B Buzz Media INDIAનું ભવ્ય પદાર્પણ: ભરૂચથી શરૂ થયો નવો અધ્યાય

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી યુનાઇટેડ કિંગડમમાં સફળતાપૂર્વક કાર્યરત, વૈશ્વિક સમુદાયોને જોડતું શક્તિશાળી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ B Buzz Media UK એ હવે ભારતમાં પોતાના પગ જમાવ્યા છે. યુ.કે. સહિત ૧૨થી વધુ દેશોમાં પોતાનું પ્રસારણ ધરાવતા આ મીડિયા સામ્રાજ્યનું ભારતીય અવતાર B Buzz Media INDIAનું ભવ્ય લોન્ચિંગ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભરૂચની Hotel Regenta Central ખાતે સાંજે ૪:૦૦ વાગ્યે યોજાયું હતું.

આ ભવ્ય કાર્યક્રમમાં હજ કમિટીના ચેરમેન સુફી મેહ્બુબ અલી બાવા, કે.પી. ગ્રુપ એન્ડ કંપનીઝના અફવાન ડૉ. ફારૂકભાઇ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, સફળ બિઝનેસમેન આદમ સાહેબ લાલી (ટંકારવી) અને સાલ્યા સાહેબ, કિરણભાઈ મજમુદાર, આદમભાઇ આબાદનગર વાળા, સલીમ અમદાવાદી, ઇકબાલભાઇ પાદરવાલા, WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ, WBVF ટીમ, MMCT ટીમ, VCT ટીમ,  PMET ના મહંમદભાઇ ભાયજી, વેલ્ફેર અને વલણ હોસ્પીટલની ટીમ ઉપરાંત જુદાજુદા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી મહંમદ ઇકબાલ ભુતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજા કાયસ્થે પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ B Buzz Media Indiaના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ગુજરાત ટુડેના તંત્રી તથા પ્રખર લેખક અઝીઝ ટંકારવીએ મહાનુભાવોને આવકારી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ અંગે વિસ્તૃત વાત કરી હતી. ત્યારબાદ B Buzz UKના એડિટર-ઇન-ચીફ ઇમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા (ઉર્ફ ટંકારવી)એ B Buzz UK અને Indiaના વિઝન, ઉદ્દેશો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
અમારું લક્ષ્ય
યુ.કે., ભારત અને વૈશ્વિક સ્તરે એક સમાવેશી, સશક્ત અને જોડાણકારી મીડિયા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવવું – જે સમુદાયોને સશક્ત બનાવે, તેમના અવાજને વેગ આપે અને વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડે.
અમારા મુખ્ય ઉદ્દેશો
વ્યક્તિગત તેમજ સામુદાયિક સશક્તિકરણ, તળિયાના વર્ગોની વાતો, પ્રતિભા અને દ્રષ્ટિકોણને પ્લેટફોર્મ આપવું, સાંસ્કૃતિક વારસો, હેરિટેજ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન, સરહદો પાર સહિયારા મૂલ્યો, નવીનતા અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવું.
અમારું મિશન
એક વિશ્વસનીય, નિષ્પક્ષ અને સમુદાય-કેન્દ્રિત મીડિયા પ્લેટફોર્મ બનાવવું – જે સંસ્કૃતિઓને જોડે, અંતર દૂર કરે, હકારાત્મક કહાનીઓ, રોલ મોડલ્સ અને પરિવર્તનકારી વિચારો દ્વારા વિશ્વને પ્રેરણા આપે.
અમારા મૂળભૂત મૂલ્યો: આચાર-નીતિ, ચોકસાઈ, નિષ્પક્ષતા, જવાબદારી, સ્વતંત્રતા અને માનવતા.

લોન્ચિંગની સાથે જ B Buzz Media Indiaએ શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિક, સામાજિક, રમતગમત, સમાજસેવા અને રાજકીય ક્ષેત્રે અગ્રણી યોગદાન આપનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓને પુરસ્કારો દ્વારા સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી દીધી છે.

