ભૂતકાળ ની ઓળખ

ચિત્ર જોતા જ ભૂતકાળમાં ગરકાવ થઈ જવાય. આને મકાન કરતા ખોરડા અને હોમ કરતા ઘર કહેવાની વધુ મજા આવે. યાદ કરો એ ચિત્ર … … મેડી ઉપર અલકમલકની વાત કરતા વડીલો,એમા પણ બે પાંચ મે’માન હોઈ અને ચાની ચુસ્કીઓ ચાલતી હોઈ. એકબીજાને આગ્રહ કરી કરીને પાતા હોઈ. આપણને પણ ખુબ આનંદ થતો કારણ કે મે’માન હોઈ એટલે જમવાની પણ ખાસ વસ્તુ બનશે. જો કે આપણે જે ખાવુ હોઈ એ ‘માં’ બનાવી જ દેતી પણ મે’માન આવે તે’દિ વધુ મજા આવતી કારણ કે ત્યારે આપણા લાડ વધારે ચાલતા. મે’માન હોઈ એટલે કોઈ કંઈ કહે જ નહિ. એમાય બીજી આશા એ રહેતી કે મે’માન જશે એટલે પૈસા આપશે એટલે મે’માનની જાવાની તૈયારી હોઈ એટલે આઘા ન ખસીએ. જેવા મે’માન જાય એટલે પૈસા પણ આપે અને આપણને આનંદ ન સમાય અને મે’માને આપેલ પૈસા શર્ટનાં ખિસ્સામાં મુકીએ અને ખિસ્સા ઉપર જ હાથ રાખતા. થોડી મિનીટ થાય એટલે એ પૈસા ‘માં’ ને આપી દેતા.
તે વખતની મેમાનગતી પણ અદ્દભૂત! મેમાનને જમવા ઉભા કરે એટલે એક સભ્ય પાણીથી હાથ ધોવરાવે અને પછી હાથ લુંછવા ટુવાલ આપે. મે’માનને આસન પાથરી દે. ભજીયાની થાળી ભરી હોઈ, વાટકીમાં ચટણી હોઈ, શાક અને દૂધનાં છાલિયા ભર્યા હોઈ. લાપશીથી તાંસળી ભરેલી હોઈ. પાટલા ઉપર ઘીથી ચોંપડેલ રોટલાની થપ્પી લાગી હોઈ. અલક મલકના સોગંદ દઈ દઈને મે’માનને ખવરાવતા. અને હા… આ આખી ઘટના હજુ આવા મકાનો જોઈએ એટલે નજર સમક્ષ તાદ્દશ દ્રશ્યમાન થાય છે.
નોંધ: નીચે દર્શાવેલ ફોટો આપણા ગામનો નથી પરંતુ નજીકના ગામડામાં જવાનું થયું અને ત્યાં ક્લિક કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*