફરી લોકો પાસે દાન ઉઘરાવવાની જવાબદારી તેમણે સ્વીકારી છે. એમની સાથે ગામના હમદર્દ એવા ઐયુબભાઇ મીયાંજી, ગામના ફિકરમંદ ઇકબાલભાઈ ધોરીવાલા અને અન્ય જવાબદારો દેશ વિદેશમાં તમારી મુલાકાતે આવે ત્યારે પૂરે પૂરો સહકાર આપજો.
ટંકારીઆ ગામના ભાતીગળ ઇતિહાસ પર નજર નાખતાં આજે છાતી ઠોકીને ગર્વ સાથે કહેવાનું મન થયું છે કે આ ગામના લોકોએ કરેલા કારનામાઓની નોંધ દેશ વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ નાનું મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું હોય એવું આપણા ઇતિહાસમાં નથી. આ હોસ્પિટલ મારી, તમારી અને આપણા બધાની છે ત્યારે નાના મોટા મતભેદોને આજે બાજુ પર રાખી આગળ આવવાનો આ સમય છે. ચાલો આદમ સાહેબ લાલી જેવા સમજદાર અને ચિંતનશીલ વ્યક્તિની રાહબરીમાં આગળ વધી અલ્લાહ તઆલાની મહાન જાતથી ઉમ્મીદ રાખી મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની જવાબદારી નિભાવવા સંનિષ્ઠ કોશિશ કરીએ.
આવો, હાજી આદમભાઈ લાલી જેવા મહાનુભાવના નેતૃત્વમાં આગળ વધીએ અને અલ્લાહની રહેમતથી આ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલીએ. દાન આપવા માટે સંપર્ક કરો અથવા સહયોગ આપો. આપનું દાન કોઈ એક દર્દીની તકલીફો ઓછી કરી શકે છે કે દર્દીની જિંદગી પણ બચાવી શકે છે!
જઝાકઅલ્લાહુ ખૈરન્
આવો, સાથે મળીને ટંકારીઆને આરોગ્યનું નવું કેન્દ્ર આપીએ!
આજના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇકબાલભાઈ ધોરીવાલાએ એમના આગવા અંદાજમાં કર્યું હતું. કાર્યક્રમનું ડિજિટલ કવરેજ અને પ્રસારણ B Buzz India દ્વારા કરવામાં આવ્યું હતું. વેબસાઇટ પરનું પ્રસારણ www.mytankaria.com દ્વારા કરવામાં આવ્યું હતું.







TANKARIA WEATHER
Leave a Reply