B Buzz Media – માત્ર મીડિયા નહીં, એક સશક્તિકરણની ચળવળ! આવો, આપણે સાથે મળીને વધુ સુંદર, વધુ જોડાયેલું અને વધુ પ્રેરણાદાયી વિશ્વનું નિર્માણ કરીએ.

B BUZZ Media UK તરફથી ફારૂકભાઇ Founder, CEO & Producer અને ઈમ્તિયાઝ પટેલ B BUZZ Media UK ના Editor in chief ભારત દેશમાં B BUZZ Media India ના વિમોચન માટે ખાસ આવેલા છે. સાથે સાથે B BUZZ Media India ટીમના લીડ મેમ્બર, સીનીયર એડવાઇઝર અને BOD અઝીઝ સાહેબ ટંકારવી અને B BUZZ Media Indiaના Editor in chief ઇકબાલભાઇ ઉઘરાદારની વિમોચનના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવવાની કોશિશ સફળ રહી છે.

B BUZZ Media India ના વિમોચનની સાથે સાથે B BUZZ દ્વારા જુદાજુદા ક્ષેત્રો માટે પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. જેમાં નોધનીય પુરસ્કારોમાં KP Group ને Best Business નો, MMCT, VCT અને PMET ને શૈક્ષણિક ક્ષેત્રનો પુરસ્કાર, World Bharuchi Vahora Federation અને Mamta Centreને Community Empowerment and Social Services માટે, લાયન્સ ક્લબ ભરૂચ, રોટરી ક્લબ ઓફ ભરૂચને સામાજિક સેવા માટે, ત્યારબાદ માનવ સમાજ સેવા પુરસ્કાર અંગત રીતે શ્રીમાન રશ્મીકાંત કંસારા સાહેબ, શ્રીમાન રાકેશભાઈ ભટ્ટ સાહેબને, ગુજરાત ટુડેને શ્રેષ્ઠ સમાચાર પત્ર તરીકેનો એવોર્ડ, ક્રિકેટ જગતમાં વિખ્યાત મુનાફ પટેલને રમતગમત ક્ષેત્રનો એવોર્ડ, આરોગ્ય ક્ષેત્રે સેવામાં ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અને વલણ હોસ્પિટલને પુરસ્કારો આપવામાં આવ્યા છે. ત્યારબાદ બે ખુબજ અગત્યના મરણોત્તર પુરસ્કાર આદરણીય મર્હુમ અહમદ પટેલ સાહેબને રાજકીય ક્ષેત્રનો પુરસ્કાર, ત્યારબાદ રાજકીય અને સમાજસેવા માટે મરણોત્તર પુરસ્કાર મર્હુમ યુનુસભાઇ અમદાવાદીને,  ત્યારબાદ Rising Business Entrepreneur તરીકેનો પુસ્કાર અનીશ હાજી (યુકે) ને, સામાજિક સેવા માટે સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામઠી અને યાસીનભાઇ દાદાભાઇને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ KP Group ની સાથે સાથે જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર કિરણભાઈ મજમુદાર અને આદમ લાલી સાહેબ ને B Buzz દ્વારા પોતાની ઔદ્યોગિક સિધ્ધિઓ અને સામાજિક ક્ષેત્રે દાનવીર તરીકે પુરસ્કાર અર્પણ કર્યો હતો. વલણ ગ્રામ પંચાયત અને ટંકારીઆ ગ્રામ પંચાયતને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે “Excellence Village Award” અર્પણ કરાયા હતા. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દયાદરા હાઇસ્કૂલના ડૉ. ઈમ્તિયાઝ મોદીને અર્પણ કરાયો હતો. આ ઉપરાંત ચુનંદા Social Media Influencers ને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

આજના સુંદર અને સફળ કાર્યક્રમનું સંચાલન વલણગામના પ્રતિભાશાળી મહંમદ ભોપા અને તેમની સાથે સહ-સંચાલક તરીકે પૂજા કાયસ્થે અત્યંત રસપ્રદ રીતે સંભાળ્યું હતું. બંનેએ પોતાના અનોખા અને આકર્ષક અંદાજમાં પ્રસંગને પૂરેપૂરો શોભાવતી સુંદર, રમુજી, પ્રેરણાદાયી તથા હૃદયસ્પર્શી વાતો એવી નિપુણતાથી રજૂ કરી કે સમગ્ર હાજરજનો શરૂથી અંત સુધી મંત્રમુગ્ધ બની રહ્યા; તેમના સંચાલન અને સમગ્ર ટીમના સુંદર સંકલનથી આખો કાર્યક્રમ એક સુખદ અને અવિસ્મરણીય અનુભવ બની ગયો.

