ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળા(મુખ્ય)નો અદભુત દેખાવ

તારીખ 25/09/2025 ના રોજ GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભરૂચ દ્વારા આયોજિત ટંકારીઆ ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો કંબોલી પ્રાથમિક મિશ્ર શાળાના પટાંગણમાં ખૂબ જ સરસ રીતે ઉજવાય ગયો. કંબોલી પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ સોલંકી,CRC સાહેબ ઘનશ્યામભાઈ પઢિયાર અને સ્ટાફના શિક્ષક મિત્રોએ નોંધનીય આયોજન કરેલ હતું.
ટંકારીઆ ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ 14 શાળાઓએ અલગ અલગ એવા પાંચ વિભાગોમાં કુલ ૩૫ જેટલી સુંદર કૃતિઓ રજૂ કરી હતી.ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ દરેક વિભાગમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.કૃતિઓમાં રહેલી નવીન બાબતો,નવીન વિચારો અને બાળકોની દમદાર રજૂઆતોએ નિર્ણાયકો સહિત હાજર રહેલા તમામને આકર્ષિત કર્યા હતા.જેના ફળસ્વરૂપ બે વિભાગોમાં પ્રથમ ક્રમાંક અને ત્રણ વિભાગોમાં દ્વિતીય ક્રમાંક મેળવી ટંકારીઆ કુમાર શાળાના બાળકોએ શાળાનું અને ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે.
વિભાગ -1 – “ટકાઉ ખેતી” માં મુકવામાં આવેલ કૃતિ “ક્રોપ પ્રોટેક્શન વિન્ડ મિલ” ને પ્રથમ ક્રમાંક મળેલ છે.આ કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો ૧)રીઝવાન સરફરાજ બળિયા ૨) મુહંમદ એજાઝ દેડકા તથા માર્ગદર્શક શિક્ષક શ્રી મહંમદરફીક આઈ. અભલી છે.
વિભાગ -૨ – “કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો” માં રજૂ કરવામાં આવેલ કૃતિ “ડ્રેનેજ ક્લીનર સિસ્ટમ” પણ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થયેલ છે.આ કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો ૧) અહમદ સઈદ ભોલા ૨) સહલ જુનેદ અમેરિકન તથા માર્ગદર્શક શિક્ષક એવા ગૃપાચાર્ય શ્રી શબ્બીરહુશેન આઈ. પટેલ છે.
આ ઉપરાંત ટંકારીઆ કુમાર શાળા દ્વારા વિભાગ -૩,૪ અને ૫ માં રજૂ કરવામાં આવેલ કૃતિઓએ દ્વિતીય ક્રમાંક મેળવેલ છે.આમ સમગ્ર વિજ્ઞાન મેળામાં ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસિલ કરી ટંકારીઆ ગામનું નામ રોશન કરેલ છે.ટંકારીઆ કુમાર શાળાની આ અદ્વિતીય સિદ્ધિને ટંકારીઆ ગામે વધાવી લીધેલ છે.તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને ગામલોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી તેઓની મહેનતને વધાવી લીધેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*