ટંકારીયા ગ્રામપંચાયત,પીએમ શ્રી કન્યાશાળા અને SRF ફાઉન્ડેશન દ્વારા ‘સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર’ યોજાયો
૧૦૦થી વધુ વાલીઓએ મેળવ્યું સાયબર સુરક્ષાનું માર્ગદર્શન; એક્સપર્ટ સુહેલભાઈ રાજે સુરક્ષાના ગુરુમંત્રો આપ્યા
ટંકારીયા:તારીખ 22/01/2026 ને ગુરુવારે ગ્રામપંચાયત ટંકારીયા પીએમ શ્રી કન્યાશાળા ટંકારીયા અને SRF ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મદ્રેસા હોલ ખાતે એક ભવ્ય ‘વાલી સંમેલન અને સાયબર ક્રાઈમ જાગૃતિ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતી જતી ઓનલાઇન છેતરપિંડીથી ગ્રામજનોને સુરક્ષિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત પ્રાર્થના ‘ઇતની શક્તિ હમે દેના દાતા…’ થી કરવામાં આવી હતી. શાળાના આબેદાબેન પટેલ દ્વારા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. SRF ફાઉન્ડેશનના ઝાકિરભાઈ એ કાર્યક્રમની રૂપરેખા અને તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ સુહેલભાઈ રાજ એ વાલીઓને ઓનલાઈન લોન એપ્લિકેશન, OTP ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ અને ક્યુઆર કોડ (QR Code) થી થતી છેતરપિંડી વિશે લાઈવ ઉદાહરણો આપી જાગૃત કર્યા હતા. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, કોઈપણ નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં ગભરાયા વગર તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો જોઈએ.
આ પ્રસંગે દિલ્હી હેડ ઓફિસથી ખાસ ઉપસ્થિત રહેલા નિશાબેન જુનેજા, તાલુકા પંચાયત સભ્ય અબ્દુલમામા ટેલર, ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યો, SMC સભ્યો અને આંગણવાડી વર્કરોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાહેદા એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

TANKARIA WEATHER
Leave a Reply