 

ભરૂચના ટંકારીયા સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ હાશિમશાહ (રહ.)ના આસ્તાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.  તેમજ સૈયદ અહમદઅલી પાટણવાળા બાવા તથા ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ૨૭ મી રજજબના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. પાટણવાળા બાવા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ  શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા.
મગરીબની નમાજ બાદ ડેલાવાલા નવયુવાન કમિટી દ્વારા સામુહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી….

પ્રિય ભાઈઓ-બહેનો અને એન.આર.આઈ. મિત્રો,

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં અંજુમન નુસરતુલ મુસ્લિમીન ૧૯૮૪થી અવિરત સેવાનો પ્રવાહ વહાવી રહી છે. વર્ષ ૨૦૦૨થી ચાલતી અંજુમન હોસ્પિટલ નાત-જાત, ધર્મ-સમુદાયના કોઈ ભેદભાવ વિના નજીવી ફીમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા આપીને લાખો હૃદયોમાં આશાનું કિરણ બની છે. આજ સુધીમાં ટંકારીઆ અને આજુબાજુના ૨૨થી વધુ ગામોના ૬ લાખથી વધુ દર્દીઓએ આ હોસ્પિટલનો લાભ લીધો છે. આ એક અદ્ભુત સફર છે, પરંતુ હજુ અધૂરી છે. હાલની હોસ્પિટલ ટંકારીઆ ગામની મધ્યમાં આવેલા મુખ્ય બજારની બાજુમાં હોવાથી પાર્કિંગ અને ટ્રાફિકની તકલીફો દર્દીઓ માટે મોટી અડચણ બની છે. હાલમાં હોસ્પિટલ અંજુમન હસ્તકના ૧૦૦ વર્ષ જૂના બે મકાનોમાં ચાલી રહી છે. આ મકાનોમાં અનેક જાતની મરામત અને સુરક્ષાની સમસ્યાઓ ઊભી થાય છે. આ તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે અંજુમને એક ભવ્ય, આધુનિક અને વિશાળ હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન જોયું છે. ૨૦૨૨થી આ નવા બિલ્ડિંગનું નિર્માણ શરૂ થયું અને સ્ટ્રક્ચર તો તૈયાર થઈ ગયું છે, પરંતુ હજુ ફિનિશિંગ, ઇન્ટિરિયર, મેડિકલ સાધનો અને અન્ય ઘણું બધું મહત્વનું કહી શકાય એવું કામ બાકી છે.

આ અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે બધાના સહકારની આશા સાથે એક ખૂબ જ મહત્વનો કાર્યક્રમ અને મહત્વની મશવેરા મિટિંગ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અંજુમનની બાંધકામ હેઠળની નવી બિલ્ડિંગમાં યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મૌલાના લુકમાન ભુતાએ પધારેલા મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાના ધ્યેયો લોકો સામે રજૂ કરી સહકારની અપીલ કરી હતી. ત્યારબાદ યુ.કે.થી પધારેલા ઈમ્તિયાઝભાઈ વરેડીયાવાલા ઉર્ફ ટંકારવીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં હાજરજનોને સમાજના ઉત્થાનની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેવાનો મતલબ ફક્ત દાન નથી પરંતુ તમારો સમય, કામગીરી, મદદ અને સારા કાર્યોની પ્રશંસા પણ એક દાન છે. તેમણે આહવાન કર્યું હતું કે સમાજે સમયની મુખ્યધારા સાથે જોડાવું પડશે. તેમણે અંજુમનના કાર્યોની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાને પગભર થવા સમાજે દરેક રીતે પ્રયાસો કરવા પડશે. ત્યાર બાદ ડો. ઝુબેર ચટી દ્વારા હોસ્પીટલની અત્યાર સુધીની  સેવાકીય કાર્યોની સવિસ્તાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. તેમણે સંસ્થા દ્વારા અત્યાર સુધીની  સેવાઓનો સવિસ્તાર ચિતાર રજૂ કરી હાલમાં હોસ્પીટલની તકલીફો અંગે વિગતવાર વાત કરી અંજુમન હોસ્પિટલ માટે  નવી બિલ્ડીંગ બનાવવાની કેમ જરૂર છે એ અંગે  મોટી ડિજિટલ સ્ક્રીન ઉપર આંકડાકીય માહિતી સાથે સુંદર અહેવાલ મીટીંગમાં રજૂ કર્યો હતો.

અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ હાજી આદમભાઇ લાલીએ અંગ્રેજીમાં સંસ્થા વિશે માહિતી ચિતાર રજૂ કરી જણાવ્યું હતું કે, ઇનસાનીયતની સેવા કરવી એ પણ અલ્લાહની ઈબાદતનો ભાગ છે; તેમણે તે વાત પર ખાસ જોર આપી સુંદર પ્રવચન આપ્યું હતું. આ મહત્વના કાર્યક્રમમાં ટંકારીઆ તથા આજુબાજુના ગામોના ભાઈઓ, એનઆરઆઈ ભાઈઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ ઉપરાંત WBVF ની ટીમના ૭ હોદ્દેદારોની હાજરી ખાસ ધ્યાન ખેંચે તેવી હતી.

બધા મહાનુભાવોના પ્રવચનો પછી હાજરજનોના મશવેરાની હિમાયત કાર્યક્રમના સંચાલક યુ.કે.થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ કરતાં ટંકારીઆ ગામના સામાજિક અગ્રણી નાસીરહુસેન લોટિયાએ તેમના મંતવ્યમાં અંજુમનના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વહેલીતકે પૂરું કરવા બધાના સાથ સહકારની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ હોસ્પિટલનો લાભ ઘરઆંગણે અને એકદમ રાહતદરે ટંકારીઆ ગામ અને આજુબાજુના અનેક ગામોના લોકોને મળે એ આજના સમયની જરૂરિયાત હોવાથી બધાને યથાશક્તિ દાન આપવા તેમણે અપીલ કરી હતી. યુકેથી પધારેલા ફઝલભાઇ ભુતાવાલાએ એમના ભાવુક શબ્દોમાં અને સલીમભાઈ વરુએ એમના જોશીલા શબ્દો સાથે આ કામમાં મદદરૂપ થવાની બાંહેધરી આપી હતી.  બાદમાં WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીરભાઈ પટેલે અંજુમનની પ્રશંસા કરી હેલ્થકેરમાં આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમ બને તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સંચાલક ઈકબાલ ધોરીવાલાએ તેમના જોશીલા અંદાઝમાં લોકોને આ હોસ્પિટલને ખુબ ડોનેશન આપી આ હોસ્પિટલ જલ્દી થી જલ્દી કાર્યરત થાય તેવી અપીલ કરી હતી. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું હતું કે, જે પ્રમાણે ટંકારીઆ હાઈસ્કૂલનું  નવું મકાન બનાવવા માટે દેશવિદેશના લોકો મદદરૂપ થયા હતા અને ખુબ સુંદર મકાન તૈયાર થયું હતું તેવી જ રીતે આ હોસ્પિટલને પણ મદદરૂપ થશો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાના સફિરો વિદેશમાં ડોનેશન માટે ફરશે તો તેમને જરૂર આ માનવતાના કાર્યમાં મદદરૂપ થશો. કરમાડ ગામના અને યુ.કે. માં સ્થાયી થયેલા અબ્દુલભાઇ મક્કન ખૂબ સારા ચિત્રકાર છે અને તેમના અનેક ચિત્રો જુદા જુદા દેશોના પ્રદર્શનોમાં ખ્યાતી પામ્યા છે.  તેમણે આપણા ગામની જામા મસ્જિદ [મોટી મસ્જિદ] નું આબેહૂબ ચિત્ર દોર્યું છે અને તેને ખુબજ સરસ રીતે ફ્રેમમાં મઢાવી અંજુમન હોસ્પિટલને ભેટ કર્યું છે; આ ચિત્રની હરાજી કરી જે રકમ આવશે તે અંજુમન હોસ્પિટલના બાંધકામમાં ઉપયોગમાં લેવાશે.

