તીવ્ર ઠંડીમાં લીલા શાકભાજીની જિયાફત
છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત છે. ઠંડા મંદ મંદ પવનોને સથવારે ટંકારીઆ તથા પંથક રીતસરનું ઠુંઠવાઇ ગયું છે. લોકો ઠંડીથી બચવા સ્વેટર, મફલર, ગરમ ધાબળા, ગરમ પોશાકો પરિધાન કરી રહ્યા છે. રાત્રે ધૂણીસભા પણ યોજાઈ રહી છે. તેવામાં સવારે બજારમાં લીલા શાકભાજી જેવાકે મેથીની ભાજી, ચોરાઈ ની ભાજી, સવાની ભાજી, પાલક ની ભાજી, તાજી ટમટમતી ટામેટી, રીંગણ, ફુલાવર, લીલા પ્યાઝ, લીલા વટાણા, લીલું લસણ તેમજ ઋતુના ફાળો જેવાકે જમરૂખ અને બોર પધારી ચુક્યા છે. પ્રખ્યાત ઊંધિયું પણ લોકો બનાવી તેની મઝા માણી રહ્યા છે. વળી બોર………. ઓ…….હો……ગામના સીમાડે બોરડીઓ પર લાલચટ્ટક બોર પણ લચી પડ્યા છે. શૈશવના સ્મરણમાં યાદ હોય તો સાંજે શાળા છૂટે કે તરત દફતર ઘરે મૂકી [ફેંકી] ભાઈબંધો ની ટુકડી બોર ખાવા ઉપડી પડે. કોઈએ ચપ્પલ પહેર્યા હોય કે ઉઘાડા પગે હોય ખેતરોના શેઢે બોરડીઓ હોય એ બાજુ જાણે યુદ્ધ કરવા જઈ રહ્યા હોય તેમ બોરડી પર તૂટી પડે એ પછી કાંટા વાગવાના હોય તો વાગે. થોડાક બોર લાલચટ્ટક પાકા હોય તો વળી કેટલાક બોર અડધા કાચા હોય, બુશકોટનો ખોળો ભરાઈ જાય એટલે એક બાજુ બેસી બોરની મજા માણવાની. એમાંય વળી ખાતા ખાતા જો બોર જમીન પર પડી જાય તો ‘અલ્લાહ’ કે ‘ભૂત’ બોલવાનું અને ભાઈબંધો અલ્લાહ બોલે તો જ એ બોરને જમીન પરથી ઉપાડી તેને આરોગવાનું. વિચારોતો ખરા કેટલી નિર્દોષતા હતી આપણા બાળપણની. કાચા બોરને ઘરે લઇ જઈ મીઠાવાળા પાણીમાં બોળી તેને બીજા દિવસે ખાવાના. આવા હતા આપણા બાળપણના દિવસો. ખેર……….. નીચે લીલોતરીના કેટલાક ફોટો વાચકો માટે રજુ કર્યા છે. આશા છે કે ગમશે.


TANKARIA WEATHER
Leave a Reply