ખળું
“ખળું” આ શબ્દ નવી પેઢીના ખેડૂત દીકરાઓ માટે જાણે ખેડૂતપોથી માંથી જાણે ઘસાતો જવા લાગ્યો છે. વૈશાખ તપે એ પહેલા ફાગણીયે ટાણે ખેત સીમાડા જીવંત બની ધબકતા હોય છે. ખેતર ખળા નવા તાજા અનાજ ઊભર્યા-છલક્યા જોવાની વેળાએ ચાસેથી ઉપણેલું અનાજ હવે ખળી તરફ હોય, ખેડૂ પરિવાર ના અબાલવૃધ્ધ સૌ સભ્યો ઘર થી સીમ સુધી હડિયું’દોટ કરતા હોય, ધરતીએ ઉપજાવેલો એક એક દાણો સાફ સફાઈ બાદ ચોખ્ખો ચણાક થાય તેની મથામણ, ઘઉં, તુવેર, મગ, મઠિયા, જુવાર ખળામાં બળદના પગે પિલાવ્યા પછી, પછેડીએ વીંઝણો કરી પાલો, ગોતર, મગિયું વિગેરે સાથે ખેતરની ધૂળ ઉડાડવાની એ જૂની પરંપરા યુક્ત પૂર્ણ પ્રક્રિયા માં આજે તો સમયાંતરે અનેક બદલાવ આવ્યા છે. ડીઝલ, બેટરી કે વીજળીક ઉપકરણો સાથે મોટા પાંખિયા વાળા પંખા ટ્રેક્ટર કે થ્રેસર માં લાગ્યા, જેથી અનાજ સફાઈની મહેનત ઓછી થવા લાગી. તેમજ હવે નવી પ્રણાલી મુજબ તૈયાર થયેલો પાક ખેતરમાંજ સોજ્જો કરી દેવાનો એટલે ખળી ની મહત્વતા જાણે વિસરાઈ ગઈ છે. આવો ખળી નો વિસરાઈ ગયેલો નજારો આપણે નીચેના ફોટા માં જોઈને વીતેલા દિવસોની યાદોમાં ખોવાઈ જઈએ.