“ટંકારીઆ રત્ન” જેવો એવોર્ડ પણ જેમની સમાજ સેવાઓ માટે  નાનો લાગે, સમગ્ર વહોરા પટેલ સમાજ માટે એક આદર્શ નમુનો ગણી શકાય એવા ટંકારીઆ ગામના પનોતા પુત્ર, ચિંંતનશીલ મહાન દાનવીર આદમભાઈ લાલી સાહેબ આજની જરૂરીયાત અને એની સામેની પરીસ્થિતિ બરાબર સમજી ગયા છે. એક એવો હાથ જે હંમેશા દાન આપવા માટે જ લાંબો થયો છે એ મહાન દાનવીરનો હાથ આજે દાન મેળવવા માટે લાંબો થવા મજબુર બન્યો છે એ પણ એક કડવી હકીકત છે. આ વખતે એમના વ્યસ્ત ધંધાની કે ઉંમરની ચિંતા કર્યા વગર જુદા જુદા દેશોમાં જાતે ફરી લોકો પાસે દાન ઉઘરાવવાની જવાબદારી તેમણે સ્વીકારી છે. એમની સાથે ગામના હમદર્દ એવા ઐયુબભાઇ મીયાંજી, ગામના ફિકરમંદ ઇકબાલભાઈ ધોરીવાલા અને અન્ય જવાબદારો દેશ વિદેશમાં તમારી મુલાકાતે આવે ત્યારે પૂરે પૂરો સહકાર આપજો.

ટંકારીઆ ગામના ભાતીગળ ઇતિહાસ પર નજર નાખતાં આજે છાતી ઠોકીને ગર્વ સાથે કહેવાનું મન થયું છે કે આ ગામના લોકોએ કરેલા કારનામાઓની નોંધ દેશ વિદેશમાં સતત લેવાતી રહી છે. ટંકારીઆ ગામનું કોઈ નાનું મોટું કામ આજ સુધી અધૂરું રહ્યું હોય એવું આપણા ઇતિહાસમાં નથી. આ હોસ્પિટલ મારી, તમારી અને આપણા બધાની છે ત્યારે નાના મોટા મતભેદોને આજે બાજુ પર રાખી આગળ આવવાનો આ સમય છે. ચાલો આદમ સાહેબ લાલી જેવા સમજદાર અને ચિંતનશીલ વ્યક્તિની રાહબરીમાં આગળ વધી અલ્લાહ તઆલાની મહાન જાતથી ઉમ્મીદ રાખી મારા, તમારા અને આપણા બધાના હિસ્સાની જવાબદારી નિભાવવા સંનિષ્ઠ કોશિશ કરીએ.

આવો, હાજી આદમભાઈ લાલી જેવા મહાનુભાવના નેતૃત્વમાં આગળ વધીએ અને અલ્લાહની રહેમતથી આ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલીએ. દાન આપવા માટે સંપર્ક કરો અથવા સહયોગ આપો. આપનું દાન કોઈ એક દર્દીની તકલીફો ઓછી કરી શકે છે કે દર્દીની જિંદગી પણ બચાવી શકે છે!

જઝાકઅલ્લાહુ ખૈરન્

આવો, સાથે મળીને ટંકારીઆને આરોગ્યનું નવું કેન્દ્ર આપીએ!

આજના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇકબાલભાઈ ધોરીવાલાએ એમના આગવા અંદાજમાં કર્યું હતું. કાર્યક્રમનું ડિજિટલ કવરેજ અને  પ્રસારણ B Buzz India દ્વારા કરવામાં આવ્યું હતું. વેબસાઇટ પરનું પ્રસારણ www.mytankaria.com દ્વારા કરવામાં આવ્યું હતું.